Tue Sep 29 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ટ્રેન્ડ બદલાયો: નકલીના ડરે લોકો હવે ‘લીગલ પરમિટ’ તરફ વળ્યા, મહિલાઓની સંખ્યા પણ વધી

2026-09-09 09:09:00
Author: Mayur Patel
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ટ્રેન્ડ બદલાયો: નકલીના ડરે લોકો હવે ‘લીગલ પરમિટ’ તરફ વળ્યા, મહિલાઓની સંખ્યા પણ વધી

AI Image


અમદાવાદઃ ઓગસ્ટ 2026માં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં ફરીથી દારૂબંધીની ચર્ચા શરૂ થઈ હતી. ભાવનગરમાં આલ્કોહોલ મિશ્રિત નકલી દારૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત લથડી હતી, જેમાં 13 લોકોના મોત નીપજ્યા હતા અને 50થી વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.એફએસએલ  રિપોર્ટમાં દારૂના નમૂનાઓમાં આશરે 38.5% ઝેરી મિથાઈલ આલ્કોહોલ મળી આવ્યું હતું, જે સીધું મોતનું કારણ બન્યું હતું. દારૂ બનાવનાર મુખ્ય આરોપી નરેન્દ્ર યાદવનું પણ આવો દારૂ પીવાથી મોત નીપજ્યું હતું. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ લોકો અસુરક્ષિત અને ઝેરી દારૂના સેવનથી બચવા માટે લોકો હવે કાયદેસરની હેલ્થ પરમિટ તરફ વળી રહ્યા છે. 

લિકર હેલ્થ પરમિટધારકોની સંખ્યામાં તોતિંગ ઉછાળો

નશાબંધી અને આબકારી ખાતાના સત્તાવાર આંકડાઓ મુજબ, ઓગસ્ટ 2025ની સરખામણીએ ઓગસ્ટ 2026માં લિકર હેલ્થ પરમિટધારકોની
સંખ્યામાં લગભગ 88.9 ટકાનો તોતિંગ ઊછાળો નોંધાયો છે. એપ્રિલ 2026માં ઘટીને માત્ર 11 થઈ ગયેલી પરમિટની સંખ્યા ઓગસ્ટ મહિનામાં સીધી
323 પર પહોંચી ગઈ છે. ઝેરી દારૂને કારણે જીવ ગુમાવવાના ડર અને પોલીસની કડકાઈને કારણે પરમિટધારકોમાં કાયદેસર 'પીવા' તરફ ઝૂકાવ
જોવા મળ્યો છે. સિવિલમાં 8 મહિનામાં 2,670 લોકોએ દારૂની હેલ્થ પરમિટ લીધી છે. જેમાં 155 મહિલાઓએ પણ મંજૂરી મેળવી છે. 

ગત વર્ષના સમાનગાળાની તુલનામાં આ વર્ષે કેટલો વધારો

ભાવનગરમાં ઓગસ્ટ 2026માં થયેલા લઠ્ઠાકાંડ બાદ લોકોમાં અસુરક્ષિત અને ઝેરી દારૂના સેવનથી બચવા માટે કાયદેસરની હેલ્થ પરમિટ તરફ વળવાનો ઝોક વધ્યો હોવાનું આંકડા પણ સાબિતી આપે છે.  વર્ષ 2025ના ઓગસ્ટ મહિનામાં કુલ પરમિટધારકોની સંખ્યા 171 હતી, જેમાં 118 પરમિટ ધારકો રિન્યુ કરાવી હતા અને નવા 53 પરમિટ ધારકો ઉમેરાયા હતા.  જ્યારે તેની સરખામણીએ વર્ષ 2026ના ઓગસ્ટ મહિનામાં આ સંખ્યા વધીને 323 પર પહોંચી હતી. જેમાં 246 પરમિટ ધારકોએ રિન્યુ કરાવી હતી અને નવા 77 પરમિટ ધારકો ઉમેરાયા હતા. આમ, વર્ષ 2025ના ઓગસ્ટની સરખામણીએ વર્ષ 2026ના ઓગસ્ટમાં નવા પરમિટધારકો તેમજ રિન્યુઅલ કરાવનારાની સંખ્યામાં લગભગ બમણો વધારો નોંધાયો હતો.

વર્ષ 2023થી વર્ષ 2025 દરમિયાન એપ્રિલ મહિનામાં સરેરાશ 200થી 400 પરમિટ ઈશ્યૂ અથવા રિન્યૂ થતી હતી જ્યારે વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં આ આંકડો ઘટીને માત્ર 11 થઈ ગયો હતો. આ તફાવત દર્શાવે છે કે એપ્રિલ મહિનામાં લિકર પરમિટના પૈસામાં થયેલા કૌભાંડને કારણે પરમિટની સંખ્યા તળિયે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યારબાદના મહિનાઓમાં ખાસ કરીને લઠ્ઠાકાંડ બાદ ઓગસ્ટ મહિના સુધીમાં રિન્યુઅલ અને નવી પરમિટ લેનારાની સંખ્યામાં ઊછાળો નોંધાયો હતો.

નોંધનીય છે કે, વર્ષ 2024-25માં નવા પરમિટધારકોની સંખ્યા ઘટીને 397 થઈ ગઈ હતી, પરંતુ 2025-26માં નવા પરમિટધારકોનો આંકડો વધીને 961 થયો છે, જે દર્શાવે છે કે લોકોમાં લીગલ પરમિટ મેળવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. 

ગુજરાતમાં કેટલા પરમિટધારકો છે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અલગ અલગ કેટેગરીમાં આશરે 50 હજારથી વધારે માન્ય પરમિટ ધારક છે. અમદાવાદ શહેરમાં 14,700 લિકરપરમિટ ધારકો છે. જ્યારે સુરત શહેરમાં 9000 અને રાજકોટમાં આશરે 4300 છે. જ્યારે વડોદરામાં 3200થી વધારે છે જ્યારે જામનગરમાં 2200થી વધારે છે. ગાંધીનગરમાં 1600 જેટલા લોકો પાસે લિકર પરમિટ છે. ગુજરાત 'ડ્રાય સ્ટેટ' હોવાથી દારૂના વેચાણ અને સેવન પર સખત પ્રતિબંધ છે. તેમ છતાં, ચોક્કસ નિયમો અને પરમિટ સિસ્ટમ દ્વારા કેટલાક લોકોને છૂટછાટ મળે છે. 

40 વર્ષથી વધુ ઉંમરના લોકોને હેલ્થ પરમિટ હેઠળ દારૂ પીવા માટેની અને ખરીદી કરવા માટેની મંજૂરી છે. ગુજરાતમાં બિન નિવાસી તથા વિદેશી પ્રવાસીઓને પણ રાજ્યમાંથી દારૂ ખરીદવા અને પીવાની છૂટ છે. આ માટે પણ યોગ્ય મંજૂરી અને પરમિટ ફરજિયાત છે. પરમિટ સિસ્ટમમાં કુલ સાત પ્રકારની પરવાનગીઓ આપવામાં આવે છે. તેમાં ‘હેલ્થ પરમિટ’ સૌથી જૂની અને સામાન્ય છે. ‘ટેમ્પરરી પરમિટ’ ખાસ કરીને રાજ્યમાં થોડા સમય માટે આવતા લોકો માટે હોય છે જેમાં ચોક્કસ સમય મર્યાદા પૂરી થતા દારૂની કોઈ જ પ્રકારની બોટલ મળતી નથી.