Tue Oct 06 2026

Logo

ઊર્જા સંકટ વચ્ચે ગાયના છાણમાંથી કરોડોની કમાણી: બનાસકાંઠાનું બાયો-સીએનજી મોડલ દેશભરમાં છવાયું

2026-03-26 17:23:16
Author: Devayat Khatana
ઊર્જા સંકટ વચ્ચે ગાયના છાણમાંથી કરોડોની કમાણી: બનાસકાંઠાનું બાયો-સીએનજી મોડલ દેશભરમાં છવાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

ગાંધીનગર: મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે સર્જાયેલા તણાવ વચ્ચે ઊર્જાના વિકલ્પો પર ચિંતનની જરૂર પેદા કરી છે, તેવા સમયે ગુજરાતના સફળ બનાસ બાયો-સીએનજી મોડલની ભારે ચર્ચા થઈ રહી છે. જેને ગુજરાત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'વેસ્ટ ટુ વેલ્થ' સૂત્ર હેઠળ વિકસાવ્યું છે. 
બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ મોડલને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય સહકારિતા વિભાગના સંયુક્ત પ્રયાસો થકી દેશના લગભગ 15 રાજ્યો પોતાને ત્યાં અમલી કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. બનાસ ડેરી દ્વારા વિકસિત આ પ્રોજેક્ટ ગાયના છાણ જેવા જૈવિક કચરાને સ્વચ્છ બળતણ અને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરશે.

ગુજરાત સરકારે  સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓ દ્વારા નવા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રૂ. 60 કરોડની વિશેષ જોગવાઈ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ રાજ્યમાં તબક્કાવાર રીતે લગભગ 10 બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપિત કરવાનો પ્લાન પ્રસ્તાવિત છે. 

બનાસકાંઠામાં દૈનિક 40 મેટ્રિક ટન ગોબર પ્રોસેસિંગની ક્ષમતાવાળો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ છેલ્લા 6 વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે. તેની સફળતાથી પ્રેરિત થઈને બનાસકાંઠામાં 5 મોટા બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરવા માટે કામ ચાલી રહ્યું છે. હાલમાં, આયોજિત 5 પ્લાન્ટ્સમાંથી 2 પ્લાન્ટ્સ કાર્યરત થઈ ગયા છે, જ્યારે ત્રીજો પ્લાન્ટ પૂરો થવાના અંતિમ તબક્કામાં છે


 
બનાસકાંઠામાં સ્થાપિત બાયો-સીએનજી પ્લાન્ટ્સ આશરે 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા 20-25 ગામોના પશુપાલક પરિવારોને આવરી લે છે, જેઓ નિયમિતપણે છાણનો પુરવઠો પૂરો પાડે છે. ખેડૂતોને છાણ માટે પ્રતિ કિલોગ્રામ રૂ. 1 ચૂકવવામાં આવે છે, જે અંદાજે 400-450 પશુપાલક પરિવારોને વધારાની આવક પણ પૂરી પાડે છે. 

એટલું જ નહીં,  પ્લાન્ટમાં ગેસ ઉપરાંત ખાતર કે અન્ય ઉત્પાદનો દ્વારા પણ આવક મેળવી શકાય છે. આ મૉડલ હેઠળ દરરોજ આશરે 1,800 કિલોગ્રામ કોમ્પ્રેસ્ડ બાયોગેસનું  ઉત્પન્ન થાય છે, જે આશરે રૂ. 75 પ્રતિ કિલોગ્રામના ભાવે બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 

આ ઉપરાંત, લગભગ 25 મેટ્રિક ટન ઘન જૈવિક ખાતર અને 75 મેટ્રિક ટન પ્રવાહી જૈવિક ખાતરનું ઉત્પાદન થાય છે, જે અનુક્રમે આશરે રૂ. 6 પ્રતિ કિલોગ્રામ અને રૂ. 0.50 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે. આ ત્રણેય ઉત્પાદનો પ્લાન્ટ માટે દરરોજ રૂ. 3 લાખથી વધુની આવક ઉત્પન્ન કરે છે, જે વાર્ષિક આશરે રૂ.12 કરોડ સુધી પહોંચી શકે છે.