મુંબઈ/નાંદેડ: મહારાષ્ટ્રમાં દુકાળની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી છે. નાંદેડના જિલ્લા પાલક પ્રધાન અતુલ સાવેએ જણાવ્યું હતું કે મુશ્કેલીના આ સમયમાં સરકાર ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભી છે અને ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી.
તદુપરાંત અતુલ સાવેએ મરાઠવાડાના નાંદેડ જિલ્લામાં વિવિધ ગામોની મુલાકાત લઈને પાકની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ખેડૂતો તેમજ મહિલા ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને તેમના પ્રશ્નો તથા ખેતીની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
મહારાષ્ટ્ર સરકારે શનિવારે મહારાષ્ટ્રના 358માંથી 265 તાલુકાને દુકાળગ્રસ્ત જાહેર કર્યા હતા. સરકારના ઠરાવ મુજબ રાજ્યના આશરે 74 ટકા વિસ્તારને દુકાળની અસર હેઠળ આવરી લેવામાં આવ્યો છે.
અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે પાક લોનના પુનર્ગઠન, જમીન મહેસૂલમાં રાહત અને કૃષિ સંબંધિત લોનની વસૂલાત મુલતવી રાખવા જેવા પગલાં જાહેર કરવામાં આવ્યા છે.
અતુલ સાવેએ કહ્યું કે સરકાર ખેડૂતોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે જરૂરી તમામ સહાય પૂરી પાડશે. તેમણે ખેડૂતોને હિંમત ન હારવા અપીલ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે લાયક ખેડૂતોને લોન માફીનો લાભ મળે ત્યાં સુધી લોન માફીની પ્રક્રિયા ચાલુ રહેશે.
નાંદેડના બે તાલુકાને દુકાળગ્રસ્ત જાહેર કરાયેલી યાદીમાં સામેલ ન કરાતા સ્થાનિક સ્તરે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે અતુલ સાવેએ જણાવ્યું કે તેમણે જિલ્લા વહીવટીતંત્ર સાથે આ અંગે ચર્ચા કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે નાંદેડના બાકીના બે તાલુકાને પણ દુકાળગ્રસ્ત યાદીમાં સામેલ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ અને દુકાળગ્રસ્ત વિસ્તારોની યાદી બાદ હવે ખેડૂતોને વાસ્તવિક રીતે કેટલી અને કેટલી ઝડપથી રાહત મળે છે તેના પર નજર રહેશે. ખાસ કરીને પાક લોનના પુનર્ગઠન, લોન વસૂલાતમાં મુદત અને અન્ય રાહતોનો લાભ અસરગ્રસ્ત ખેડૂતો સુધી પહોંચાડવો મહત્વપૂર્ણ રહેશે.