Thu Jun 18 2026

Logo

વરસાણામાં વીજ કરંટથી શ્રમિકનું મોત, અન્ય પાંચ સ્થળોએ આત્મહત્યા અને શંકાસ્પદ મોતના બનાવ બન્યા

2026-03-26 15:19:00
Author: Vimal Prajapati
Article Image

ભુજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બનેલા મોતના અલગ-અલગ બનાવોએ અરેરાટી ફેલાવી દીધી છે. અંજારના વરસાણામાં કંપનીમાં કામ કરતા એક યુવાનનું વીજશોકથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે ભચાઉ, રાપર, રતનાલ અને નખત્રાણા પંથકમાં આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. આ ઉપરાંત ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાંથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

વીજ કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત

મળતી વિગતો પ્રમાણે અંજારના વરસાણા સ્થિત 'ઈસ્પાર્ક' કંપનીમાં ગત રાત્રે 8 વાગ્યાના અરસામાં એક દુર્ઘટના ઘટી હતી. કંપનીમાં બ્રેકના સમય દરમિયાન 22 વર્ષીય શ્રમિક કરણ ભુવન મુનિયા કોઈ કારણોસર વીજ રૂમમાં પ્રવેશ્યો હતો, જ્યાં તેને જોરદાર વીજ કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દીકરીનું અકાળે મોત થતા માતાએ પણ જીવન ટૂંકાવ્યું

બીજી ઘટનાની વાત કરવામાં આવે તો, રાપરના સુઈ ગામે હૃદયદ્રાવક ઘટના બની હતી. 25 વર્ષીય કુમકુમબેન સંજય લુહારના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા. 13 મહિનાની નાની દીકરીનું અકાળે અવસાન થતા કુમકુમબેન ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા. માનસિક તણાવ અને આઘાત સહન ન થતા તેમણે અંતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલાની માનસિક સારવાર પણ ચાલી રહી હતી.

ત્રણ જણના અકાળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી

આ સાથે જિલ્લામાં અન્ય ત્રણ આત્મહત્યાના બનાવોમાં ત્રણ જણના અકાળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી હતી જેમાં ભચાઉના જંગી ખાતે એક 27 વર્ષીય યુવાન યુનુસ ઉમર રાયમાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જયારે રતનાલના 35 વર્ષીય હંસાબેન નારણ મહેશ્વરીએ કોઈ અજ્ઞાત કારણોસર ફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું, તેમજ નખત્રાણાના ધામાય ખાતે 28 વર્ષીય સમરથસિંહ ભીમસિંહ સોઢાએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે નખત્રાણા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર કારગત ન નીવડતાં તેનું મોત નીપજ્યું હતું.

ભુજની વાત કરવામાં આવે તો, અહીં આવેલા હમીરસર તળાવમાં એક અજાણ્યા વૃદ્ધની લાશ તરતી જોવા મળતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી હતી. એ-ડિવિઝન પોલીસે વૃદ્ધની ઓળખ મેળવવા અને આ બનાવ આત્મહત્યા છે કે અકસ્માત તે દિશામાં તપાસની કામગીરી શરૂ કરી દીધી છે.