Sun Sep 06 2026

Logo

તારિક રહેમાન પીએમ બનતા જ બાંગ્લાદેશના તેવર બદલાયા: ભારતીય એરલાઈન પર મોટી કાર્યવાહી

2026-02-19 15:33:00
Author: Mumbai Samachar Team
તારિક રહેમાન પીએમ બનતા જ બાંગ્લાદેશના તેવર બદલાયા: ભારતીય એરલાઈન પર મોટી કાર્યવાહી

બાકી નાણાં મુદ્દે બાંગ્લાદેશે એરસ્પેસ વાપરવા પર લગાવી રોક; કોલકાતા-ઈમ્ફાલ ફ્લાઈટ્સ પર અસર, સ્પાઈસજેટના શેરમાં કડાકો

ઢાકા/નવી દિલ્હીઃ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં હજુ પણ ખેંચાખેંચી ચાલી રહી છે. નવી સરકારના ગઠન પછી બાંગ્લાદેશના નવા સ્પોર્ટસ મિનિસ્ટરે ભારત-બીસીસીઆઈ સાથે સંબંધો સુધારવાની વાત કરવાના અહેવાલ વચ્ચે નવી સરકારે ભારતીય એરલાઈન પર સૌથી મોટી કાર્યવાહી કરી છે. બાંગ્લાદેશની તારિક રહેમાનની સરકારે બાકી નાણા નહીં ચૂકવવાને કારણે ભારતીય એરલાઈન સ્પાઈસજેટ માટે પોતાની એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર)ના ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મૂક્યો છે. 

એરસ્પેસ ઉપલબ્ધ નહીં હોવાને કારણે હવે કોલકાતાથી ગુવાહાટી અને ઈમ્ફાલ જનારી અનેક ફ્લાઈટ્સને લાંબા રુટનો ઉપયોગ કરવાની નોબત આવશે, જેનાથી ઉડાનનો સમય અને ઓપરેશન કોસ્ટ પર પણ અસર થશે.

આ સ્પાઈસ જેટના પ્રવક્તાએ આ મુદ્દે કહ્યું છે કે એરલાઈન નેવિગેશન ફી સહિત ઓપરેશનલ અને પ્રક્રિયાગત મુદ્દાઓ અંગે સંબંધિત અધિકારીઓની સાથે નિયમિત વાતચીત કરી રહ્યા છે. આ મુદ્દે ઝડપી ઉકેલ માટે રચનાત્મક કામગીરી કરી રહ્યા છે અને શેડ્યૂલ ફ્લાઈટ સર્વિસીસ નિયમો અનુસાર ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો.

હાલના તબક્કે તમામ ફ્લાઈટ્સ નિયમો અનુસાર ચલાવવામાં આવી રહી છે. પ્રવાસીઓ પર પણ તેની કોઈ અસર પડી નથી. જોકે, એરસ્પેસ બંધ થવાને કારણે અમુક ફ્લાઈટ્સને વૈકલ્પિક રુટ્સનો ઉપયોગ કરવાની નોબત આવી છે. બાકી લેણાની રકમ ચૂકવવામાં આવી નહીં હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આ મુદ્દે હજુ સુધી સ્પષ્ટ થયો નથી. હાલના તબક્કે એરલાઈન સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે, એમ સ્પાઈસજેટે જણાવ્યું હતું.

સ્પાઈસ જેટ પરની કાર્યવાહીને કારણે સ્પાઈસ જેટના શેર ભાવમાં કડાકો નોંધાયો છે. ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા અનુસાર સ્પાઈસ જેટની અમુક ફ્લાઈટ્સ બાંગ્લાદેશી એર સ્પેસનો ઉપયોગ ટાળવા માટે વૈકલ્પિક અને લાંબા રુટનો ઉપયોગ કરી રહી છે. બાંગ્લાદેશે સ્પાઈસ જેટ પર કાર્યવાહી કરતા શેરબજારમાં એની અસર જોવા મળી હતી. સ્પાઈસ જેટના શેરમાં એક ટકાનો ઘટાડો થયો હતો.