Mon Oct 05 2026

Logo

કચ્છવાસીઓને મોટી રાહત: 12 દિવસના મેગા બ્લોક બાદ તમામ ટ્રેનો ફરી શરૂ

2026-08-06 12:06:00
Author: Mumbai Samachar Team
કચ્છવાસીઓને મોટી રાહત: 12 દિવસના મેગા બ્લોક બાદ તમામ ટ્રેનો ફરી શરૂ

ભુજઃ સામખિયાળી-ભચાઉ વચ્ચે ચાર લાઈન અને ઓટોમેટિક સિગ્નલિંગના જોડાણ કામકાજ અર્થે રેલવે તંત્ર દ્વારા લેવાયેલો ૧૨ દિવસનો મેગા બ્લોક પૂર્ણ થતાં, કચ્છ તરફ આવતી-જતી તમામ ટ્રેનોનો વ્યવહાર પૂર્વવત રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે. ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થતાં વિતેલા દિવસોમાં હાલાકી ભોગવી રહેલા મુસાફરો અને પ્રવાસી વર્ગે ભારે રાહતનો દમ લીધો છે.

સામખિયાળી-ભચાઉ સેક્શનમાં ત્રીજી અને ચોથી લાઈનના જોડાણ તથા નોન-ઈન્ટરલોકિંગ કામગીરી માટે રેલવે દ્વારા ૧૨ દિવસનો સબળ બ્લોક લેવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન કચ્છથી ચાલતી અને આવતી દરરોજની ૧૬ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી, જ્યારે ૧૬ ટ્રેનોને આંશિક રીતે ટૂંકાવવામાં આવી હતી.

આ બ્લોકના કારણે ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત ટ્રેનને ધ્રાંગધ્રા સુધી જ દોડાવવામાં આવતી હતી, જેનાથી વિદ્યાર્થીઓ અને રોજના મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત દિલ્હી તરફની ટ્રેનો ભીલડી સુધી, જ્યારે મુંબઈ એસી એક્સપ્રેસ, મધ્ય પ્રદેશ અને દક્ષિણ ભારત તરફની ટ્રેનોને અમદાવાદ સુધી જ સીમિત રખાઈ હતી. સાપ્તાહિક ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેતાં વાહનવ્યવહાર પર ભારે દબાણ સર્જાયું હતું.

સામખિયાળી અને ભચાઉ વચ્ચે ચાર લાઈનના જોડાણ અને ઓટોમેટિક સિગ્નલિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ બે દિવસ સેફ્ટી ટ્રાયલ (સુરક્ષા પરીક્ષણ) પણ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ પરીક્ષણો સફળ રહ્યા બાદ આજથી તમામ લાંબા અને ટૂંકા અંતરની ટ્રેનો ભુજ સુધી પૂર્વવત આવવા-જવા લાગી છે. ચાર લાઈનની સુવિધા કાર્યરત થવાથી આગામી દિવસોમાં કચ્છના પ્રવાસીઓને વધુ ઝડપી અને સુવિધાસભર રેલ સેવાઓ ઉપલબ્ધ બનશે.

(ઉત્સવ વૈદ્ય)