Tue May 26 2026

Logo

હીટવેવથી મળશે મોટી રાહત: કેરળના કિનારે આ તારીખથી થશે વિધિવત્ ચોમાસાની એન્ટ્રી

2026-05-26 16:49:00
Author: mumbai samachar team
Article Image

દેશભરમાં કાળઝાળ ગરમી અને લૂનો પ્રકોપ, હવામાન વિભાગે આપી રાહતના સમાચાર સાથે ઓરેન્જ એલર્ટની ચેતવણી

નવી દિલ્હીઃ નૌતપાના દિવસોમાં ગરમીમાંથી કે તાપમાંથી કોઈકાળે રાહત મળે એમ નથી પણ ચોમાસાની વિધિવત શરૂઆત થતા હવે વાતાવરણમાં પલટો આવશે એવા એેંધાણ છે. સમગ્ર દેશમાં તડકાએ દરેક જીવને તપાવી દીધા છે, બપોરના સમયે બાહર નીકળતા પહેલા વિચાર કરવો પડે છે. દિલ્હી જેવા મહાનગરમાં બપોરના સમયે કુદરતી કર્ફ્યૂ લાગ્યો હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે. તાપમાનનો પારો દેશના મોટાભાગના મહાનગરમાં 43 ડિગ્રીની આસપાસ દૈનિક ધોરણે રહે છે.હીટવેવના એલર્ટથી ત્રાહિમામ થયેલા નાગરિકો માટે રાહતના વાવડ આવ્યા છે. હવામાન વિભાગ તરફથી એવી આગાહી કરવામાં આવી છે કે,  દક્ષિણ પશ્ચિમી મોનસૂન કેરળના કિનારાના જિલ્લાઓ સુધી પહોંચશે. જેના પરિણામે વરસાદ થશે. 

1 જૂને થશે ચોમાસાનો વિધિવત પ્રારંભ
દિલ્હીના હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર તા.27થી 30 જુન સુધીમાં દિલ્હી-NCRમાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 15થી 25 જૂન વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. આ વર્ષે હવામાન ખાતાએ ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં 27 મે અને રાજસ્થાનમાં 28-29 મેના વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. 
મંગળવારે દેશના મોટા ભાગના રાજ્યોમાં હિટવેવની અસર જોવા મળી હતી. ખાસ કરીને દિલ્હી, ગાઝિયાબાદ, નોઈડા, ગુરૂગ્રામ અને દિલ્હીની આસપાસના પ્રદેશમાં ગરમીએ નાગરિકોને અકળાવી નાખ્યા હતા. દિલ્હી, NCR, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઝોન ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક એવા શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે. 

5 દિવસ લૂનો માર
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર મંગળવાર (26 મે)થી પાંચ દિવસ સુધી સતત લૂ નો માર રહેશે.ખાસ કરીને મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 5 દિવસ સુધી ગરમ હવાનો મારો રહેશે. આ પછી વાદળછાયું વાતાવરણ સર્જાશે, વાતાવરણમાં પલટો જોવા મળશે. કેરળનું ચોમાસું તબક્કાવાર આગળ વઘશે. આ સાથે વાતાવરણમાં ધીમે-ધીમે ઠંડક પ્રસરી જશે. છેલ્લા ચાર દિવસથી રાજધાની દિલ્હી સહિત અનેક એવા શહેરોમાં ગરમીએ પરસેવા છોડાવી દીધા છે. 

ખાસ કરીને રાજસ્થાનના મહાનગર, ગુજરાતના મહાનગર અને મહારાષ્ટ્રના મહાનગરમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. ખાસવાત એ છે કે, દિવસ પૂરો થયા બાદ રાત્રીના સમયે પણ તાપમાન નોંધપાત્ર રીતે નીંચે ઊતરી રહ્યું નથી, જેના કારણે રાતભર સતત બફારો અનુભવાય છે. વહેલી સવારે ગણતરીના કલાક પૂરતી ઠંડક રહેતા વાતાવરણ હળવું રહે છે.