ભરત ભારદ્વાજ
બિહારમાં આખરે ભાજપના સમ્રાટ ચૌધરી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું અને તેમાં ઊડીને આંખે વળગે એવી વાત નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારની કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથવિધિ છે. સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી બન્યા તેના 22 દિવસ પછી થયેલા કેબિનેટના વિસ્તરણમાં નિશાંત કુમાર સહિત 32 મંત્રીઓએ શપથ લીધા તેમાં ભાજપના 15 જ્યારે જેડીયુના 13 મંત્રી છે. આ સિવાય ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના 2, જીતનરામ માંઝીની હિંદુસ્તાન અવામ મોરચા (HAM) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના એક-એક મંત્રી છે.
સમ્રાટ ચૌધરીની સાથે જેડીયુના વિજય કુમાર ચૌધરી અને વિજેન્દ્ર યાદવની પણ નાયબ મુખ્યમંત્રીપદે તાજપોશી થઈ હતી એ જોતાં હવે સમ્રાટ ચૌધરીને ના ગણીએ તો મંત્રીમંડળમાં ભાજપ અને જેડીયુ બંનેના 15-15 મંત્રી છે. મુખ્યમંત્રી ભાજપના છે તેથી ભાજપનો હાથ ઉપર છે તેથી ભાજપ અને જેડીયુ બરોબરિયાં તો ના કહેવાય પણ વિધાનસભામાં ભાજપની તાકાત વધારે છે એ જોતાં ભાજપ અને જેડીયુને ધારાસભ્યોની તાકાત પ્રમાણે સરખું મહત્ત્વ મળ્યું છે એવું કહી શકાય.
માંઝી પાસે 5 ધારાસભ્યો છે જ્યારે કુશવાહા પાસે 4 ધારાસભ્યો છે એ જોતાં તેમને એક-એક મંત્રીપદ મળ્યું એ બરાબર છે પણ ચિરાગ પાસવાન પાસે 19 ધારાસભ્યો હોવા છતાં તેમને બે મંત્રીપદ જ અપાયાં છે એ સૂચક છે. જેડીયુ પાસેથી એક મંત્રીપદ લઈને પાસવાનની પાર્ટીને આપી શકાયું હોત પણ એવું કરવાના બદલે જેડીયુને ભાજપ જેટલાં જ મંત્રીપદ અપાયાં તેના પરથી સ્પષ્ટ છે કે, ભાજપ નીતીશ કુમારને સાચવવા માગે છે ને કોઈ રીતે નારાજ કરવા માગતો નથી. પાસવાન નારાજ થઈ જાય તો ચાલશે પણ નીતીશ રિસામણે ના જવા જોઈએ.
નીતીશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે માન-પાન આપ્યાં તેના પરથી પણ ભાજપ નીતીશ સાથે સારાસારી રાખવા માગે છે એ સ્પષ્ટ છે. સમ્રાટ ચૌધરીની તાજપોશી વખતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓ પશ્ચિમ બંગાળ અને તમિળનાડુની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હોવાથી કોઈ પણ તામઝામ નહોતી કરાઈ.પટણાના લોક ભવનમાં સમ્રાટ ચૌધરીની સાથે જેડીયુના વિજય કુમાર ચૌધરી અને વિજેન્દ્ર યાદવે નાયબ મુખ્યમંત્રીપદના શપથ લઈને સરકાર રચવાની ઔપચારિકતા પતાવી હતી.
હવે પરિણામો આવી ગયાં છે અને ભાજપના નેતાઓ પાસે સમય જ સમય છે તેથી કેબિનેટના વિસ્તરણમાં વડા પ્રધાન મોદી પોતે હાજર રહ્યા. વડા પ્રધાનનો મોભો જોતાં કેબિનેટ વિસ્તરણ જેવી સાવ નાની ઘટનામાં એ હાજર રહે એ શોભાસ્પદ ના કહેવાય છતાં મોદી હાજર રહ્યા કે જેથી આ સરકારને ભાજપ ગંભીરતાથી લે છે એવો મેસેજ જાય.
રાજનાથ સિંહ, અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન પણ હાજર રહ્યા. નીતીશ કુમાર અત્યારે કોઈ હોદ્દા પર નથી અને સામાન્ય સાંસદ છે છતાં તેમને સ્ટેજ પર હાજર રાખીને મહત્ત્વ અપાયું. શપથવિધિના કાર્યક્રમ પછી મોદીએ નીતીશ કુમારને પોતાની પાસે બોલાવીને સ્ટેજ પર તેમની સાથે હાથ પણ મિલાવ્યા. નીતીશે પોતે આશા નહીં રાખી હોય એટલાં માન-પાન મોદીએ તેમને આપી દીધાં.
