દેવલ શાસ્ત્રી
તમારી સામે બંગલાનો એ ભવ્ય દરવાજો સાવ ખુલ્લો છે. બહાર મખમલી રાત છે અને ઠંડો પવન તમને બોલાવી રહ્યો છે. રોકનારું કોઈ નથી, છતાં તમે ઉંબરા પાસે આવીને થીજી જાઓ છો. તમારો પગ હવામાં અધ્ધર લટકે છે, પણ તે બહાર પડવાની ના પાડી દે છે. કેવો ભયાનક અને વિચિત્ર અનુભવ!
1962માં સિનેમાના જાદુગર લુઈસ બુનુએલે દુનિયાની આંખમાં આંખ પરોવીને એક અરીસો ધર્યો હતો, જેનું નામ હતું ‘ધ એક્સટરમિનેટિંગ એંજલ’. બંગલાનો વિશાળ અને મોંઘોદાટ હૉલ. હીરા-ઝવેરાતથી લદાયેલા અમીરોની ડિનર પાર્ટી. મોંઘો શરાબ, હસવાના ખડખડાટ અને સંગીતના ભારેખમ કોલાહલ વચ્ચે અમીરોની પાર્ટી પૂરી થાય છે. ઘડિયાળના કાંટા રાત પૂરી થવાનો સંકેત આપે છે. મહેમાનો વિખેરાવા માટે ઊભા થાય છે, દરવાજા તરફ વધે છે અને... અચાનક આખું દૃશ્ય થીજી જાય છે.
દરવાજો ખુલ્લો છે, કોઈ ચોકીદાર નથી, કોઈ તાળું નથી. છતાં, એક અદૃશ્ય અને લોખંડી દીવાલ હૉલના ઉંબરા પર ચણાઈ ગઈ છે. કોઈની તાકાત નથી કે એ ખુલ્લા દરવાજાની બહાર એક ડગલું પણ મૂકી શકે!
પછી શરૂ થાય છે નરકનું અસલી નાટક. દિવસો પર દિવસો વીતતા જાય છે. સિલ્કનાં મોંઘાં કપડાં પહેરેલા એ સુધરેલા બાબુઓના અહંકાર, સભ્યતા અને મોભો પાણીના એક-એક ટીપા માટે ઓગળવા લાગે છે. હૉલના ભવ્ય સોફા વચ્ચે ભૂખથી તડપતા કહેવાતા સભ્યસમાજના માણસોની અંદર છાનોમાનો બેઠેલો હિંસક પશુ બહાર આવી જાય છે. આ કોઈ જાદુ-ટોણાની વાર્તા નહોતી.
આ અદૃશ્ય જેલ કોઈ બહારના માણસે નહોતી બનાવી. એ તો તેમના પોતાના જ મનની અંદર વર્ષોથી ઉછરેલી સામાજિક રૂઢિઓ, કમ્ફર્ટ ઝોન અને ‘લોકો શું કહેશે’ એ ડરના સિમેન્ટ-કોંક્રિટથી ચણાયેલી જેલ હતી.
દસમા દિવસે હૉલના એક ખૂણેથી એક સ્ત્રીની ચીસ સંભળાય છે. તેને અચાનક ભૂતકાળની એ સાચી ક્ષણ યાદ આવે છે જ્યારે આ પાપની રમત શરૂ થઈ નહોતી. એ બૂમ પાડે છે, આપણે આપણો અહંકાર, આપણો નકલી ગુસ્સો અને આ ડરનો મહોરો ઉતારવો પડશે! આપણે બરાબર એ જ નિર્દોષ સ્થિતિમાં આવવું પડશે જેવા આપણે પહેલા દિવસે હતા. અને ચમત્કાર થાય છે. જેમ-જેમ લોકો પોતાનો અહંકાર ત્યજીને સચ્ચાઇનો સ્વીકાર કરે છે, તેમ-તેમ એ અદૃશ્ય તાળું આપોઆપ તૂટી જાય છે. તેઓ મુક્ત હવામાં શ્વાસ લે છે...
પણ ઊભા રહો, વાર્તા અહીં પૂરી નથી થતી. આ મુક્તિનો ઉત્સવ મનાવવા આખી ભીડ અને ચર્ચના પાદરીઓ સામૂહિક પ્રાર્થના માટે એક વિશાળ ચર્ચમાં ભેગા થાય છે. ઘંટનાદ થાય છે, પ્રાર્થના પૂરી થાય છે અને લોકો બહાર જવા નીકળે છે ત્યારે...
ફરી એ જ સન્નાટો! ચર્ચનો દરવાજો સાવ ખુલ્લો છે, પણ કોઈ બહાર નીકળી શકતું નથી. આ વખતે માત્ર અમીરો નહીં, આખી ભીડ પોતાના જ વિચારોની જેલમાં કેદ થઈ જાય છે અને બહાર રસ્તાઓ પર ઘેંટા-બકરાંના ટોળાં બેફિકર થઈ ઘૂમવા લાગે છે. જાણે પ્રકૃતિ કહી રહી હોય કે ગુલામ તમે છો, આ અબોલ જીવો નહીં! લગભગ કોવિડયુગ જેવું આ દૃશ્ય આપણા મગજ પર હથોડા મારે છે.
