અમૂલ દવે
વર્તમાન મિડલ ઈસ્ટનું યુદ્ધ માત્ર સૈન્ય સંઘર્ષ નથી, પરંતુ તે દાયકાથી ચાલી આવતા આરબ-અમેરિકાના સંબંધોના પાયા હચમચાવી દેનારી એક મોટી રાજદ્વારી ઘટના છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત સૈન્ય હુમલા બાદ ઈરાને જે પ્રકારે વળતો પ્રહાર કર્યો છે તેણે આરબ જગતને એક ભયાનક વાસ્તવિકતાનો અહેસાસ કરાવ્યો છે.
વર્ષોથી આરબ દેશો એવા ભ્રમમાં જીવતા હતા કે તેમની ધરતી પર આવેલા અમેરિકી સૈન્ય બેઝ તેમની સુરક્ષાનું કવચ છે, પરંતુ ઈરાની મિસાઈલો અને ડ્રોન હુમલાઓએ આ કવચને કાચની જેમ તોડી નાખ્યું છે. ખાસ કરીને બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં જે રીતે અમેરિકી નૌકા અને હવાઈ મથકોનો વિનાશ થયો છે તેણે સાબિત કરી દીધું છે કે અમેરિકાની હાજરી હવે આ દેશો માટે સુરક્ષાને બદલે ઈરાનના ગુસ્સાનું સીધું નિશાન બની ગઈ છે.
બહેરીનમાં આવેલું અમેરિકી નૌસેનાના પાંચમા કાફલાનું મુખ્ય મથક, જે અત્યાર સુધી પશ્ચિમના વર્ચસ્વનું પ્રતીક હતું, તે આજે ખંડેરમાં ફેરવાઈ રહ્યું છે. ઈરાની ક્રાંતિકારી ગાર્ડ્સે આ બેઝ પર હુમલા કરીને અમેરિકી ગૌરવને ઠેસ પહોંચાડી છે, જેનાથી બહેરીનની જનતામાં એવો સવાલ ઉઠ્યો છે કે શું અમેરિકા ખરેખર તેમને બચાવી શકે છે ખરા ? બહેરીન ઐતિહાસિક રીતે ઈરાનનો ભાગ રહ્યું હોવાથી ઈરાન તેને પોતાનો પ્રદેશ માને છે અને ત્યાં અમેરિકી સૈનિકોની હાજરી તેને વધુ ઉશ્કેરે છે.
કતારે આરબ દેશો તરફથી પહેલ કરી છે. કતારે અમેરિકાને તેને ત્યાંના લશ્કરી મથકો અને અમેરિકાના જવાનોને હટાવવાનો આદેશ આપ્યો છે. કતાર સમજી ગયું છે કે અમેરિકાના મથકો કતારના રક્ષણ માટેના નહીં પરંતુ ઈઝરાયલના રક્ષણ માટેના છે. આથી યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે તે ઈરાનનો ખોફ વહોરી લેવા માગતું નથી.
આવી જ હાલત યુએઈની છે, જ્યાં અલ ધાફરા એર બેઝ પર થયેલા નુકસાનથી ત્યાંની સુરક્ષા અને અર્થવ્યવસ્થા બંને જોખમમાં મુકાયા છે. બીજી તરફ ઓમાન અને કતાર જેવા દેશો ઈરાનના સીધા પ્રહારથી બચી ગયા છે, કારણ કે તેમણે અમેરિકાને ઈરાન વિરુદ્ધ કોઈ મોટી સૈન્ય મદદ આપી નથી. આ વિરોધાભાસે આરબ નેતાઓને એ વિચારવા મજબૂર કર્યા છે કે જો અમેરિકા સાથેની મિત્રતા જ તેમને યુદ્ધની આગમાં હોમી રહી હોય તો બહેતર છે કે ઓમાનની જેમ તટસ્થ રહેવું વધુ હિતકારક છે.
આ યુદ્ધમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભૂમિકાએ પણ આરબ દેશોના અસંતોષમાં વધારો કર્યો છે. ટ્રમ્પની વાણીમાં સંયમનો અભાવ અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પ્રત્યેની તેમની અપમાનજનક ટિપ્પણીએ આરબ જગતના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે.
એક બાજુ આરબ દેશો અમેરિકાનાં હિત માટે પોતાની સુરક્ષા દાવ પર લગાવી રહ્યા છે અને બીજી બાજુ અમેરિકાનું નેતૃત્વ તેમના નેતાઓનું અપમાન કરી રહ્યું છે. આ જ કારણ છે કે હવે આરબ દેશો અમેરિકાના વિકલ્પ તરીકે રશિયા અને ચીન તરફ નજર દોડાવી રહ્યા છે.
