અમદાવાદઃ રાજ્યમાં લવ જિહાદનો વધુ એક કેસ સામે આવ્યો હતો. ખેડા પોલીસે ઓળખ બદલીને હિંદુ યુવતીને ફસાવીને લગ્ન કરનારા યુવકની ધરપકડ કરી હતી. બિહારનો નઝિમ અંસારી ખેડામાં રાજ બની ગયો હતો. જે બાદ તેણે હિંદુ યુવતીને ફસાવીને લગ્ન કર્યા હતા.
શું છે મામલો
મૂળ બિહારના વૈશાલી જિલ્લાનો રહેવાસી નઝિમ અન્સારી નામનો યુવક છેલ્લા 2 વર્ષથી કઠલાલ નજીક પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલી રાજ શક્તિ હોટલ પાસે પંચરની દુકાન ચલાવતો હતો. આ સમય દરમિયાન તેણે પોતાની સાચી ધાર્મિક ઓળખ છુપાવી દીધી હતી અને સ્થાનિક લોકોમાં પોતાનું હિંદુ નામ રાજ ઉર્ફે રાજુ ઠાકોર હોવાનું જણાવ્યું હતું. પોતાની આ ખોટી હિંદુ ઓળખનો ઉપયોગ કરીને નઝિમ અન્સારીએ કઠલાલ તાલુકાના સ્થાનિક ગામની એક હિંદુ યુવતીનો સંપર્ક કર્યો હતો. તે પરિણીત હોવા છતાં અને તેને 2 બાળકો હોવા છતાં નઝિમે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.તેણે યુવતીને હિંદુ ધર્મની પરંપરા અને વિધિ મુજબ લગ્ન કરવાની ખોટી લાલચો આપી હતી અને વિશ્વાસમાં લઈને તેને ઘર છોડીને ભાગી જવા માટે રાજી કરી હતી.
હિંદુ યુવતીને ભગાડીને લઈ ગયા બાદ તપાસ દરમિયાન મુસ્લિમ યુવક સાથે સંપર્ક હોવાના અને તે પણ ગુમ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પરિવારજનોએ કઠલાલ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને નઝિમ તથા હિંદુ યુવતીને ઝડપી પાડ્યા હતા.
આ અંગે પોલીસે જણાવ્યું કે, હાલ કેસની તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટના પાછળ કોઈ ચોક્કસ રેકેટ છે કે કેમ, કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ છે. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગત સામે આવી શકે છે.