Thu Sep 03 2026

Logo

બુધવારના વિજેતા-કૅપ્ટન શુભમન ગિલે એવું તે શું કર્યું કે કોચ નહેરાએ ગાળ વરસાવી?

2026-04-09 17:55:51
Author: Ajay Motiwala
બુધવારના વિજેતા-કૅપ્ટન શુભમન ગિલે એવું તે શું કર્યું કે કોચ નહેરાએ ગાળ વરસાવી?

નવી દિલ્હીઃ બુધવારે અહીં આઇપીએલની 14મી મૅચમાં ગુજરાત ટાઇટન્સનો સ્પિનર રાશીદ ખાન મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો, પરંતુ દિલ્હી કૅપિટલ્સ સામેની આ મૅચમાં ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલનું યોગદાન જરાય નાનું નહોતું, કારણકે તેણે તેની ટીમમાં હાઈએસ્ટ 70 રન કર્યા હતા અને પછી મૅચની અંતિમ ક્ષણોમાં દિલ્હીના બૅટ્સમેનોને જીતથી વંચિત રખાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી એમ છતાં ગિલ (Gill) માટે એક તબક્કે હેડ-કોચ આશિષ નેહરાએ અપશબ્દોનો પ્રયોગ કરીને આક્રોશ ઠાલવ્યો હતો. ગુજરાતના 4/210 સામે દિલ્હી 8/209ના સ્કોર બદલ માત્ર એક રનથી હારી ગયું હતું.

નેહરા (Nehra) આખી મૅચ દરમ્યાન જોશમાં હતો અને પોતાના ખેલાડીઓની જરા સરખી પણ ભૂલ સાંખી નહોતો લેતો. બન્યું એવું કે એક તબક્કે દિલ્હીની ટીમને જ્યાં એક રન મળવાનો હતો ત્યાં ગિલના થ્રોને કારણે પાંચ રન મળ્યા હતા.

દિલ્હીના બૅટ્સમેનો રન લેવા દોડી રહ્યા હતા ત્યારે શુભમન ગિલે બૉલ સીધો સ્ટમ્પ્સ પર ફેંક્યો હતો. તેનો થ્રો સચોટ હતો, પણ બૉલ સ્ટમ્પ્સને લાગ્યા બાદ બાઉન્ડરી લાઇનની બહાર જતો રહ્યો હતો અને દિલ્હીને પાંચ રન મળી ગયા હતા. બાઉન્ડરી લાઇનની બહાર ઊભેલો નેહરા આ સાંખી નહોતો શક્યો અને તે ગુસ્સામાં ગાળ (Bad word) બોલ્યો હતો. નેહરાનો આ વીડિયો વાઇરલ થયો છે.

જોકે મૅચની અંતિમ ઓવરના છેલ્લા બૉલમાં (દિલ્હીએ જ્યારે જીતવા બે રન કરવાના હતા ત્યારે...) ગિલની સલાહ પછી જ પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ સ્લો બાઉન્સર ફેંક્યો હતો અને દિલ્હીનો ડેવિડ મિલર શૉટ નહોતો મારી શક્યો એમ છતાં રન લેવા દોડ્યો હતો વિકેટકીપર જૉસ બટલરે કુલદીપ યાદવને રનઆઉટ કરી દીધો હતો.