Wed Aug 19 2026

Logo

નવા નાણાકીય વર્ષનું પહેલું અપડેટ: એપ્રિલમાં 12 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય; ચેક કરી લો રજાઓનું લિસ્ટ

2026-03-30 18:34:45
Author: Darshana Visaria
Article Image

નવા નાણાંકીય વર્ષ 2026-27ની શરૂઆત સાથે જ એપ્રિલ મહિનો બેંકિંગ કામકાજ માટે થોડો પડકારજનક સાબિત થઈ શકે તેમ છે. એપ્રિલ 2026માં રવિવાર અને શનિવારની સાપ્તાહિક રજાઓ ઉપરાંત અનેક તહેવારો આવતા હોવાથી દેશના વિવિધ ભાગોમાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. જો તમે પણ આવતા મહિને બેંક સંબંધિત કોઈ કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. 

નાણાકીય વર્ષની શરૂઆત હંમેશા બેંકિંગ ક્ષેત્ર માટે ખૂબ જ વ્યસ્ત હોય છે, પરંતુ એપ્રિલ 2026માં રજાઓનો લાંબો સિલસિલો જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના કેલેન્ડર મુજબ, આ રજાઓ અલગ-અલગ રાજ્યોના સ્થાનિક તહેવારો અને સંસ્કૃતિને આધારે નક્કી કરવામાં આવી છે.

એપ્રિલ 2026માં ક્યારે-ક્યારે રજા રહેશે?

એપ્રિલ મહિનાની શરૂઆત જ રજાથી થઈ રહી છે. પહેલી એપ્રિલ, બુધવારના રોજ બેંકોના વાર્ષિક યર્લી ક્લોઝિંગને કારણે દેશભરમાં બેંકો જાહેર જનતા માટે બંધ રહેશે. ત્યારબાદ બીજી એપ્રિલના રોજ હનુમાન જયંતિ અને ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે અમુક રાજ્યોમાં સ્થાનિક રજા રહેશે. ત્રીજી એપ્રિલના શુક્રવારે ગુડ ફ્રાઈડે હોવાથી દેશભરમાં બેંકોમાં રજા પાળવામાં આવશે.

આ ઉપરાંત, એપ્રિલ મહિનામાં આવતા રવિવારની વાત કરીએ તો પાંચમી, બારમી, ઓગણીસમી, 26મી એપ્રિલના રોજ દેશભરની બેંકોમાં રજા રહેશે. જ્યારે મહિનાના બીજા અને ચોથા શનિવાર એટલે કે અગિયારમી એપ્રિલ અને પચ્ચીસમી એપ્રિલના રોજ પણ બેંકોમાં કામકાજ બંધ રહેશે. ઉપરાંત ચૌદમી એપ્રિલ, મંગળવારના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ, વૈશાખી અને તમિલ નવા વર્ષ નિમિત્તે દેશના મોટાભાગના ભાગોમાં બેંકો બંધ રહેશે.

બેંક હોલિડેની ખાતાધારકો પર શું અસર જોવા મળશે?

એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ એટલે કે ત્રીજી એપ્રિલ શુક્રવારથી પાંચમી એપ્રિલ, રવિવાર સુધી સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. જો તમારા રાજ્યમાં બીજી એપ્રિલે પણ રજા હોય, તો આ રજાઓનો ગાળો સતત ચાર દિવસ સુધી લંબાઈ શકે છે. આથી, કોઈ પણ મહત્વના ટ્રાન્ઝેક્શન કે ચેક ક્લિયરિંગના કામ સમયસર પતાવી લેવા સલાહભર્યું છે. જોકે, બેંકોની ભૌતિક શાખાઓ બંધ હોવા છતાં, ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે મોબાઈલ બેંકિંગ, નેટ બેંકિંગ, યુપીઆઈ, ગૂગલ પે, ફોનપે અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે.