Mon Oct 05 2026

Logo

ભુજમાં મોબાઈલ ટાવર લગાડવાના બહાને ખેડૂત સાથે રૂપિયા 6.47 કરોડની ઠગાઈ, આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો

2026-03-13 18:21:30
Author: Mumbai Samachar Team
ભુજમાં મોબાઈલ ટાવર લગાડવાના બહાને ખેડૂત સાથે રૂપિયા 6.47 કરોડની ઠગાઈ, આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો

ભુજ: કચ્છના ભુજ તાલુકાના નારણપર ગામના એક ખેડૂત સાથે  ટેલિકોમ કંપનીના ટાવર લગાવવાના બહાને થયેલી રૂપિયા 6.47 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલવામાં સીઆઈડી ક્રાઈમને મોટી સફળતા મળી છે. આંતરરાજ્ય ઠગ ટોળકીના એક સભ્ય અજય અખિલેશકુમાર પાંડેને પોલીસે ઉત્તર પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. 

કંપનીના ચાર સેલ્યુલર ટાવર ખેતરમાં લગાડવાની ઓફર આપી હતી

પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષ 2023માં નારણપરના ખેડૂતને આ ઠગ ટોળકીએ  કંપનીના ચાર સેલ્યુલર ટાવર ખેતરમાં લગાડવાની ઓફર આપી હતી અને આરોપીઓએ ખેડૂતને વિશ્વાસમાં લેવા માટે દર મહિને રૂપિયા 30  થી 35  હજારના ભાડાની લોભામણી લાલચ આપી હતી. ખેડૂતે હા પડતાં પ્રોસેસિંગ ફી, સિક્યુરિટી ડિપોઝિટ અને અન્ય સરકારી ટેક્સના બહાને ટુકડે-ટુકડે કુલ રૂ.6.47 કરોડ પડાવી આરોપીઓ તેમના ફોન બંધ કરીને ફરાર થઇ ગયા હતા.છેતરપિંડીનો અહેસાસ થતા ખેડૂતે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

સ્થાનિક પોલીસની મદદથી ઘેરાબંધી કરીને આરોપીને ઝડપી લીધો 

સીઆઇડી ક્રાઇમ બોર્ડર ઝોન ભુજના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. હુંબલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. કે.સી. રાઠોડ અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ખાતાઓના ઝીણવટભર્યા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી અજય પાંડે અન્ય વ્યક્તિઓના નામે બેંક ખાતા ખોલાવી નાણાકીય વ્યવહારો કરતો હતો. ઠગાઈની રકમમાંથી ૨ કરોડથી વધુ રૂપિયા આરોપીના પિતાના ખાતામાં જમા થયા હતા.આ બેંક ખાતામાં લિંક થયેલો મોબાઈલ નંબર આરોપી અજયનો જ હતો. આ મહત્વની કડીના આધારે સી.આઈ.ડીની ટુકડી ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લાના સુરહુરપુર ગામે પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી ઘેરાબંધી કરીને આરોપીને ઝડપી લીધો હતો.

કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા

પોલીસે આરોપીને આંબેડકરનગર કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા અને તેને ભુજ લાવવામાં આવ્યો છે. હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે અને પોલીસ પૂછપરછમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટેની મહત્વની કડીઓ મળવાની શક્યતા છે. આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને નાણાં ક્યાં ટ્રાન્સફર થયા છે તે દિશામાં તપાસ જારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

( ઉત્સવ વૈધ)