ગુવાહાટી:પૂર્વોતર ભારતમાં ચૂંટણીના મેદાનમાં જીતનો ઝંડો લહેરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. BJPએ આસામ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માટે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જેમાં 'સુરક્ષિત આસામ, વિકસિત આસામ' ના વિઝન સાથે અનેક મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. આ ચૂંટણી ઢંઢેરામાં મુખ્યત્વે રાજ્યની સાંસ્કૃતિક ઓળખની રક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને રોજગારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ડૉ. હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે આસામ હવે અસ્થિરતામાંથી શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે.
સામાજિક અને કાનૂની મોરચે ભાજપે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની દિશામાં કામ કરવાની મોટી જાહેરાત કરી છે, જોકે તેમાંથી આદિવાસી વિસ્તારોને બાકાત રાખવામાં આવશે. આ ઉપરાંત, 'લવ જેહાદ' અને 'લેન્ડ જેહાદ' જેવી સમસ્યાઓ સામે લડવા માટે અસરકારક કાયદાઓ બનાવવાનું વચન પણ ભાજપે આપ્યું છે. ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા અને આસામના મૂળ નિવાસીઓના જમીન અધિકારોનું રક્ષણ કરવા માટે 'મિશન બસુંધરા' ને વધુ મજબૂત બનાવવાની વાત કહેવામાં આવી છે.
ભાજપે આગામી પાંચ વર્ષમાં ૨ લાખ વધારાની સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યું છે. આસામની અર્થવ્યવસ્થાને 2036 સુધીમાં 300 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. યુવાનોને સ્વરોજગાર માટે 'મુખ્યમંત્રી આત્મનિર્ભર આસામ અભિયાન' હેઠળ ૧૦ લાખ યુવાનોને ૫ લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ગરીબ પરિવારો માટે 'કેજી થી પીજી' (KG to PG) સુધીનું મફત શિક્ષણ અને 'ઓરુનોડોઈ' યોજના હેઠળ માસિક સહાય વધારીને ૩,૦૦૦ રૂપિયા કરવાનું આયોજન છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 5 લાખ કરોડ રૂપિયાના રોકાણનો સંકલ્પ કર્યો છે. આસામને ભારતનું 'પૂર્વીય પ્રવેશદ્વાર' બનાવવા માટે અનેક નવા એક્સપ્રેસ-વે, વંદે ભારત ટ્રેનો અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની યોજના છે. ખાસ કરીને આસામની પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 18,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 'બાઢ મુક્ત આસામ મિશન' શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ડિબ્રુગઢને આસામની બીજી રાજધાની તરીકે વિકસાવવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.