Sun Jul 26 2026

Logo

બિહારમાં ઓનલાઈન હાજરીનો વિચિત્ર વિવાદ: દુપટ્ટો ન હોવાથી DEO એ શિક્ષિકા પાસે માંગ્યો ખુલાસો

2026-03-14 15:35:24
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: બિહારના સરકારી શિક્ષણ વિભાગમાં પારદર્શિતા લાવવા માટે ઓનલાઈન એટેન્ડન્સની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, પરંતુ આ ટેકનોલોજી હવે વિવાદોનું કેન્દ્ર બની છે. મુંગેર જિલ્લાના શિક્ષણ અધિકારીએ એક પ્રાથમિક શાળાની શિક્ષિકાને માત્ર એટલા માટે કારણદર્શક નોટિસ ફટકારી છે કે ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરેલી સેલ્ફીમાં તેમનો પહેરવેશ 'અમર્યાદિત' જણાતો હતો. આ ઘટનાએ સોશિયલ મીડિયા અને શિક્ષક સંગઠનોમાં ભારે રોષ જગાડ્યો છે, જ્યાં ટેકનોલોજીના ઉપયોગ સામે માનસિકતાના સવાલો ઉભા થઈ રહ્યા છે.

મુંગેરના જિલ્લા શિક્ષણ અધિકારીએ હવેલી ખડગપુરની પ્રાથમિક શાળાની વરિષ્ઠ શિક્ષિકા નેહા કુમારી યાદવને નોટિસ આપી પૂછ્યું છે કે, ૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પોર્ટલ પર નોંધાયેલી હાજરીમાં તેમનો ડ્રેસ શા માટે અયોગ્ય હતો. અધિકારીના મતે, ફોટામાં શિક્ષિકાએ દુપટ્ટો નહોતો પહેર્યો, જેને તેમણે શિસ્તભંગ અને અમર્યાદિત ગણાવ્યું છે. જેના જવાબમાં શિક્ષિકાએ સ્પષ્ટતા કરી કે કડકડતી ઠંડીને કારણે ગરમ કપડાં પહેર્યા હોવાથી દુપટ્ટો સાઈડમાં દબાઈ ગયો હતો અને તે સેલ્ફીમાં દેખાયો નહોતો. જોકે, તેમણે આ માટે લેખિતમાં ક્ષમા પણ માંગી છે.

આ મામલે શિક્ષક નેતા અમિત વિક્રમે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા છે કે શું શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શિક્ષિકાઓની હાજરી તપાસવાને બદલે તેમના ફોટા ઝૂમ કરીને દુપટ્ટો કે આંચલ શોધે છે? તેમણે આને મહિલાઓના અધિકારો અને માનવ અધિકારોનું હનન ગણાવ્યું છે. નેતાએ વધુમાં પૂછ્યું કે શું હવે શિક્ષિકાઓએ બુરખો કે ઘૂમટો કાઢીને શાળાએ આવવું પડશે? આ પ્રકારની માનસિકતા શિક્ષણ જગત માટે શરમજનક હોવાનું જણાવી તેમણે માનવાધિકાર પંચ અને મહિલા પંચને આ બાબતે દખલ કરવા વિનંતી કરી છે.

આ વિવાદને લઈને સામાન્ય લોકોમાં પણ બે અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો માને છે કે શાળા એ બાળકોની પ્રથમ પાઠશાળા છે, તેથી ત્યાં શિક્ષકોએ સંપૂર્ણ શિસ્ત અને શાલીનતા સાથે હાજર રહેવું જોઈએ. બીજી તરફ, મોટી સંખ્યામાં લોકો માને છે કે માત્ર એક દુપટ્ટાના આધારે કોઈ શિક્ષિકાની શાલીનતા પર સવાલ ઉઠાવવો અને તેમના ફોટાનું આવી રીતે પૃથક્કરણ કરવું તે વ્યક્તિગત ગરિમા પર હુમલો છે. હાલમાં શિક્ષણ વિભાગ તરફથી આ વિવાદ અંગે કોઈ સત્તાવાર નવો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ આ કિસ્સાએ સમગ્ર બિહારમાં ચર્ચા જગાવી છે.