એપ્રિલ 2, 2026ના રોજ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી ફોન વાતચીત એ નવા યુગની શરૂઆત છે. આરબ નેતાઓ હવે સમજી ગયા છે કે વોશિંગ્ટન પરનો આંધળો વિશ્વાસ તેમના માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે.
યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં જ્યારે ફ્રાન્સે આરબ દેશોના ઠરાવ પર વીટો વાપર્યો ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે પશ્ર્ચિમી જગત માત્ર પોતાના અને ઇઝરાયલનાં હિતોને જ પ્રાધાન્ય આપે છે. આરબ દેશો જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની અને પોતાની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાની વાત કરી રહ્યા હતા, તેને ફ્રાન્સ, રશિયા અને ચીનના વિરોધને કારણે સફળતા મળી નથી, જેનાથી અમેરિકી સહયોગની નિષ્ફળતા છતી થઈ છે.
આ તમામ સૈન્ય બેઝ જે મૂળમાં ઇઝરાયલના રક્ષણ માટે સ્થાપિત કરવામાં આવ્યા હતા, તે હવે આરબ દેશોના અસ્તિત્વ માટે ખતરો બની ગયા છે. ઈરાનની વધતી તાકાત અને અમેરિકાની પીછેહઠે આ યુદ્ધમાં શક્તિના સંતુલનને બદલી નાખ્યું છે.
આજે મધ્ય પ્રાચ્યના રણમેદાનમાં જે ધુમાડો દેખાઈ રહ્યો છે, તે માત્ર વિસ્ફોટોનો નથી, પણ તે અમેરિકી વર્ચસ્વના અંતનો ધુમાડો છે. સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત જેવા દેશો હવે પોતાની સુરક્ષા નીતિ પર પુનર્વિચાર કરી રહ્યા છે. તે જોઈ રહ્યા છે કે અમેરિકા તેમને સુરક્ષા આપવાને બદલે તેમને યુદ્ધના મેદાન તરીકે વાપરી રહ્યું છે.
ટ્રમ્પની અસંસ્કૃત વાણી અને યુરોપિયન દેશોનો દ્વિમુખી અભિગમ આરબ રાષ્ટ્રોને કૂટનીતિક રીતે વધુ સજાગ બનાવી રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે આરબ જગત પોતાની એકતા બતાવે અને પશ્ર્ચિમના ઈશારે નાચવાને બદલે પોતાના પ્રાદેશિક હિતોને સુરક્ષિત કરે.
આ યુદ્ધે સાબિત કર્યું છે કે જે દેશ અમેરિકાથી અંતર જાળવી રાખે છે, તે બધા આજે સુરક્ષિત છે. પરિણામે, મધ્ય પ્રાચ્ય (મધ્ય-પૂર્વ) માં હવે એક નવી ધરી રચાઈ રહી છે, જે અમેરિકાના પ્રભાવથી મુક્ત હશે.
બીજા શબ્દોમાં આ સંઘર્ષ આરબ-અમેરિકી સંબંધોના ઇતિહાસમાં સૌથી મોટો વળાંક સાબિત થશે. અમેરિકી બેઝોનો વિનાશ અને આરબ લીડરોનો રશિયા તરફનો ઝુકાવ એ સંકેત આપે છે કે હવે પશ્ર્ચિમ એશિયામાં અમેરિકાનો સૂરજ આથમી રહ્યો છે. આરબ રાષ્ટ્રોએ હવે પોતાના ભવિષ્ય માટે નવી વ્યૂહરચના ઘડવી પડશે, જેમાં અમેરિકા પરની નિર્ભરતા ઓછી હોય અને પ્રાદેશિક શાંતિ પર વધુ ભાર હોય.
આ યુદ્ધમાં મળેલો બોધપાઠ આરબ જગત ક્યારેય નહીં ભૂલે કે જે બેઝ તેમને રક્ષણ આપવા આવ્યા હતા, તે જ તેમને રણમેદાનમાં એકલા છોડીને વિનાશનું કારણ બન્યા છે. ભવિષ્યમાં મધ્ય-પૂર્વની આ કૂટનીતિ હવે માત્ર તેલ કે પૈસા પર નહીં, પણ આત્મસન્માન અને વાસ્તવિક સુરક્ષા પર આધારિત હશે, જ્યાં અમેરિકાની દાદાગીરીનો કોઈ અવકાશ રહેશે નહીં.
આ પરિવર્તન અનિવાર્ય છે અને 2026નું આ યુદ્ધ તેનું નિમિત્ત બન્યું છે. આમ, આરબ રાષ્ટ્રો અને અમેરિકાના સંબંધો હવે ક્યારેય પહેલાં જેવા નહીં રહે અને અહીં એક નવા બહુધ્રુવીય સંબંધનો ઉદય થશે. જેમાં આરબ રાષ્ટ્રો પોતાના હિતના પોતે જ માલિક હશે.