અયોધ્યા : અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસના એસઆઇટીના અહેવાલ બાદ એફઆઇઆર નોંધવામાં આવી હતી. તેમજ આ કેસમાં પોલીસે તપાસ પણ તેજ કરી છે. જેમાં તપાસ એજન્સીઓએ આ કેસમાં હવે અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સહિત 80 થી વધુ લોકોને નોટિસ પાઠવી તપાસમાં સામેલ થવા જણાવ્યું છે.
મોબાઇલ ફોનમાંથી અનેક ચેટ ડિલીટ કરી દીધી
આ તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે આરોપીઓ તેમના મોબાઇલ ફોનમાંથી અનેક ચેટ ડિલીટ કરી દીધી છે. તેમજ આ ફોનને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી ડિલીટ કરવામાં આવેલા ડેટા અને ચેટસને રિકવર કરવામાં આવશે.
બેંક ખાતા અને લોકરોની પણ માહિતી માંગી
આ ઉપરાંત તપાસ એજન્સીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને કેનરા બેંક સહિત છ બેંકોને પણ નોટિસ પાઠવી છે. આ બેંકોમાં આરોપી, ટ્રસ્ટ અને અન્ય લોકોના બેંક ખાતા અને લોકરોની પણ માહિતી માંગી છે. તપાસ એજન્સી દાન ચોરીની રકમ મેળવવા માટે લેવડ -દેવડ, બેન્કિંગ ટ્રેલ અને ડિજિટલ પુરાવાના આધારે સમગ્ર કેસના મૂળ સુધી પહોંચવા માંગે છે.
ચંપત રાયનું પણ નિવેદન નોંધ્યું
આ દરમિયાન એવી વિગતો પણ પ્રકાશમાં આવી છે કે, પોલીસે ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું પણ નિવેદન નોંધ્યું છે. તપાસની જરૂરિયાતોને આધારે પોલીસ અનિલ મિશ્રા અને ટ્રસ્ટના અન્ય પદાધિકારીઓના નિવેદનો પણ નોંધશે. ચંપત રાયે તાજેતરમાં રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
મંદિર ટ્રસ્ટને દાન ચોરી અંગે પહેલાથી જ જાણ હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિર ટ્રસ્ટને દાન ચોરી અંગેની આ કથિત ગેરરીતિઓ વિશે પહેલાથી જ જાણ હતી અને પોલીસે ઔપચારિક ફરિયાદ દાખલ થાય તે પહેલાં જ પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તેમજ 5 જૂનના રોજ ચંપત રાયની સૂચના પર કાર્યવાહી કરતા ટ્રસ્ટના પ્રતિનિધિઓ પોલીસ ટીમ સાથે આરોપી અવિનાશ શુક્લાના નિવાસ પર ગયા હતા. આ જ દિવસે પોલીસે દરોડો પાડ્યો અને અવિનાશ શુક્લાને કસ્ટડીમાં લીધો અને તેના કબજામાંથી રોકડ રકમ જપ્ત કરી હતી.