Fri May 01 2026

Logo

તારિક રહેમાન સરકારનો મોટો નિર્ણય: ભારતીયો માટે તમામ શ્રેણીની વિઝા સેવાઓ ફરી શરૂ

2026-02-20 17:30:02
Author: Mumbai Samachar Team
Article Image

નવી સરકારના ગઠન સાથે જ ભારત સાથેના સંબંધો સુધારવાની કવાયત તેજ

ઢાકા/નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે મહાસત્તાઓ દુનિયાભરના પડોશી રાષ્ટ્રો વચ્ચેના માહોલને વધુ તંગ બનાવવાના પ્રયાસમાં રચ્યાપચ્યાં રહે છે, જેમાં બાંગ્લાદેશ પણ મહાસત્તાઓની ચપેટમાં આવી ગયું છે. જોકે, એક બાજુ ગાઝા પીસ બોર્ડમાં ભારતએ ઓબ્ઝર્વર કન્ટ્રી તરીકે ઉપસ્થિતિ નોંધાવ્યા પછી હવે પડોશી દેશ બાંગ્લાદેશએ નવી દિલ્હી સાથેના સંબંધો સુધારવાની દિશામાં મહત્ત્વનો નિર્ણય લીધો છે. નવી સરકારના ગઠન પછી સૌથી પહેલા ભારત સાથેની વિઝા સર્વિસ ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે.

મેડિકલ અને ટૂરિઝમ અન્ય કેટેગરી પણ શરુ કરાશે

ભારત અને બાંગ્લાદેશના બદલાતા સંબંધોના સંકેત આપતા દિલ્હી સ્થિતિ બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીય નાગરિકો માટે તમામ વિઝા સુવિધા ફરી શરુ કરવામાં આવી છે, જે લગભગ બે મહિનાથી બંધ હતી. આજે સવારે કાઉન્સિલર સેવા ફરી શરુ કરવામાં આવી હતી. ભારતીય માટે હવે તમામ પ્રકારની વિઝા સેવા શરુ કરી છે. 

ડિસેમ્બરમાં બિઝનેસ અને વર્ક વિઝા પર રોક લગાવી હતી, પરંતુ હવે મેડિકલ અને ટૂરિઝમ સહિત અન્ય કેટેગરી ફરી શરુ કરવામાં આવશે. વિઝા સર્વિસ સિવાય સ્પોર્ટસમાં ક્રિકેટ ક્ષેત્રે સંબંધોમાં કડવાશ આવી હતી. તારિક રહેમાનની નવી સરકાર બન્યા પછી સૌથી પહેલું અને મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે, જેનાથી બંને દેશના સંબંધો ઝડપથી સુધરી શકે છે. 

ઉસ્માન હાદીની હત્યા પછી બંને દેશના સંબંધો વણસ્યા હતા

ભારત વિરોધી નેતા ઉસ્માન હાદીની હત્યા અને વિરોધ પ્રદર્શનો પછી બંને દેશના સંબંધો તણાવપૂર્ણ હતા. બાંગ્લાદેશના નવા વડા પ્રધાન તરીકે તારિક રહેમાનએ ત્રણ દિવસ પહેલા પદ સંભાળ્યા પછી મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તારિક રહેમાનની પાર્ટી બેએનપી માટે નવી દિલ્હી સાથેના સંબંધો મહત્ત્વના છે, જે નિર્ણયને કારણે બંને દેશ વચ્ચેના તણાવ પણ દૂર થવાની અપેક્ષા રાખવામાં આવે છે.
આ અગાઉ એક દિવસ પહેલા ભારતીય દૂતાવાસના અધિકારીએ કહ્યું હતું કે નવી દિલ્હી પણ બાંગ્લાદેશમાં તમામ વિઝા સેવા ફરી શરુ કરશે. ડિસેમ્બરમાં બંને દેશના સંબંધો વધુ બગડવાને કારણે પહેલા વાણિજ્ય દૂતાવાસ અને વિઝા સેવા સ્થગિત કરવામાં આવી હતી. એના પછી પણ હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં મોબ લિચિંગના પણ બનાવ બન્યા હતા.

બાંગ્લાદેશના વડા પ્રધાન ભારતના મહેમાન બનશે?

તારિક રહેમાનના નેતૃ્ત્વમાં બંને દેશના સંબંધો સુધારવાના સંકેતો મળી રહ્યા છે. તારિક રહેમાનના પીએમ તરીકેની શપથવિધિમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે મુલાકાત પણ કરી હતી. બિરલાએ મોદીનો પત્ર સોંપતા રહમાનને ભારત આવવાનું આમંત્રણ પણ મોકલ્યું હતું.

હવે એ જોવાનું રહેશે કે શું રહમાન પીએમ બન્યા પછી પહેલા દિલ્હી આવે છે કે નહીં. જોકે, પૂર્વ વચગાળાના પીએમ યુનુસ ભારતના બદલે ચીનનો પ્રવાસ કરતા ભારતની નારાજગી વહોરી હતી. ભારતના નેપાળ, શ્રીલંકા પછી હવે બાંગ્લાદેશ સાથે સંબંધો સુધરે તો ઉદ્યોગોની સાથે ટૂરિઝમને પણ ફાયદો મળી શકે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.