નવી દિલ્હી: દારૂ કૌભાંડ કેસમાં કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યાં છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સાથે આપ (આમ આદમી પાર્ટી)ના 23 નેતાને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે, જેના કારણે આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટે નિર્દોષ જાહેર કરતા કેજરીવાલ મીડિયા સાથે વાત કરતા ભાવુક થઈ ગયાં હતાં અને કહ્યું હતું કે મેં ક્યારેય કોઈ ગુનો કર્યો નથી, જ્યારે ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે આઝાદ ભારતમાં સૌથી મોટું રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું. જોકે, કોર્ટના આ ચુકાદા મામલે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું પણ સત્તાવાર નિવેદન પ્રકાશમાં આવ્યું છે.
પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા એ ટેકનિકલ વિષય છે
આ મામલે ભાજપના વરિષ્ઠ નેતા સુધાંશુ ત્રિવેદીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોર્ટ દ્વારા તેમને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે, એ એક ટેકનિકલ વિષય છે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, મોટી માત્રમાં સિમ કાર્ડ અને ફોનના પુરાવા નાશ કરવામાં આવ્યાં તે પણ એક હકીકત છે. આખરે શા માટે તે પુરાવા નષ્ટ કરવામાં આવ્યાં એ પણ સવાલ છે? શું તેના કારણે પુરાવાનો અભાવ રહ્યો? આ સમગ્ર મામલે હવે સીબીઆઈ પોતાની તપાસ કરશે અને પોતાનો પક્ષ રાખશે આ એક ટેકનિકલ વિષય છે.
#WATCH | Delhi | Arvind Kejriwal discharged in liquor policy case, BJP leader Sudhanshu Trivedi says, "Court has acquitted him due to lack of evidence. This is a technical issue. CBI will take the next step in this case. The party will give a structured response after studying… pic.twitter.com/CUSX3JpsNW
— ANI (@ANI) February 27, 2026
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ એવું પણ કહ્યું કે, આ મામલે કોર્ટના ચુકાદાનું અધ્યયન કર્યા બાદ પાર્ટી વિસ્તારથી જવાબ આપશે. ભાજપનું કહેવું છે કે જો પુરાવા હતા જ નહીં તો પછી કોર્ટે ચાર્જિસ ફ્રેમ કરવાની મંજૂરી કેવી રીતે આપી હતી?, એક બાજુ આમ આદમી પાર્ટીમાં કોર્ટેના ચુકાદાના કારણે ખુશીનો માહોલ છે તો સામે ભાજપ પણ પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
સીબીઆઈને પણ ઉપરી કોર્ટમાં જવાનો અધિકાર છે
કોર્ટના ચુકાદા મામલે ભાજપના પ્રવક્તા આરપી સિંહે કહ્યું કે, અત્યારે તો માત્ર એક કોર્ટે રાહત આપી છે, જે એમનો અધિકાર હતો. આ લોકો પહેલા હાઈ કોર્ટ ગયા અને પછી સુપ્રીમ કોર્ટ પણ ગયાં હતાં. તેવી જ રીતે સીબીઆઈને પણ અધિકાર છે તે આગળની કાર્યવાહી કરે! તેમની (આપ નેતાઓ) સામે આ કોઈ એક ભ્રષ્ટાચારનો કેસ નથી. સીએજીના રિપોર્ટમાં અનેક પ્રકારના કૌભાંડમાં તેમના નામ આવેલા છે. એટલે ભાજપનું કહેવું એવું છે કે, આ કેસમાં સીબીઆઈ ઉપરી અદાલતમાં જઈ શકે છે.