કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 5)
નામ: બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)
સમય: 30 ઓક્ટોબર, 1974
સ્થળ: (વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ) અમદાવાદ
ઉંમર: 60 વર્ષ
લખનઊની મહેફિલોથી શરૂ કરીને શાસ્ત્રીય સંગીતના મંચ સુધી પહોંચવામાં મેં લાંબી સફર તય કરી છે. 1940ના દસકમાં તવાયફના કોઠા પર ખુલ્લેઆમ આવતા નવાબો, અમીર ઉમરાવ, સિવિલ સર્વિસના ઓફિસર, જજ, વકીલો, પૈસાવાળા વ્યાપારીઓ, જેમની પાસે અચાનક જ આવકનો કોઈક રસ્તો ખુલી ગયો હતો એવા નવા-સવા અમીર બનેલા લોકો મારા અવાજના આશિક બનવા લાગ્યા. આમાં બધા શાસ્ત્રીય સંગીત કે ગઝલ ગાયકી સમજતા હતા એવું નહોતું! મારી અમ્મીએ મને ઉર્દૂમાં મહારત હાસિલ કરાવવા માટે જહેમત કરી હતી.
ઉર્દૂ કવિતા સમજાવવા માટે ખાસ મૌલવી રાખ્યા હતા. સાથે જ ઉત્તર પ્રદેશની પ્રમુખ બોલી પુરબી અથવા અવધીનાં લોકગીતો અને લોકભાષામાં મળતા લોકસાહિત્યને સમજવા માટે એક અવધી સાહિત્યના ઉસ્તાદ પણ એમણે ખાસ શોધ્યા હતા. મારી ઠુમરીઓ અને દાદરામાં પુરબી ભાષાના લાસ્યનો રંગ ઉમેરીને, ઉર્દૂ ગઝલની પીડાને મેં જે રીતે જોડી એનાથી મારી મહેફિલો દિલકશ બની ગઈ.
પારિવારિક અને અંગત મહેફિલો માટે લોકો મને પોતાના ફાર્મહાઉસ (દેહાતની કોઠી) અને મહેલોમાં આમંત્રિત કરવા લાગ્યા. મારે ત્યાંથી ‘હા’ આવે તો મેજબાનની ઈજ્જત અફઝાઈ કહેવાતી. મારે ત્યાંથી ઈન્કાર આવે તો સામાજિક શર્મિન્દગી માનવામાં આવતી. અમારે ત્યાં બેઠકમાં ગાવાની ફીસ એડવાન્સ-પેશગી ચૂકવવી પડતી. શહેરની બહાર જવાની ફીમાં પ્રવાસના દિવસો પણ ગણી લેવામાં આવતા.
પર ડે ફીસ ચૂકવીને મને બોલાવનારા લોકોની કમી નહોતી, સાથે સાથે કિમતી ભેટ-સોગાદો, પોષાક, દાગીના તો મળતા જ, પરંતુ મેજબાનને ત્યાં આવેલા મહેમાનો પણ પોતાની પ્રતિષ્ઠા અને ઈજ્જત બતાવવા માટે ક્યારેક મેજબાનથી પણ મોંઘી ભેટોની નવાજેશ કરતા. સામે એમની અપેક્ષા એટલી જ રહેતી કે હું મારી ગાયકી અને દિલફરેબ અદાઓથી એમને ખુશ કરી દઉં.
હું ક્યારેય એકલી પ્રવાસ ન કરતી, અમ્મી કરવા દેતી જ નહીં. મારી સાથે સાજિંદાઓ, મારું ધ્યાન રાખનારી દાઈ, મારી સજાવટ અને શૃંગાર કરનાર એકાદ સાથી તવાયફ અને મારા સંગીત પર નૃત્ય કરનારી એક કે બાઈજીઓ મારી સાથે પ્રવાસ કરતા. એક ચોકીદાર જેવો માણસ અમારા સહુનું ધ્યાન રાખવા માટે અમારી સાથે આવતો. અમ્મી અમારા ખાતિર-તવજ્જો વિશે કેટલીક સ્પષ્ટતાઓ કરી દેતી, જેથી અમને ક્યાંય તકલીફ ન પડે.
સાંજની આ મહેફિલોમાં મને ઘરની સ્ત્રીઓને મળવાની બહુ ગુંજાઈશ નહોતી. મહેમાનોમાં માત્ર પુરુષો હોય અને એ પોતાની સ્ત્રીઓ આવી મહેફિલમાં ન આવે એનો ખાસ ખ્યાલ રાખતા. રાત રોકાવાનું થાય તો મોટેભાગે કોઈની કોઠી ખાલી કરાવવામાં આવતી. એમનો પરિવાર ત્યાંથી ચાલી જાય, પછી આખું ઘર અમારે હવાલે કરવામાં આવતું. માત્ર નોકરો સિવાય ત્યાં કોઈ ન રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવતી.ક્યારેક કોઈ બહુ ઉદાર અને નવા વિચારના પરિવારમાં બોલાવવામાં આવે ત્યારે સ્ત્રીઓને પડદો પાડીને સંગીત સાંભળવાની છૂટ આપવામાં આવતી.
