Thu Jun 18 2026

Logo

અમદાવાદીઓ સાવધાન, ગેરકાયદે ગટર લાઈન જોડી તો ઔડા ખિસ્સા કરી દેશે ખાલી

2026-03-10 11:22:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે ડ્રેનેજ કનેકશન પ્રથાને ડામવા માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)એ નવી પોલિસીને મંજૂરી આપી છે. આ નવી પોલિસી મુજબ, જે રહેણાંક સોસાયટીઓ કે કોમર્શિયલ બિલ્ડિંગો ગેરકાયદે ડ્રેનેજ લાઈનો નાખે છે અને બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન મેળવ્યા બાદ તેને કાયદેસર કરાવે છે તેમની પાસેથી ડ્રેનેજ કનેકશન અને મેન્ટેનન્સ ચાર્જ પેટે 100 ટકા દંડ વસૂલવામાં આવશે. આ પોલિસી શીલજ, સનાથલ, તેલાવ, મણિપુર અને ગોધાવી જેવા વિસ્તારોને આવરી લેશે. 

ગયા અઠવાડિયે મંજૂર કરાયેલી નવી નીતિ મુજબ, જે સોસાયટીઓ કે બિલ્ડિંગો ડ્રેનેજ કનેક્શન મેળવ્યા બાદ નિયત સમયમાં મેન્ટેનન્સ ચાર્જ નહીં ભરે, તેમની પાસે બાકી રકમ પર વાર્ષિક 18% વ્યાજ વસૂલવામાં આવશે.  ઔડાએ કનેક્શન કે મેન્ટેનન્સ ચાર્જમાં કોઈ વધારો કર્યો નથી, માત્ર દંડની જોગવાઈ કરી છે.

નવી નીતિ હેઠળ, ડ્રેનેજ કનેક્શન ચાર્જ એક જ વાર લેવામાં આવશે. જે મુજબ 151 ચોરસ મીટરથી વધુના એકમો માટે કનેક્શન ચાર્જ ₹4,000 અને મેન્ટેનન્સ ચાર્જ ₹800, 25 ચોરસ મીટરથી ઓછા એકમો માટે કનેક્શન ચાર્જ ₹800 અને મેન્ટેનન્સ ચાર્જ ₹160 લેવામાં આવશે. જ્યારે કોમર્શિયલ એકમો માટે પ્રથમ 100 ચોરસ મીટર માટે ₹3,500 કનેક્શન અને ₹875 મેન્ટેનન્સ ચાર્જ લેવાશે. ત્યારબાદના દર 100 ચોરસ મીટર દીઠ વધારાના ₹3,000 કનેક્શન પેટે અને ₹750 મેન્ટેનન્સ પેટે લેવામાં આવશે.

કેમ લેવાયો આ નિર્ણય?

સૂત્રોએ  જણાવ્યું કે, BU પરમિશન મળ્યા બાદ કનેક્શન કાયદેસર કરાવવા પર કોઈ દંડની જોગવાઈ ન હોવાથી ઔડાના વિસ્તારોમાં અનેક ગેરકાયદે કનેક્શન વધી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, શીલજ જેવા વિસ્તારોમાં જ્યાં હજુ ડ્રેનેજ નેટવર્ક નથી, ત્યાં નવી ઈમારતોને ખાળકૂવા સાથે બાંધકામની મંજૂરી અપાય છે. પરંતુ જ્યાં ડ્રેનેજ લાઈન છે, ત્યાં BU પરમિશન લીધા વગર જ ગેરકાયદે જોડાણો કરી દેવામાં આવે છે અને બાદમાં તેને કાયદેસર કરાવી દંડથી બચી જવાય છે.

આ પ્રથાને કારણે હાલની ડ્રેનેજ લાઈનોને નુકસાન થયું છે. વધુમાં, ઔડામાં એક મોટી સમસ્યા એ પણ છે કે ગેરકાયદે ડ્રેનેજ પાઈપોને વરસાદી પાણીની લાઈનો સાથે જોડી દેવામાં આવે છે, જે સીધું તળાવોમાં ઠલવાય છે.