Mon Jul 27 2026

Logo

બિહારમાં રાજ્યસભાની તમામ પાંચ બેઠક પર એનડીએની જીત, નીતિશ કુમાર અને નીતિન નબીન વિજયી...

2026-03-16 22:43:00
Author: Chandrakant Kanoja
Article Image

Nitish Kumar Nitin Nabin


પટના: બિહારમાં સોમવારે યોજાયેલી રાજયસભાની પાંચ બેઠકો માટેની ચૂંટણીમાં એનડીએ તમામ પર વિજય મેળવ્યો છે. આ ચૂંટણીના મતદાનમાં વિપક્ષી મહાગઠબંધનના ચાર ધારાસભ્યોની ગેરહાજરીથી  રાજકીય સમીકરણ બદલાયું હતું. તેનો ફાયદો એનડીએને થયો છે.  જેમાં એનડીએના ઉમેદવાર અને જનતા દળ યુનાઇટેડ (JDU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમારને 44  મત મળ્યા, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પણ 44 મત મળ્યા હતા. જયારે  રાષ્ટ્રીય લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહાને 42 મત અને JDU ના રામનાથ ઠાકુરને 42 મત મળ્યા હતા. 

બીજી પસંદગીની ગણતરીમાં ભાજપના ઉમેદવાર વિજયી 

જયારે બીજી તરફ મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર અમરેન્દ્ર ધારી સિંહને માત્ર 37 મત મળ્યા. બીજી પસંદગીની ગણતરીમાં ભાજપના ઉમેદવાર શિવેશ રામની જીત સાથે પાંચમી બેઠક એનડીએને મળી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધારાસભ્યોની સંખ્યા અને નિર્ધારિત ફોર્મ્યુલા હેઠળ જીત માટે 41 ધારાસભ્યોના મત જરૂરી હતા.

મહાગઠબંધનની રણનીતિ નિષ્ફળ થઈ

રાજ્યસભાની ચૂંટણીમાં બિહારના રાજકારણમાં મોટો રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. ચૂંટણી ગણિત મહાગઠબંધનની તરફેણમાં  જોવા મળતું હતું. પરંતુ મતદાનના દિવસે ચાર ધારાસભ્યોની ગેરહાજરીએ સમગ્ર સમીકરણ બદલી નાખ્યું હતું. જેના લીધે એનડીએ પાંચેય બેઠકો જીતી લીધી અને મહાગઠબંધનની રણનીતિ નિષ્ફળ થઈ હતી. 

પાંચમી બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી

આ ચૂંટણીમાં પાંચમી બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી  હતી. કારણ કે એનડીએને આ બેઠક જીતવા માટે ત્રણ વધારાના ધારાસભ્યોના ટેકાની જરૂર હતી, જ્યારે મહાગઠબંધનને છ ધારાસભ્યોના મતોની જરૂર હતી. જેમાં મહાગઠબંધન વતી વિપક્ષના નેતા તેજસ્વી યાદવે સંખ્યા એકત્રિત કરવાની રણનીતિ બનાવી હતી અને AIMIM ના પાંચ ધારાસભ્યો અને માયાવતીની BSP ના એક ધારાસભ્યનો ટેકો પણ મેળવ્યો હતો. આ સંખ્યાના સમીકરણ બાદ મહાગઠબંધનને વિશ્વાસ હતો કે પાંચમી બેઠક તેના ખાતામાં જશે, પરંતુ મતદાન સમયે તેના ચાર ધારાસભ્યો મતદાન કરવા આવ્યા ન હતા અને આખું સમીકરણ બદલાઈ ગયું.

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અને આરજેડીના એક ધારાસભ્ય ગેરહાજર 

મહાગઠબંધનમાંથી વાલ્મિકીનગરથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સુરેન્દ્ર કુશવાહા, ફાર્બિસગંજથી મનોજ વિશ્વાસ અને મણિહારીથી મનોહર સિંહ જ્યારે ઢાકાથી આરજેડીના ધારાસભ્ય ફૈઝલ રહેમાન મતદાનમાં ગેરહાજર રહ્યા. આ ચાર મતોના અભાવે મહાગઠબંધનની આશાઓ પર પાણી ફેરવી દીધું અને એનડીએને નિર્ણાયક લીડ મળી.

આરજેડીનો આક્ષેપ ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા

મહાગઠબંધને ચૂંટણી પરિણામો પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરજેડી નેતાઓ કહે છે કે તેમના ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હતા અથવા તેમને મતદાનથી દૂર રાખવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે પરિણામો પછી કહ્યું કે તેમના ચાર ધારાસભ્યો મતદાન કરી શક્યા નહીં અને આખું બિહાર જાણે છે કે આવું કેમ થયું. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે સત્તા અને શક્તિના પ્રભાવનો ઉપયોગ કર્યો જેના કારણે આ પરિણામ આવ્યું છે.