અંગ્રેજી તહેઝીબની અસર નીચે, અંગ્રેજી રહેન-સહેનમાં જીવતા કોઈ પરિવારોમાં અમે વિદાય લેતા હોઈએ ત્યારે ઘરની ગૃહિણી કે મુખ્ય સ્ત્રીને બોલાવીને એના હાથે અમને ભેટ-સોગાદ અપાવવામાં આવતી. જોકે, મેં આ બધુ તોડીને ઘરની સ્ત્રીઓને મળવાનું શરૂ કર્યું. સાંજની મહેફિલમાં સ્ત્રી ન આવે, એ ઘરના પુરુષો કે વડીલનો નિર્ણય હોઈ શકે, પરંતુ એક ઔરત તરીકે મને જનાનખાનામાં જતી કોઈ રોકી શકે નહીં. હું દિવસે નાહી-ધોઈને સાદા વસ્ત્રો પહેરીને જનાનખાનાની સ્ત્રીઓને મળવા જતી.
ધીરે ધીરે લખનઊ સહિત અનેક શહેરોમાં ઘરની સ્ત્રીઓ સાથે મારે ઘરોબો થઈ ગયો. એક એવો સમય આવ્યો કે જ્યારે સારા કહેવાતા, ખાનદાની ઘરોની સ્ત્રીઓ મને મળવા આવવા લાગી. ‘અખ્તર મંઝિલ’માં રાત્રે પુરુષોની મહેફિલ ભલે જામતી હોય, પરંતુ બપોરે લખનઊની સ્ત્રીઓ માટે મારે ત્યાં ખસનું કે ગુલાબનું શરબત પીવું એ પ્રતિષ્ઠા માનવામાં આવતી. કેટલાક અમીર ઘરોની સ્ત્રીઓ એમના શૃંગાર અને દેખાવ માટે પણ મારી સલાહ લેતી.
એમના પતિની વાતો કરતી અને ક્યારેક એમના પતિની ફરિયાદ પણ દબાયેલા અવાજે મને કરી દેતી... મારી અમ્મી આ બધાને પ્રોત્સાહન આપતી, કારણ કે એ જાણતી હતી કે જમીનદારી ખતમ થવા લાગી છે. હવે, જમીનદારો કે તાલુકેદારો, નવાબો પાસે એવા પૈસા નહીં રહે જે કોઈ એક જમાનામાં હતા. ઈજ્જત અને પ્રતિષ્ઠા જ મને અંતે એ સ્થાન અપાવશે જેને માટે મારી અમ્મી સતત સંઘર્ષ કરી રહી હતી.
આ બધાની વચ્ચે દિલફેંક આશિકો આવતા. મારી સાથે લગ્ન કરવાના પ્રસ્તાવ પણ આવતા. એવા લોકો આવતા જે કોઈપણ કિંમતે મને પામવા ઈચ્છતા હતા. એમાંના એક હતા રામપુરના નવાબ રઝા અલી ખાં. એમણે કેટલીયે વાર અંગત (રિઝર્વ) મહેફિલોનું આયોજન કર્યું. ઠોસ ચાંદીની એક ખુરશી મને ભેટ આપી. અમ્મીને તો એ અવાર-નવાર ભેટો આપતા રહેતા. વારંવાર મને પોતાને ઘરે બોલાવવાના આગ્રહ કરતા ને મારી સાથે એકાંતમાં સમય વિતાવવા બેતાબ રહેતા.
એકવાર અમ્મીએ એમને કહ્યું, હમારે ઘર દાવત પર તશરીફ લાઈએ. આ વાત કદાચ બહુ વિચારીને કહેવામાં આવી હતી. આવા નવાબ એના પરિવાર સાથે અમારા ઘરે આવે તો આ કોઠો નહીં ઘર અથવા મહેલ બની જાય એવી અમ્મીની ગણતરી હતી. નવાબ સાહેબે નિમંત્રણ સ્વીકાર્યું એટલું જ નહીં, પોતાની ત્રણ બેગમ, આઠ સંતાનો અને પૂરા સ્ટાફ સાથે અમારે ત્યાં ભોજન માટે પધાર્યા.
અમ્મીએ આખા ઘરની સજાવટ ફરી કરાવી. નવાબ સાહેબ માટે શાનદાર દાવતનું આયોજન કર્યું એટલું જ નહીં, જ્યારે નવાબ સાહેબ જઈ રહ્યા હતા ત્યારે મોંઘો સજાવટી સામાન પર્શિયન ગાલીચા, ઝુમ્મરો જેવી અનેક ભેટો એમના સ્ટાફને એ જ વખતે ઉતારીને આપી દેવામાં આવી. નવાબ સાહેબે વજીફાના રૂપમાં એ જ સમયે એક લાખ રૂપિયાની રકમ મંજૂર કરી. (જે આજના સમયે દસથી બાર કરોડની વચ્ચે ગણી શકાય.)
