મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે 100 વર્ષ આયુષ્ય ધરાવતો 230 મીટર લાંબો સ્ટીલ બ્રિજ તૈયાર
અમદાવાદઃ દેશની પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેનની ઝલક સામે આવ્યા બાદ હવે આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં ભરૂચમાં 330 મીટર લાંબો સ્ટીલ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે માલગાડીઓનું સંચાલન કોઈ પણ રીતે રોકાયા વગર 230 મીટર (કુલ 6,100 મેટ્રિક ટન વજન ધરાવતા)નો ભાગ તૈયાર થઈ ગયો છે. અહીંના વિસ્તારમાં કામ ખતમ થઈ ગયું છે, જ્યારે મેઈડ ઈન ગુજરાતની વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા બુલેટ ટ્રેનનો ફર્સ્ટલૂક જાહેર કરવામાં આવ્યો હતો.
સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ
330 મીટર લાંબા સ્ટીલ બ્રિજમાં 230 મીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વિસ્તારમાં 130થી 100 મીટર લાંબા બે મોટા સ્ટીલ બ્રિજ સંપૂર્ણ રીતે ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર 100 મીટરના વિસ્તારમાં કામ બાકી છે. ભરૂચ પાસેના ત્રાંસલી ગામે ભારતીય રેલવે ટ્રેક પર 330 મીટર લાંબા બ્રિજ માટે ખાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. આ બ્રિજ રેલવેના ટ્રેડિશનલ આર્કિટેક્ટમાં તૈયાર કરવામાં આવ્યો છે.
નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન દ્વારા ત્રણ સ્પાનમાં વર્ગીકૃત આ બ્રિજમાં 100 મીટરનો એક મહત્ત્વનો સ્પાન છે. 100+130 મીટરનો એક કંટિન્યૂ સ્પાન છે. 130 મીટર લાંબા સ્પાનનું લૉંચિંગ 16 મેના કરી દેવાયું હતું. 18 મીટરની ઊંચાઈ અને 15.5 મીટરની પહોળાઈ ધરાવતા સ્પાનનો વજન 2900 મેટ્રિક ટન છે.
100 વર્ષ સુધી અડીખમ રહેશે બ્રિજ
100 મીટર લાંબા સ્પાનનો 1500 મેટ્રિક ટન હોવાનો અંદાજ છે, જે ભાગમાં કામ બાકી છે એ વિસ્તારમાં ઝડપથી કામ ખતમ કરી દેવામાં આવશે.આ સમગ્ર બ્રિજનું વજન 6100 મેટ્રિક ટન જેટલું છે. આ સમગ્ર બ્રિજને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના સુરત-વડોદરા સેક્શન વચ્ચે આ ટ્રેક સંપૂર્ણ રીતે ઓટોમેટેડ છે. ગુજરાતના ઉમરગામ પાસે આવેલી કાર્બન ફેક્ટરીમાં નિર્મિત સ્ટીલ બ્રિજને 100 વર્ષના આયુષ્યને ધ્યાને લઈને ડિઝાઈન કરવામાં આવ્યો છે.
17 સ્ટીલ બ્રિજમાં 14 સ્ટીલ બ્રિજનું કામ ગુજરાતમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે 28 સ્ટીલ બ્રિજની યોજના છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સૌથી મહત્ત્વના ભરૂચ પાસેના આ બ્રિજનું હવે માત્ર 10 ટકા કામ જ બાકી છે. સુરતથી બિલિમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે.