Sun Jul 26 2026

Logo

ઓપરેશન સિંદૂર 2.0 અને સ્નો લેપર્ડ 2.0 માટે હંમેશા રહો તૈયાર', આર્મી ચીફનો સૈન્ય અધિકારીઓને પત્ર

2026-07-10 12:19:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: નવા ભારતીય સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠે ભારતીય સેનાના તમામ અધિકારીઓને લખેલા પોતાના પ્રથમ સંદેશમાં જણાવ્યું છે કે સેનાએ 'ઓપરેશન સિંદૂર 2.0' અને 'ઓપરેશન સ્નો લેપર્ડ 2.0' જેવી કોઈપણ પડકારજનક સ્થિતિને પહોંચી વળવા માટે હંમેશા તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે સેનાની યુદ્ધ માટેની તૈયારી તેમની સૌથી મોટી પ્રાથમિકતા છે. આ માટે દરેક યુનિટમાં સમયાંતરે એ તપાસ થવી જોઈએ કે હથિયારો, દારૂગોળો, લોજિસ્ટિક્સ, સૈનિકો અને અન્ય જરૂરી સંસાધનો સંપૂર્ણપણે તૈયાર છે કે નહીં.

દરેક અધિકારી જવાબદારી નિભાવે

સેના પ્રમુખે લખ્યું કે દરેક અધિકારીએ પોતાના સ્તરે નવી ટેકનોલોજી અપનાવવી પડશે અને પોતાના યુનિટને વધુ બહેતર બનાવવું પડશે. તેમણે અધિકારીઓને સૈનિકો સાથે વિશ્વાસ, સન્માન અને સારા સંબંધો જાળવી રાખવાની પણ અપીલ કરી હતી. સાથે જ લખ્યું કે હવે યુદ્ધની પદ્ધતિ બદલાઈ રહી છે. આગામી સમયમાં માણસોની સાથે ડ્રોન અને અન્ય માનવરહિત (અનમેન્ડ) સિસ્ટમ્સ મળીને લડાઈ લડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને નવી ટેકનોલોજી હવે યુદ્ધનો સામાન્ય હિસ્સો બની ચૂકી છે. તેથી દરેક અધિકારીએ આ પરિવર્તનનો ભાગ બનવું પડશે.

દરેક સ્તરે ઉકેલ શોધો

જનરલ સેઠે લખ્યું કે નવી ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે હથિયારો ખરીદવાની કે નવી ક્ષમતા વિકસાવવાની પ્રક્રિયા હંમેશા તેની સાથે કદમ મિલાવી શકતી નથી. તેથી અધિકારીઓએ દરેક સ્તરે પોતાના સ્તરે વ્યવહારુ અને સરળ ઉકેલો શોધવા પડશે. તેમણે કહ્યું કે નાના-નાના સુધારા મળીને સેનાની તાકાતને ઘણી વધારી શકે છે. સાથે જ લખ્યું કે નવી ટેકનોલોજી અપનાવવા છતાં યુદ્ધમાં પહેલાથી સફળ સાબિત થઈ ચૂકેલી વ્યૂહરચનાઓ અને પદ્ધતિઓ છોડવી જોઈએ નહીં. જરૂર પડે ત્યારે સેનાએ પોતાની પાયાની સૈન્ય ક્ષમતાઓ પર પણ ભરોસો રાખવો પડશે.

સમસ્યાઓનો ઉકેલ લાવો

સેના પ્રમુખે લખ્યું કે સેના માત્ર દેશની સરહદોની રક્ષા જ નથી કરતી પરંતુ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્યમાં પણ તેની મહત્વની ભૂમિકા છે. તેથી માત્ર વ્યાવસાયિક કુશળતા જ નહીં, પરંતુ વ્યાપક વિચારસરણી અને પરિપક્વતા પણ જરૂરી છે. જનરલ સેઠે અધિકારીઓને સતત વાંચન કરવા અને નવી ટેકનોલોજી તથા વિશ્વમાં થઈ રહેલા ફેરફારોથી માહિતગાર રહેવા જણાવ્યું હતું. તેમણે લખ્યું છે કે અધિકારીઓ પોતે સમસ્યાઓનો ઉકેલ લાવે, દરેક નાની બાબત માટે ઉપરથી સૂચના મળવાની રાહ ન જુએ. તેમણે એવું પણ લખ્યું છે કે અધિકારીઓ પોતે એક ઉદાહરણ બને. તેઓ શારીરિક રીતે ફિટ રહે અને પોતાના સૈનિકો સાથે દરેક પડકારમાં મોખરે રહીને નેતૃત્વ કરે.