ભાજપ નીતીશને સાચવી રહ્યો છે તેનાં કારણ સ્પષ્ટ છે. બિહારમાં અત્યારે સરકારને ટકાવવા માટે તો ભાજપને જેડીયુના ટેકાની જરૂર છે જ પણ ભવિષ્યની ચૂંટણીઓ માટે પણ નીતીશની જરૂર છે. એક સમયે સવર્ણોની પાર્ટી મનાતી ભાજપે ગિયર બદલીને હવે અન્ય પછાત વર્ગ (ઓબીસી) મતદારોને રીઝવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાજપ એકમ સિસ્ટેમેટિકલી એ દિશામાં આગળ વધી રહ્યો છે પણ ઓબીસી મતબેંક સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં નથી.
બીજાં રાજ્યોમાં ઓબીસી મતદારોનો ઝુકાવ ભાજપ તરફ વધ્યો છે પણ બિહાર અને ઉત્તર પ્રદેશમાં હજુ ઓબીસી મતદારો સંપૂર્ણપણે ભાજપ ભણી ઢળ્યા નથી. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને બિહારમાં નીતીશ કુમારની જેડીયુ હજુય ઓબીસી મતદારોની ફેવરિટ છે.
ભવિષ્યમાં ભાજપ આ બંને પાર્ટીના મતદારોને પોતાની તરફ વાળી જ લેશે કેમ કે ભાજપ ચોક્કસ વ્યૂહરચના સાથે કામ કરનારી પાર્ટી છે. યુપીમાં ભાજપે ઓમપ્રકાશ રાજભથી માંડીને અનુપ્રિયા પટેલ સુધીનાં ઓબીસી મતદારો પર પ્રભાવ ધરાવતાં નેતાઓને સાચવીને અખિલેશ યાદવને પૂરેપૂરા હાવી થતા રોક્યા છે ને એ જ ફોર્મ્યુલા બિહારમાં પણ અજમાવી છે. બિહારમાં ઓબીસીની સાથે સાથે દલિત મતદારો પણ મહત્ત્વના છે તેથી નીતીશ અને કુશવાહાની સાથે સાથે ભાજપ ચિરાગ પાસવાન. જીતનરામ માંઝીને પણ સાચવી રહ્યો છે.
બિહારમાં ભાજપની છાપ હજુય સવર્ણોના પક્ષની છે કેમ કે તેના મોટા ભાગના ટોચના નેતા સવર્ણ છે. આ છાપ બદલવા માટે ભાજપે ઓબીસી સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવ્યા છે પણ તેના કારણે આખેઆખી ઓબીસી મતબેંક ભાજપના ખોળામાં આવીને પડવાની નથી તેથી નીતીશને હમણાં ભાજપ તરછોડી શકે તેમ નથી. નીતીશ મહાપલટુરામ છે તેથી જરાક દુભાય તો પાછા લાલુ પ્રસાદ યાદવ સાથેની જૂની દોસ્તી તાજી કરીને તેમના પડખામાં પણ ભરાઈ જાય. ભાજપને એ પરવડે તેમ નથી તેથી પણ ભાજપ નીતીશને સાચવ્યા જ કરશે.
હવે વાત નિશાંત કુમારની પણ કરી લઈએ. ભાજપે નિશાંત કુમારને કેબિનેટ મંત્રી બનાવીને ફરી એક વાર તેના ચાવવાના અને બતાવવાના જુદા જુદા હોવાનું સાબિત કર્યું છે. ભાજપ વંશવાદનો વિરોધ કરે છે ને પ્રહારો કરે છે પણ આ વંશવાદ કૉંગ્રેસ અને બીજા વિપક્ષોનો હોય તો જ તેને તકલીફ છે, પોતાનો કે પોતાના સાથી પક્ષોના નેતાઓનો હોય તો તેને વાંધો નથી. નિશાંત કુમારને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી ને નીતીશના પુત્ર ના હોય તો તેનો કોઈ ભાવ પણ ના પૂછે. ભાજપ પોતે પણ ભાવ ના પૂછે પણ નીતીશનો દીકરો છે એટલે સીધો કેબિનેટ મંત્રી બની ગયો. ભાજપ પાસે નિશાંત કરતાં બહેતર સેંકડો નેતા હશે પણ ભાજપ તેમાંથી કોઈને તક આપે છે ?
નિશાંત શિક્ષિત છે અને કોઈ પણ વિવાદમાં પડ્યો નથી. રાજકારણીઓનાં સંતાનોનાં છાકટાપણાં આપણે જોયાં છે ને બીજી નીચ હરકતો પણ આપણે જોઈ છે. નીતિશ 20 વર્ષથી બિહારમાં મુખ્યમંત્રી છે પણ નિશાંતે કદી કોઈ આછકલાઈ બતાવી નથી કે કોઈ કાંડ કર્યા નથી એ જોતાં તેના જેવા યુવાનો રાજકારણમાં આવે એ સારી ઘટના કહેવાય પણ સારા અને લાયકાત ધરાવતા લોકોને પણ બાપના જોરે જ તક મળે એ કમનસીબી કહેવાય.