કચ્છઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ બન્ની ઘાસના મેદાન વિસ્તારમાં ચિત્તાઓ જોવા મળશે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ કચ્છના 'બન્ની ચિત્તા બ્રીડિંગ સેન્ટર' ખાતે 4 ચિત્તા મોકલવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. જ્યારે ગુજરાત વન વિભાગના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિના પછી મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર અભયારણ્યમાંથી સીધા 4 થી 6 ચિત્તા લાવવામાં આવે તેવી શક્યતા છે.
તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવાની કામગીરી શરૂ
ચિત્તાઓ માટે પૂરતો શિકાર ઉપલબ્ધ રહે તે હેતુથી NTCAના નિર્દેશો મુજબ તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કમાંથી 500 કાળિયાર બન્ની મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકી પ્રથમ તબક્કામાં 9 કાળિયાર સફળતાપૂર્વક મોકલી દેવાયા છે. બાકીના કાળિયારને ચાલુ વર્ષ દરમિયાન અલગ-અલગ તબક્કામાં સ્થાનાંતરિત કરવામાં આવશે. બન્ની બ્રીડિંગ સેન્ટરમાં હાલમાં ચિત્તલ, સાંભર અને કાળિયાર સહિત 800થી વધુ શિકારી પ્રાણીઓ (Prey Animals) મોજૂદ છે.
કૂનોના નિષ્ણાત અધિકારીની સલાહ બાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો
કૂનો-પાલપુર અભયારણ્યનો વિકાસ કરનાર મધ્ય પ્રદેશના IFS અધિકારી ઉત્તર કુમાર શર્માએ કચ્છની મુલાકાત લીધા બાદ આપેલા સૂચનોના આધારે મોટા પાયે તબીબી અને લોજિસ્ટિક ખરીદી કરવામાં આવી છે. જેમાં હેમેટોલોજી એનાલાઈઝર, ELISA એનાલાઈઝર, બાયોકેમિસ્ટ્રી એનાલાઈઝર, ઈન્ક્યુબેટર અને માઈક્રોસ્કોપ વસાવવામાં આવ્યા છે. આ સિવાય એન્ટિબાયોટિક્સ, એન્ટિફંગલ અને સામાન્ય દવાઓનો પૂરતો સ્ટોક ઊભો કરાયો છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કરાર આધારિત 2 પશુ ચિકિત્સક (Veterinary Doctors) અને 2 પશુધન નિરીક્ષકોની ભરતી કરવામાં આવી છે. પેટ્રોલિંગ માટે 8 મોટરસાઇકલ, ક્ષેત્રીય કામગીરી માટે 1 મહિન્દ્રા બોલેરો અને પ્રાણીઓના સલામત વહન માટે ખાસ સુસજ્જ ઈસુઝુ વાહન ખરીદવામાં આવ્યું છે. સુરક્ષા પર દેખરેખ રાખવા માટે નવા વોચટાવરનું નિર્માણ થઈ રહ્યું છે અને ઘાસની ગુણવત્તા સુધારવાના કાર્યક્રમને વધુ 50 હેક્ટર જમીન પર વિસ્તારવામાં આવ્યો છે.
20 કરોડનું ફંડ અને 20,000 હેક્ટર જમીન અનામત
બન્ની ખાતે ઘાસના મેદાન પ્રોજેક્ટ કુલ 660 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા રૂપિયા 20 કરોડના બજેટમાંથી રૂપિયા 18 કરોડથી વધુની રકમ વિવિધ વિકાસ કામો પાછળ ખર્ચાઈ ચૂકી છે. આ પ્રોજેક્ટ સાઇટ પર 60 હેક્ટરનો વિસ્તાર ક્વોરેન્ટાઇન અને સોફ્ટ-રિલીઝ એન્ક્લોઝર માટે ફાળવવામાં આવ્યો છે. ઉપરાંત, 60-60 હેક્ટરના 10 અલગ-અલગ એન્ક્લોઝર તૈયાર કરાયા છે જેમાં 10 ચિત્તાઓને રાખી શકાય તેમ છે. ભવિષ્યમાં પ્રોજેક્ટના વિસ્તરણને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા 20,000 હેક્ટર વધારાની જમીન અગાઉથી જ અનામત રાખી દેવામાં આવી છે.