Sun Sep 27 2026

Logo

એકસ્ટ્રા અફેર: ભારતીય સંસ્કૃતિ સ્ત્રીઓનાં મોં નહીં જોવાનું શીખવે છે?

2026-09-09 11:56:16
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેર: ભારતીય સંસ્કૃતિ સ્ત્રીઓનાં મોં નહીં જોવાનું શીખવે છે?

ભરત ભારદ્વાજ

ગયા વર્ષે ડિસેમ્બરમાં ન્યૂ ઝીલેન્ડમાં ઓકલેન્ડમાં સ્થાનિક લોકોએ શીખો રસ્તા પર ફરીને નગર કીર્તન કરે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. શીખો રસ્તા પર ફરતા હતા ત્યારે જ સ્થાનિકો તેમની સામે આવી જતાં શીખોને કિર્તનનો સંકેલો કરી લેવા પડ્યો હતો. ઓકલેન્ડમાં જાહેર રસ્તા પર કીર્તનનો વિરોધ કરનારા 

ડેસ્ટિની ચર્ચના વડા  ‘અપોસ્ટલ બિશપ’ બ્રાયન તામાકી  સહિતના નેતાઓએ ખુલ્લી ધમકી આપેલી કે, ભારતીયો જાહેરમાં  ધાર્મિક સરઘસો કાઢીને લોકોને પરેશાન કરે એવું નહીં ચાલે ને ન્યૂ ઝીલેન્ડને ભારત નહીં બનવા દેવાય. ભારતીયોનાં લખ્ખણ નહીં બદલાય તો તેમને દેશ છોડીને જવાની ફરજ પડાશે. સોશ્યલ મીડિયા પર ન્યૂ ઝીલેન્ડનાં લોકોએ આ વાતને ટેકો આપેલો ને સૌનો મત એવો જ હતો કે, તમારી ધાર્મિક માન્યતાઓના કારણે ટ્રાફિક જામ થાય કે બીજાંને તકલીફ પડે એવું બધું ભારતમાં ચાલતું હશે પણ અમારે ત્યાં નહીં ચાલે. 

હવે આ જ પ્રકારની ઘટના ફ્રાન્સની રાજધાની પેરિસમાં બની છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)એ પેરિસમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવ્યું છે તેથી ભારતમાંથી મોટી સંખ્યામાં બીએપીએસના સાધુઓ અને અનુયાયીઓ પેરિસ ગયા છે. આ અનુયાયી-સાધુઓનું લગભગ 100 માણસોનું એક જૂથ પેરિસના જગવિખ્યાત એફિલ ટાવરની મુલાકાતે ગયેલું. આઇફિલ ટાવરનો કારભાર સોસિએતી દ’એક્સપ્લોઈટેશન દ લા ટુર એફિલ (એસઈટીઈ) નામની કંપની કરે છે. આ કંપની સાથે અગાઉથી કરાયેલા ગોઠવણ પ્રમાણે, બીએપીએસના અનુયાયીઓ-સાધુ એફિલ ટાવર ગયા ત્યારે મહિલા કર્મચારીઓને ફરજ પર હાજર નહોતી રખાઈ કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુઓ મહિલાઓનાં મોં જોતા નથી. 

સાધુઓની સગવડ સાચવવા માટે કેટલીક મહિલા કર્મચારીઓની શિફ્ટ બદલી દેવાયેલી તો કેટલીક મહિલાઓને પરાણે રજા પર ઉતારી દેવાયેલી. જેમને ફરજિયાત બોલાવવી પડે એમ હતી એ મહિલાઓને પણ સૂચના અપાયેલી કે, બીએપીએસનું ટોળું આવે ત્યારે કોઈ મહિલાએ તેમની નજરે ચડવાનું નથી. 

