Tue Jul 28 2026

Logo

અંજારમાં વીજશોકથી સાત પશુઓનાં કરૂણ મોત: વીજતંત્રની ઘોર બેદરકારી સામે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ

2026-07-25 13:37:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજતંત્ર દ્વારા લોકો અને પશુઓની સુરક્ષા મુદે દાખવવામાં આવતી ગંભીર બેદરકારીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. ત્યારે અંજાર શહેરના ગંગાનાકા વિસ્તારમાં જીવલેણ વીજશોક લાગવાથી એકસાથે સાત પશુઓનાં કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

સ્થાનિકો પાસેથી મળતી વિગતો મુજબ, ગંગાનાકા વિસ્તારમાં આવેલા વંથાણચોકમાં વીજપોલમાં અચાનક કરંટ ઊતરતાં પ્રથમ પાંચ ગૌવંશ તેની ચપેટમાં આવી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનાં મોત નિપજ્યા હતા. આ ઘટનાના થોડા જ સમય બાદ અન્ય બે ગૌવંશ પણ આ વીજકરંટનો ભોગ બનતાં કુલ સાત પશુઓએ જીવ ગુમાવ્યા હતા..

દર વર્ષે સ્થાનિક વીજતંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે કલાકો સુધી વીજ પુરવઠો બંધ રાખીને સમારકામ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ આ કામગીરી કેટલી યોગ્ય રીતે થાય છે તે આ બનાવથી છતું થયું છે. જો તંત્ર દ્વારા સમયસર વીજલાઈનો, પોલ અને અર્થિંગ વ્યવસ્થાની યોગ્ય ચકાસણી તથા જાળવણી કરવામાં આવી હોત, તો આ અબોલ પશુઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો ન હોત. વીજતંત્રની આ પ્રકારની ઘોર લાપરવાહી સામે હવે લોકો વીજસલામતી અંગે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.

નોંધનીય છે કે, અંજાર શહેર વિસ્તારમાં અગાઉ પણ વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થવા કે આગ લાગવા જેવી ઘટનાઓ અવારનવાર બની ચૂકી છે. તેમ છતાં, વીજતંત્ર દ્વારા આવી ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવ્યો ન હોવાનું વર્તમાન પરિસ્થિતિ દર્શાવી રહી છે. સાત ગૌવંશના મોત અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને દોષિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ જીવદયાપ્રેમીઓએ કરી છે.

બીજી તરફ, અંજારના દેવળીયાનાકા પાસે આવેલા બાયડ ફળિયામાં આજે બપોરે 12 વાગ્યાના અરસામાં એક જીવંત વીજવાયર તૂટી પડ્યો હતો. કલાકો વીતી જવા છતાં વીજતંત્રનો એક પણ કર્મચારી કે અધિકારી સ્થળ પર ન પહોંચતાં સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ફેલાયો હતો. સાંજના સમયે આક્રોશિત મહિલાઓ વીજકચેરીએ પહોંચી હતી અને તંત્રની ઘોર બેદરકારી સામે ઉગ્ર રજૂઆત કરી હતી. તંત્રના આવા બિનજવાબદાર વલણથી સ્થાનિક રહીશોના જીવ જોખમમાં મુકાયા હોવાના ગંભીર આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.

ઉત્સવ વૈદ્ય