Fri May 01 2026

Logo

સ્લીપર બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7 મુસાફરોનાં કમકમાટીભર્યા મોત...

2026-02-27 20:03:10
Author: Tejas
Article Image

નવી દિલ્હી: રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે પર સરવડી ગામ નજીક પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી સ્લીપર બસ આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મધરાત્રે બનેલી આ ઘટનામાં ગાઢ નિંદ્રામાં માણેલા મુસાફરો માટે બસ લોખંડી શબપેટી સાબિત થઈ હતી. ટક્કરનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના ગામના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

સૂત્રોની જાણકારી પ્રમાણે, અકસ્માત બાદ બસની અંદરનું દ્રશ્ય અત્યંત વિચલિત કરનારું હતું. સ્લીપર કોચમાં સૂતેલા મુસાફરો સીટો પરથી ફંગોળાઈ ગયા હતા અને અનેક લોકો લોખંડના પતરા વચ્ચે ફસાઈ ગયા હતા. બસની બોડી ચીરાઈ જવાથી કેટલાક મૃતદેહો બારીઓમાંથી બહાર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 7 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો છે, જ્યારે અનેક મુસાફરો લોહીલુહાણ હાલતમાં મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. ઘાયલોની સંખ્યા જોતા મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગેસ કટરની મદદથી બસના પતરા કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ બસની ગતિ મર્યાદા કરતા વધુ હોવાનું જણાય છે, જેના કારણે ડ્રાઈવર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હોઈ શકે છે અથવા ચાલકને જોકું આવી ગયું હોવાની શક્યતા છે. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડીને હાઈવે ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસે મૃતકોની ઓળખ વિધિ શરૂ કરી છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ હાઈવે પર સુરક્ષા અને ઓવરસ્પીડિંગના જોખમો પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.