આપણે 2026ના ડિજિટલ યુગમાં જીવીએ છીએ, સોશ્યલ મીડિયાની લાઇક્સ કે કૉમેન્ટ્સ અને બેંક બૅલૅન્સના આંકડાઓને આપણી સફળતા માનીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે આપણી વૈચારિક આઝાદી ક્યાંક ગિરવે મુકાઈ ગઈ છે? મનોવિજ્ઞાનનો એક ખૌફનાક પ્રયોગ કહે છે કે 75 ટકાથી વધુ લોકો પોતાનો સાચો વિચાર માત્ર એટલા માટે બદલી નાખે છે કારણ કે બાકીની ભીડ કંઈક અલગ વિચારે છે.
આપણે એ જ વિચારીએ છીએ જે આ સ્માર્ટફોનનું અલ્ગોરિધમ અને સમાજ આપણી પાસે વિચારાવવા માગે છે. આજે 60 ટકા લોકો પોતાની જિંદગીની ખુશીઓ પોતાના દિલથી નહીં, પણ બીજાના ઑનલાઇન સ્ટેટસ જોઈને નક્કી કરે છે. આપણે એક એવી આરામદાયક જેલ બનાવી લીધી છે જ્યાં ઠંડક માટે એસી તો છે, પણ મુક્ત હવામાં શ્ર્વાસ લેવાની આઝાદી નથી.
રશિયાના મહાન લેખક દોસ્તોયેવસ્કીએ તેમની નવલકથામાં લખ્યું હતું કે માણસને સૌથી વધુ ડર પોતાની પસંદગી અને નિર્ણય લેવાની આઝાદીથી લાગે છે, કારણ કે જ્યારે નિર્ણય તમારો હોય ત્યારે તેની નિષ્ફળતાની જવાબદારી પણ તમારી છાતી પર આવીને બેસે છે. આ જ ડરના કારણે આપણે શું ભણવું, કઈ નોકરી કરવી અને કોની સાથે લગ્ન કરવા જેવા નિર્ણયો પણ સામાજિક સ્ટેટસ અને દેખાડાના અદૃશ્ય દબાણ હેઠળ લઈએ છીએ. દરવાજો ખુલ્લો છે, પણ આપણે સલામતીના નામે બંધ રૂમમાં સડી રહ્યા છીએ.
અહંકારની આ અદૃશ્ય જેલ કંઈ આજકાલની નથી. આપણી સનાતન કથાનો એ અસુરોનો રાજા હિરણ્યકશ્યપુ યાદ કરો. એણે બ્રહ્માજી પાસેથી વરદાન માગ્યું કે ના હું માણસથી મરું ના પશુથી, ના અંદર મરું ના બહાર. એણે વરદાનના શબ્દોની એક અદૃશ્ય અને અમર જેલ પોતાની આસપાસ ચણી લીધી. એનો જ દીકરો પ્રહલાદ જ્યારે ચીસો પાડીને કહેતો હતો કે ઈશ્વર તો કણ-કણમાં છે, ત્યારે હિરણ્યકશ્યપુનો અહંકાર એ સ્વીકારવા જ તૈયાર નહોતો કે સિંહ અને માણસનું કોઈ સમન્વય હોઈ શકે! એના વિચારો એટલા જડ અને બંધિયાર હતા કે એ હૉલની બહાર નીકળી જ ન શક્યો. પરિણામ? એના પોતાના જ બનાવેલા નિયમોના હૉલમાં નરસિંહ અવતારે એની છાતી ચીરીને સર્વનાશ કર્યો.
-તો પ્રશ્ન એ છે કે, શું આપણે ખરેખર મુક્ત છીએ?
જે દિવસે આપણે સમાજના આ નકલી માપદંડો, અલ્ગોરિધમની આધુનિક ગુલામી અને મનના અસ્વીકારની અદૃશ્ય દીવાલોને તોડીને આપણા આત્માનો અસલી અવાજ સાંભળીશું એ જ દિવસે આપણી જિંદગી સાચા અર્થમાં મુક્ત બનશે, કારણ કે સાચી આઝાદી માત્ર ખુલ્લા દરવાજામાં નથી, પણ એ દરવાજાની બહાર હિંમતભેર પગ મૂકવાના અને સત્યને સ્વીકારવાના નિર્ણયમાં છે.
ધ એન્ડ
પ્રેમ એ તો ઝેર જેવો હોય છે, એક ટીપું પણ અંદર રહી જાય તો અંતિમ સમયમાં શાંતિથી મરવા પણ દેતો નથી
- ‘મેં વાપસ આઉંગા’