Sat Apr 18 2026

Logo

સાયબર ગઠિયાઓ સાવધાન! ભાવનગરમાં પ્રથમવાર સાયબર ફ્રોડ કેસમાં 10 શખ્સો સામે ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ

2026-04-08 09:25:00
Author: Devayat Khatana
Article Image

ભાવનગર: આજકાલ સાયબર ગઠિયાઓ પોતાની જાળમાં ફસાવવા માટે નિતનવા કિમિયાઓ અપનાવતા હોય છે, ત્યારે  ભાવનગરમાં  લોકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટનું એક્સેસ મેળવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી તે નાણાં એટીએમ અને ચેકથી ઉપાડી નાણાં સગેવગે કરીનારી આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો. આ મામલે ટોળકીના ૧૦ શખ્સો સામે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી અને સાયબર ફ્રોડના કેસમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહીનો ભાવનગરનો આ પ્રથમ કેસ છે.

મળતી વિગતો અનુસાર, સાયબર ફ્રોડની એક્ટિવિટિ માટે લોકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટનું એક્સેસ મેળવી દશરથ રામજીભાઈ ધાંધલ્યા, આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હિરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઇ ગોહેલ, શાફીન યુનુસભાઈ અબ્દુલભાઈ કુરેશી, માહીન યુનુસભાઈ અબ્દુલભાઈ કુરેશી, મીહિર ભગવાનભાઈ  સરવૈયા, અમન ઇસુફભાઇ અબ્દુલકાદર ઓફથાની તથા તેના મળતિયાઓ સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

આ લોકોએ 134  બેંક એકાઉન્ટમાં રૂ. 21.37  કરોડના ટ્રાન્ઝેક્શન કર્યાં હતા. જેમાં એનસીઆરપી પોર્ટલ પર કુલ કમ્પલેઇન 272ની થયેલ જેમાં કુલ રૂપિયા ૮,૧૧,૮૧,૨૪૧નું ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયું હતું. આ મામલે ભાવનગર ગ્રામ્ય એએસપીએ  તપાસ શરૂ કરતા આ ટોળકીના વધુ બે નામ હર્ષદસિંહ અનકુભા સરવૈયા અને દિપક વિઠ્ઠલભાઈ ગોહિલના નામ ખુલ્યા હતા. તપાસમાં મુખ્ય સૂત્રધાર દશરથ ધાંધલ્યા અને તેના સાગરિતો છેલ્લા કેટલાય વર્ષથી આ પ્રકારનું ઓર્ગેનાઈઝ ક્રાઈમને અંજામ આપતા હોવાથી તેમની સામે ગુજસીટોક-૨૦૧૫ની કલમ ૩(૧),૩(૨),૩(૪) અને ૩(પ) હેઠળ ગુનો નોંધવામાં આવતા સાયબર ગઠિયાઓમાં ખળભળાટ ફેલાયો છે. 

સાયબર ફ્રોડના કેસમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહીનો ભાવનગરનો પ્રથમ કેસ અને ગુજરાતનો બીજો કેસ બન્યો છે. આ મામલે જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ મથકનું સુપરવિઝન કરી રહેલા અને ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમ તપાસ ચલાવી રહ્યાં છે.