ભોજપુરઃ બિહારના ભોજપુર જિલ્લામાં થયેલા ચર્ચિત ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર કેસમાં હવે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બન્યો છે. બિહાર રાજ્ય માનવાધિકાર આયોગે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આપમેળે સંજ્ઞાન લીધું છે. આ ચકચારી કેસમાં સુનાવણી હાથ ધરતાં આયોગે બિહારના મુખ્ય સચિવ, DGP અને ભોજપુરના SP ને તેડાવ્યા છે. એટલું જ નહીં પરંતુ આગામી 4 અઠવાડિયામાં વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે આયોગ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાષ્ટ્રીય અને રાજ્ય માનવાધિકાર આયોગમાં અરજી દાખલ
આ કેસમાં માનવાધિકાર આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ અનંત મનોહર બદરે સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે 13 જુલાઈ 2026ના રોજ આગામી સમીક્ષા બેઠક યોજાશે. કમિશનના આ પગલાને પ્રશંસનીય ગણાવતા એડવોકેટ ઝાએ જણાવ્યું હતું કે બિહાર રાજ્ય માનવ અધિકાર પંચ માનવ અધિકારો અંગે ખૂબ જ સતર્ક છે. કમિશન હાલમાં સમગ્ર મામલા પર નજીકથી નજર રાખી રહ્યું છે.
મુઝફ્ફરપુરના માનવાધિકાર મામલાના જાણીતા વકીલ એસ. કે. ઝા દ્વારા આ એન્કાઉન્ટર અંગે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC, નવી દિલ્હી) અને બિહાર રાજ્ય માનવાધિકાર આયોગ (પટના) બંને જગ્યાએ અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં એન્કાઉન્ટરમાં સામેલ તમામ પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ તાત્કાલિક હત્યાની કલમો હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવે, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની સીધી દેખરેખ હેઠળ આખા કેસની નિષ્પક્ષ તપાસ થાય અને મૃતકના પીડિત પરિવારને યોગ્ય આર્થિક વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ભરત તિવારી કેસમાં અશ્વિની ચૌબ શું બોલ્યાં?
ભાજપના વરિષ્ઠ નેતા અશ્વિની ચૌબેએ પણ ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર કેસ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અશ્વિની ચૌબેએ કહ્યું કે, ‘ભરત તિવારી એક નિર્દોષ માણસ હતો જેમણે પછાત વર્ગો માટે લડત આપી હતી; તેમની હત્યા એક કાવતરું હતું, અને આ જઘન્ય કૃત્ય માટે જવાબદાર લોકો, જેમાં પોલીસ સહિતી જે પણ લોકો સામેલ છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ’. જો કે, મહત્વની વાત એ છે કે, ભરત તિવારી ભાજપ સરકાર સામે જ સવાલ કરી રહ્યો હતો.
બેદરકારી બદલ વધુ પાંચ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
આ ઘટના અંગે એડીજી (ADG) સુધાંશુ કુમારે પત્રકાર પરિષદમાં મોટી માહિતી આપતાં જણાવ્યું હતું કે, "એન્કાઉન્ટરના એક દિવસ પહેલા એટલે કે ૧૬ જૂને પોલીસ ટીમ ભરત ભૂષણ તિવારી સાથે વાતચીત કરવા ગઈ હતી, પરંતુ સ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ કરી શકાઈ નહોતી પોલીસ પ્રશાસનની ઘોર બેદરકારી બદલ કડક પગલાં લેતાં શાહપુરના તત્કાલીન એસએચઓ (SHO), 2 સબ-ઇન્સ્પેક્ટર (SI), એક એએસઆઈ (ASI) અને એક કોન્સ્ટેબલ સહિત કુલ 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.