Thu Jun 18 2026

Logo

આંધ્રપ્રદેશમાં ભયાનક દુર્ઘટના: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટથી 21 મજૂરોના કરૂણ મોત, લાશો ખેતરોમાં જઈ પડી!

2026-02-28 18:49:19
Author: Devayat Khatana
Article Image

અમરાવતીઃ આંધ્ર પ્રદેશના કાકિનાડા જિલ્લામાં ફટાકડા બનાવતા એક યુનીટમાં ધડાકાને કારણ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં 21 લોકોના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે. જિલ્લા કલેકટર દ્વારા ઘટનાની પૃષ્ટી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, શ્રમિકો જ્યારે કારખાનામાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી, જેમાં ભોગ બનનારમાં સૌથી વધુ મહિલાઓ હોવાનું ખૂલ્યું છે. 

મળતી વિગતો અનુસાર, આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં 'સૂર્યા શ્રી ફાયર વર્ક્સ' નામની ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને ફેક્ટરીમાં કામ કરી રહેલા 21 મજૂરોના કરૂણ મોત નીપજ્યા હતા. જિલ્લા કલેક્ટરે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, વિસ્ફોટના કારણે અનેક મૃતદેહો ફેક્ટરીથી દૂર ખેતરોમાં જઈને પડ્યા હતા. અકસ્માત સમયે એકમમાં અનેક મજૂરો કામ કરી રહ્યા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ કામગીરીની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝી ગયેલા અને ઘાયલ થયેલા અન્ય મજૂરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ફેક્ટરીમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે જેથી કોઈ અન્ય વ્યક્તિ કાટમાળ નીચે ફસાયેલી હોય તો તેને બહાર કાઢી શકાય. આ દુર્ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ અને શોકનું મોજું ફરી વળ્યું છે.

મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને સમગ્ર પરિસ્થિતિની ગંભીર સમીક્ષા કરી છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ફોન પર વાત કરી અકસ્માતના કારણો અને રાહત કામગીરીની વિગતો મેળવી હતી. મુખ્ય પ્રધાને પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અસરગ્રસ્ત પરિવારોને જરૂરી તમામ સહાય પૂરી પાડવા આદેશ આપ્યો છે.