ભાવનગર: જિલ્લાના ઘોઘા તાલુકાના એક ગામમાં ચોંકાવનારી ઘટના બની હતી. નેસવડ ગામે રહેતા એક ખેડૂત આઘેડ પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાગીદારીમાં ચાલતા હીરાના કારખાનાનો હિસાબ માંગવા જેવી સામાન્ય બાબતે ગામના જ એક શખ્સે આઘેડને માર મારી ઈજા પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાય છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ઘોઘા તાલુકાના નેસવડ ગામે રહેતા અને ખેતીકામ કરતા રાજુભાઈ મેઘાભાઈ બારૈયા (ઉ.વ. ૫૦) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના દીકરા યોગેશે બે વર્ષ પહેલા ગામના જ ભાવેશ બટુકભાઈ ડાભી નામના યુવક પાસેથી ૨૦ હજાર રૂપિયા હાથ ઉછીના લીધા હતા. આ ઉપરાંત રાજુભાઈએ ભાવેશ સાથે ભાગીદારીમાં હીરાનું કારખાનું પણ શરૂ કર્યું હતું. રાજુભાઈનો દીકરો ભાવેશ સાથે ઉછીના પૈસા બાબતે માથાકૂટ કરતો હતો, ત્યારે રાજુભાઈએ ત્યાં જઈ વચ્ચે પડી સમાધાનનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાજુભાઈએ ભાવેશ પાસે હીરાના કારખાનાનો હિસાબ માંગતા ભાવેશભાઈ ડાભી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. ભાવેશે 'તમને કોઈ પૈસા આપવાના નથી' તેમ કહી ગાળો દેવાનું શરૂ કર્યું હતું.
રાજુભાઈએ ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભાવેશે બાજુમાંથી લાકડાનો ધોકો ઉપાડી રાજુભાઈને ડાબા પગે ઘૂંટી ઉપર અને નળાના ભાગે ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઝઘડામાં નરેશભાઈ ઉર્ફે ટકો બટુકભાઈ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ વરતેજ પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.