પાલનપુરઃ બનાસકાંઠાના પશુપાલકોના હિતમાં બનાસ ડેરી દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યાં છે. દૂધના ખરીદભાવમાં વધારો કરવાની જાહેરાત સાથે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે, પશુ આહારના વધતા જતાં ભાવોથી રાહત આપવા માટે આ વધારો કરવામાં આવ્યો છે. આવી મોંઘવારીના સમયમાં પશુપાલકોને આર્થિક ટેકો મળી રહે તે માટેબનાસ ડેરીએ આ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં સીધો જ 15 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 15નો વધારો
પશુ આહારના વધતા ભાવો સામે રાહત આપવા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 15નો વધારો કરવામાં આવ્યો. હવે નવો ભાવ 860 રૂપિયા પ્રતિ કિલો ફેટ રહેશે. તેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટો ફાયદો થવાનો છે. આ અંગે ડેરી સંચાલકોનું કહેવું છે કે, લાખો દૂધ ઉત્પાદક સભ્યોના હિતોને ધ્યાનમાં રાખીને આ વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારા બાદ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના પશુપાલકોમાં ખુશીની લાગણી છવાઈ છે. આ નવો ભાવ આજથી જ લાગુ કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.

હવે પશુપાલકોની આવકમાં વધારો થશે
દૂધના ખરીદ ભાવમાં વધારો થતા પશુપાલકોની આવકમાં વધારો થશે અને જેથી મોટી અને રાહતની વાત છે. કારણ કે, અત્યારે દરેક ક્ષેત્રમાં મોંઘવારીએ માઝા મુકી છે, તેવામાં દૂધના ખરીદ ભાવમાં વધારો થવો અતિઅનિવાર્ય સાબિત થશે. બનાસ ડેરી દ્વારા ઉત્તર ગુજરાતના પશુપાલકોના હિતમાં આ નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા મળશે તેવું પણ જણાઈ રહ્યું છે.