Sat Mar 14 2026

Logo

બેલાસિસ બ્રિજ હવે પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર બ્રિજ તરીકે ઓળખાશે વાહનવ્યવહાર માટે ગુરુવારે ખુલ્લો મુકાયો

2 weeks ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના તાડદેવ- નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનને જોડનારા બેલાસિસ રેલવે ઓવર બ્રિજનું ગુરુવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકાર્પણ કર્યા બાદ  સાંજે તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એ સાથે જ આ રેલવે ઓવર બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું હતું. હવેથી આ રેલવે ઓવર બ્રિજ પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર  બ્રિજ તરીકે ઓળખાશે.

અગાઉ બેલાસિસ તરીકે ઓળખાતા રેલવે ઓવર બ્રિજનું પુન:બાંધકામ હાથ ધર્યા બાદ છેલ્લા બે વર્ષથી તેને ખુલ્લો કયારે મુકવામાં આવે છે તેની રાહ જોવામાં આવતી હતી. છેવટે લાંબી રાહ બાદ ગુરુવાર સાંજથી તે વાહનવ્યહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવતા નાગરિકોને રાહત થઈ હતી. ગુરુવારે મુખ્ય પ્રધાને વિડિયો કોન્ફરન્સ દ્વારા તેનું લોકાર્પણ કર્યું હતું અને રેલવે ઓવરબ્રિજનુું નામ પણ બદલી નાખવામાં આવ્યું હતું.

જહાંગીર બોમન બેહરામ રોડ (અગાઉ બેલાસિસ રોડ) પરનો લગભગ ૧૩૦ વર્ષ જૂનો બેલાસિસ બ્રિજ જર્જરીત થઈ જતા તેને તોડી પાડીને નવેસરથી બાંધવામાં  આવી રહ્યો હતો. પહેલી ઓક્ટોબર, ૨૦૨૪થી આ બ્રિજના પુન: બાંધકામ હાથ ધરાયું હતું અને છ જાન્યુઆરી, ૨૦૨૬ના એટલે કે લગભગ ૧૫ મહિના અને છે દિવસમાં કામ પૂરું થઈ ગયું હતું.  નવા બાંધવામાં આવેલા બ્રિજની કુલ લંબાઈ ૩૩૩ મીટર છે, જેમાં પૂર્વ બાજુ ૧૩૮.૩૯ મીટર અને પશ્ર્ચિમ બાજુએ ૧૫૭.૩૯ મીટર અને રેલવે હદમાં ૩૬.૯૦ મીટરનો સમાવેશ થાય છે. બંને બાજુએ પહોળી ફૂટપાથ બાંધવામાં આવી છે.

બ્રિજના લોકાર્પણ દરમ્યાન મુખ્ય પ્રધાને કહ્યું હતું કે વિક્રમી સમયમાં બેલાસિસ બ્રિજનું કામ પૂરું કરવામાં આવ્યું હતું અને હવે હવે અહિલ્યાબાઈ હોળકર બ્રિજ તરીકે ઓળખાશે.  આ બ્રિજનું કામ પૂરું થયા બાદ આગામી સમયમાં હવે ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટમાં ગોરેગામ તરફનો ફ્લાયઓવર, વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પરનો રેલવે ઓવર બ્રિજ, સાયન રેલવે ઓવર બ્રિજ, મહાલક્ષ્મી રેલવે ઓવર બ્રિજ, નેહરુ સાયન્સ સેન્ટર અને માનખુર્દ ખાતેના ફ્લાયઓવરના કામ અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં જ આ બ્રિજ પણ નાગરિકો માટે ખુલ્લા મુકાશે એવી જાહેરાત પણ આ પ્રસંગે મુખ્ય પ્રધાને કરી હતી.
 
બેલાસિસ બ્રિજના લોકાર્પણ દરમ્યાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે  આ પુલના કામમાં અનેક અડચણો આવી હતી. કામ ચાલુ થયા બાદ પણ અનેક મુસીબતોનો સામનો કરવો પડયો હતો, છતાં વિક્રમી સમય કહેવાય એમ ૧૫ મહિનામાં બ્રિજનું કામ કરીને તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 

આ વિસ્તારોને રાહત મળશે
આ બ્રિજના બાંધકામથી  સ્થાનિકો માટે બે વર્ષથી પૂર્વ અને પશ્ર્ચિમનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો, જે તેના ખુલ્લા મુકાવવાની સાથે જ રાહતરૂપ બનશે. જહાંગીર બોમન બેહરામ રોડ, ડૉ. દાદાસાહેબ ભડકમકર રોડ પર (ગ્રાન્ટ રોડ)ખાસ કરીને પઠ્ઠે બાપૂરાવ રોડ અને મહાલક્ષ્મી સ્ટેશન પુલના ટ્રાફિકમાં ઘટાડો થશે.