જોકે, એમનો લગ્નનો પ્રસ્તાવ મારી મા માટે માથાનો દુ:ખાવો બની ગયો. દર મહિના-દોઢ મહિના પછી નવાબ સાહેબ મોંઘી ભેટ લઈને આવી પહોંચતા અને લગ્નનો પ્રસ્તાવ મુકતા. અમ્મી કોઈ રીતે ટાળી દેતી, પરંતુ વર્ષો સુધી મારા સંગીતકાર રહેલા મુન્ને ખાંએ એકવાર મારી અમ્મીને ઉપાય સુઝાડ્યો. એ પછી લગ્નનો પ્રસ્તાવ લઈને આવેલા નવાબ સાહેબને અમ્મીએ કહ્યું, અખ્તરી કિસી કી દુસરી યા તીસરી બેગમ નહીં બન સકતી. આપ અપની તમામ બેગમાત કો તલાક દીજીયે, મેં દૂસરે દિન નિકાહ પઢવા દૂંગી. એ પછી નવાબ સાહેબ નિયમિત આવતા, પરંતુ એમણે ક્યારેય લગ્નનો પ્રસ્તાવ દોહરાવ્યો નહીં.
મારી અમ્મી બીજી તવાયફ અમ્મીઓ જેવી નહોતી. એ હોશિયાર હતી. એણે પૈસા ખૂબ સાચવ્યા અને યોગ્ય રીતે રોકાણ કર્યું હતું, એટલે મારી માને મારી પાસેથી પૈસા કે વૃદ્ધાવસ્થાના સહારાની અપેક્ષા નહોતી. એ એવું ઈચ્છતી હતી કે મારા લગ્ન થાય, જ્યારે ફૈઝાબાદ અને લખનઊની બીજી તવાયફો એમની દીકરીઓ પર નજર રાખતી. એ કોઈની સાથે ઈશ્કમાં ન પડી જાય કે ભાગી ન જાય એ માટે એમના પર પહેરો લગાવવામાં આવતો.
મારી માએ કોઈ દિવસ મારા પર એવો પહેરો લગાવવાની કે મારી માલિક બનવાની કોશિશ નથી કરી. હા, એ મારું રક્ષણ ચોક્કસ કરતી. એક સાચા ગુરુની જેમ મારા રિયાઝ માટે મારા માથા પર ઊભી રહેતી, પણ મારી આવકમાં એણે હંમેશાં મારો હિસ્સો અલગ રાખ્યો. લખનઊની કેટલીક તવાયફોએ લગ્ન કર્યા હતા, પરંતુ એ ત્રીજી કે ચોથી બીવી હતી. એમને સામાજિક દરજ્જો કે ઈજ્જત ન મળતા. એમના સંતાનને ખાસ અધિકારો પણ ન મળતા ને એમાં પણ જો નવાબ વહેલા ગુજરી જાય તો આવી ચોથી બીવીને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી હોય એવા કિસ્સા પણ લખનઊમાં મૌજુદ હતા.
અમ્મીએ નક્કી કર્યું હતું કે એ મારા લગ્ન જરૂર કરાવશે, ને એ પણ પહેલી અને એકમાત્ર બેગમ તરીકે મને ઈજ્જત મળે તો જ! લોકો એમની મજાક કરતા, તવાયફના લગ્ન થાય એ જ મોટી વાત છે. બાકી સારા ખાનદાનમાં પહેલી બીવી બનવાનું સપનું છોડી દેવું જોઈએ એવું એને સમજાવતા... બીજી તરફ, એક જવાન, ખૂબસૂરત, ઈંગ્લેન્ડમાં ભણેલા, બેરિસ્ટર ઈશ્તિયાક અહેમદ અબ્બાસી કાકોરીના એક જમીનદાર ખાનદાનના ત્રીજા વારિસ હતા. બહુ નાની ઉંમરે લગ્ન કરેલા, પરંતુ એ ઈંગ્લેન્ડ હતા ત્યારે એમની બીવીનો ઈન્તકાલ થઈ ગયો. હવે લગ્ન નથી કરવા, એવું નક્કી કરીને એ લખનઊમાં સ્થાયી થયા અને પ્રેક્ટિસ કરતા હતા... એક દિવસ અમે એકબીજાના નસીબ સુધી પહોંચી ગયા.
મારી માએ કેટલી શિદ્દતથી મારા લગ્નનું સપનું જોયું હશે કે એક દિવસ અચાનક એના દુલ્હેમિંયા એના દરવાજે આવીને ઊભા રહ્યા.
(ક્રમશ:)