Wed Jun 17 2026

Logo

મની લોન્ડરિંગ કેસ: અનિલ અંબાણીની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટમાં કહ્યું- 'મંજૂરી વિના દેશ નહીં છોડું'

2026-02-19 16:29:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અબજોપતિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની મુશ્કેલીઓ દૂર થવાનું હજુ લાગતું નથી. મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ એક બાજુ સમન્સ પાઠવ્યું છે ત્યારે બીજી બાજુ સુપ્રિમ કોર્ટમાં અનિલ અંબાણીએ સોગંદનામું આપીને આશ્વાસન આપ્યું છે કે હું ઈડીની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપીશ અને મંજૂરી વિના દેશ પણ છોડીશ નહીં.

અનિલ અંબાણીએ એફિડેવિટમાં શું કહ્યું
રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા કથિત 40,000 કરોડ રુપિયાના બેંક ફ્રોડમાં મની લોન્ડરિંગ કેસ ચાલી રહ્યો છે. બેન્કિંગ અને કોર્પોરેટ છેતરપિંડી કેસના આરોપોની તપાસ સંબંધમાં સુપ્રિમ કોર્ટમાં એક પીઆઈએલમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવ્યું છે. અનિલ અંબાણીએ કહ્યું છે કે સંબંધિત કંપનીમાં તેમનો રોલ ફક્ત એક નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરનો હતો અને તેમની કંપનીના રેગ્યુલર મેનેજમેન્ટ અથવા ઓપરેશનલ મામલામાં સમાવિષ્ટ નહોતો.

વિદેશ જવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી
અનિલ અંબાણીએ એફિડેવિટમાં આગળ જણાવ્યું છે કે હું મંજૂરી વિના દેશ છોડીશ નહીં. અનિલ અંબાણીએ જણાવ્યું છે કે જુલાઈ, 2025માં આ મુદ્દે ઈડીએ તપાસ શરુ કરી હતી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારત છોડ્યું નથી અને હાલમાં વિદેશ જવાનો પણ કોઈ ઈરાદો ધરાવતા નથી. તેમણે કોર્ટને વચન આપ્યું છે કે જો વિદેશ જવાની જરુરિયાત ઊભી થઈ તો સુપ્રિમ કોર્ટ પાસેથી પણ મંજૂરી માગી લેશે.

અનિલ અંબાણીએ આગળ જણાવ્યું છે કે તપાસ દરમિયાન કેન્દ્રીય એજન્સીને સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે અને મદદ પણ કરતા રહેશે. એફિડેવિટમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારો વ્યવહાર, કમિટમેન્ટ અને નિરંતર મદદ કરતો હોવાથી એક વાત સ્પષ્ટ છે કે દેશથી ભાગવામાં કોઈ રિસ્ક નથી અને ના તો કાયદાકીય પ્રોસેસથી બચવાનો પણ ઈરાદો નથી.

આ અગાઉ ઈડીએ 40,000 કરોડ રુપિયાના બેંક ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને નવું સમન્સ પાઠવ્યું હતું, કારણ કે બુધવારે નિર્ધારિત તારીખના ઈડી સમક્ષ ઉપસ્થિત રહ્યા નહોતા. એની સાથે ઈડીએ 26 ફેબ્રુઆરીના હેડ ક્વાર્ટરને જાણ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહી અન્વયે ઈડીએ અનિલ અંબાણી અને ગ્રુપની કંપનીઓની લગભગ 12,000 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરી છે.