Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધના અમલ માટે ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત

2026-08-06 21:24:14
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધના અમલ માટે ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત

ગાંધીનગર: ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને માખણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ બાદ હવે તેના અમલ માટે ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. એનાલોગ પનીર, ચીઝ અને માખણ પર પ્રતિબંધ લાગુ કરવા માટે ટૂંક સમયમાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. તેમજ ભેળસેળમાં સામેલ લોકો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

પ્રતિબંધનો  અમલ કરવા તમામ વિભાગોને સૂચના

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ પ્રતિબંધનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા માટે તમામ વિભાગોને સૂચના આપી છે. તેમજ આ વિશેષ ટાસ્ક ફોર્સમાં ગૃહ, આરોગ્ય તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત સ્થાનિક ઓથોરીટીનો સમાવેશ કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સની રચના અંગે ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે. તેમજ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

જાહેર આરોગ્યને જોખમ મુકનારાઓને  સજા થશે 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભેળસેળયુક્ત ખાદ્ય ઉત્પાદનો વેચનારાઓ પર ફક્ત નાણાકીય દંડ લાદવો પૂરતો નથી. તેમજ  જાહેર આરોગ્યને જોખમમાં મૂકવા બદલ તેમને પરિણામો ભોગવવા પડશે. 

'એનાલોગ' પનીર પર  પ્રતિબંધ મૂક્યો 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે 'એનાલોગ' પનીર, ચીઝ અને માખણ 'માનક ધોરણ મુજબ ન' હોવાનું જણાતાં રાજ્યભરમાં તેમના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.