કારભારી કંપનીએ સત્તાવાર રીતે કોઈ સૂચના નહોતી આપી પણ કુલડીમાં ગોળ ભાંગીને મૌખિક સૂચનાઓ આપેલી. રવિવારે રજા મળતી હોવાથી મોટા ભાગની મહિલાઓએ ખુશ થઈને લઈ લીધી કેમ કે રવિવારે વધારે પ્રવાસી આવે તેથી વધારે કામ હોય. શિફ્ટમાં ચેન્જ સામાન્ય છે તેથી તેની સામે પણ ઊહાપોહ ના થયો પણ સાધુઓ આવ્યા ત્યારે મહિલા કર્મચારીઓને તેમના વર્ક સ્ટેશન પરથી હટાવી દેવામાં આવી  અને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા તેમાં બબાલ થઈ ગઈ. મહિલા પ્રવાસીઓને પણ અંદર નહોતી પ્રવેશવા દેવાઈ એવી ફરિયાદ ઊઠી છે. 

હટાવી દેવાયેલી મહિલા કર્મચારીઓએ યુનિયનમાં જઈને ફરિયાદ કરી જ્યારે પ્રવેશ નહોતો મળ્યો તેમણે સત્તાવાળાઓને ફરિયાદ કરીને સોશ્યલ મીડિયા પર પણ લખ્યું તેમાં બબાલ મચી છે. યુનિયને  મહિલાઓને ફરજ પરથી દૂર રાખવી ખુલ્લો ભેદભાવ અને મહિલાઓનું અપમાન હોવાનું જાહેર કરીને હડતાળ પાડી દેતાં સોમવારે એફિલ ટાવર બંધ કરી દેવો પડ્યો. એફિલ ટાવર દુનિયામાં હોટેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે તેથી સોમવારે પણ હજારો લોકો ઊમટી પડેલાં પણ બધાંએ ધોયેલા મૂળાની જેમ પાછા જવું પડ્યું. 

પ્રવાસીઓએ પણ સોશ્યલ મીડિયા પર આ વિશે લખ્યું તેથી આ વિવાદ વધારે  ચગ્યો છે. કેટલાક રાજકારણીઓ પણ વિવાદમાં કૂદ્યા છે અને તેમણે પણ કંપનીને દોઈ નાખી છે. પેરિસના મેયર ઈમેન્યુઅલ ગ્રેગોઇરે ‘એક્સ’ પર આ વર્તનને અક્ષમ્ય ગણાવીને પગલાં લેવાની જાહેરાત કરી તેને પણ લોકો ટેકો આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પરનો આક્રોશ જોયા પછી ફફડેલી કારભારી કંપની એસઈટીઈ અને બીએપીએસ બંનેએ માફી માગી છે. કંપનીએ સ્વીકાર્યું કે હિન્દુ ડેલિગેશને ટાવરની મુલાકાત દરમિયાન મહિલાઓ સાથે વાતચીત ઓછી થાય એવી ગોઠવણ કરવા વિનંતી કરી હતી તેથી મહિલાઓને દૂર કરાઈ હતી પણ કંપનીએ આ શરતો સ્વીકારવી જોઈતી ન હતી. 

બીએપીએસ મંદિરે પણ પોતાના સાધુઓની મુલાકાત દરમિયાન પડેલી કોઈ પણ તકલીફ કે અગવડ બદલ માફી માગી છે. બીએપીએસનું કહેવું છે કે, બીએપીએસનું જૂથ મોટું હોવાથી એફિલ ટાવર ખુલે ત્યારે જ મુલાકાતનો સમય નક્કી કરાયેલો કે જેથી કોઈને અગવડ ના પડે કે તકલીફ ના થાય. અમારી મુલાકાત દરમિયાન કોઈને અંદર જતાં રોકવામાં નહોતાં આવ્યાં. બીએપીએસે તો પોતે  પરસ્પર સન્માન અને સેવાનાં સાર્વત્રિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે એવો દાવો પણ કર્યો છે. 

બીએપીએસની માફી પછી આ વિવાદ શમી જાય એવી પૂરી શક્યતા છે પણ આ વિવાદે ફરી એક વાર ભારતીયોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. પેરિસમાં રવિવારે સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટન માટે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ વીડિયો સંદેશ દ્વારા બીએપીએસને અભિનંદન આપ્યા હતા. આ ઘટનાને  ભારત-ફ્રાન્સ સંબંધોમાં એક નવો અધ્યાય ગણાવીને લખેલું કે, બીએપીએસ દ્વારા શરૂ કરાતાં મંદિરોથી વિદેશમાં ભારતની પ્રાચીન વિચારધારા અને માનવીય મૂલ્યોનો પણ પ્રચાર થાય છે. 

સ્વામીનારાયણ સંપ્રદાય આમ તો બસ્સો વર્ષ જ જૂનો છે ને તેને પ્રાચીન ભારતીય પરંપરા સાથે કંઈ જ લેવાદેવા નથી પણ સાધુઓનું વર્તન જોયા પછી સવાલ થાય કે, આ કેવા પ્રકારનાં ભારતીય મૂલ્યો અને ભારતીય પરંપરા છે? ભારતીય સંસ્કૃતિ કે સભ્યતા સ્ત્રીઓથી દૂર રહેવાનું કહે છે કે શીખવે છે ? બિલકુલ નહીં. હિંદુ પરંપરામાં તો સ્ત્રીઓ વિદુષી પણ હતી ને શાસક પણ હતી. 

સ્વામીનારાયણ સંપ્રદાયમાં સાધુઓને સ્ત્રીઓથી દૂર રખાય છે. તેનું કારણ એ અપાય છે કે, સંપ્રદાયમાં નૈતિક ચારિત્ર્ય અને પવિત્રતા જાળવવા માટે સ્ત્રીઓ અને પુરુષોએ પરસ્પર મર્યાદા રાખવી જરૂરી હોવાથી સાધુઓને સ્ત્રીઓથી અલગ રખાય છે. સવાલ એ છે કે, આ સંપ્રદાયને પોતાના સાધુઓના ચારિત્ર્ય અને પવિત્રતા પર ભરોસો નથી કે પછી સ્ત્રીઓને ચારિત્ર્ય અને પવિત્રતા બગાડનારી હલકી માનવામાં આવે છે ? આવી માન્યતાઓ હિંદુ સંસ્કૃતિમાં તો નથી જ. આપણે તો માતાને સૌથી ઉચ્ચ દરજજો આપીને પૂજનારી પ્રજા છીએ, સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનીને આરાધના કરનારી પ્રજા છીએ. 

દરેક સંપ્રદાયની પોતાની માન્યતાઓ હોય ને સંપ્રદાયને અનુસરનારા તેમાં માને તેમાં આપણને વાંધો નથી પણ વિદેશમાં ધાગડિયા ના કરો. તમારાં મંદિરોમાં, ઘરોમાં જે કરવું હોય એ કરો પણ વિદેશમાં તો માપમાં રહો. વિદેશમાં થતા આવા ધાગડિયાના  કારણે હિંદુ સંસ્કૃતિ અને પરંપરા બદનામ થાય છે. હિંદુ સંસ્કૃતિમાં સ્ત્રીઓને ઊતરતી કક્ષાની ગણવામાં આવે છે એવી છાપ પડે છે. ખરેખર તો આ હિંદુ ધર્મનું અપમાન કહેવાય પણ કમનસીબે તેની સામે કોઈ બોલી રહ્યું નથી. 

આ વિવાદ ભારતમાં હિંદુત્વના નામે કેવો દંભ ચાલે છે તેનો પણ નાદાર નમૂનો છે. સંસારનો ત્યાગ કરીને સાધુ બનનારા સાધુઓ લોકોને આત્મા ને પરમાત્માનાં ચૂરણ ચટાડે છે, લખ ચોરાસીના ફેરામાંથી મુક્ત થઈને મોક્ષ પામવા મથવું જોઈએ એવા ઉપદેશો આપે છે, ભૌતિક સુખસગવડોથી દૂર રહેવાનાં જ્ઞાન પિરસે છે. સ્વામિનારાયણના સાધુઓ પણ આવા ઉપદેશ આપે જ છે પણ એફિલ ટાવરના મોહમાંથી પોતે જ બહાર નથી આવ્યા. આ સાધુઓ એફિલ ટાવર જોયા વિના શું રહી ગયેલા? એફિલ ટાવરના જોયો હોય તો મોક્ષ ના થાય કે અક્ષરધામમાં ના જવાય?