Wed Sep 09 2026

Logo

અમૃતા ફડણવીસે મુંબઈમાં ચલાવી પિંક ઈ-રિક્ષા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

2026-06-02 18:19:00
Author: Mumbai Samachar Team
અમૃતા ફડણવીસે મુંબઈમાં ચલાવી પિંક ઈ-રિક્ષા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઈ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુંબઈમાં 'ગ્રીન મોબિલિટી' અંતર્ગત પિંક ઈ-રિક્ષા સહાયતા પહેલ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા અમૃતા ફડણવીસે પોતે રિક્ષા ચલાવીને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. અમૃતા ફડણવીસનો ઓટો રિક્ષા ચલાવતો વીડિયો સોશ્યિલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. 

અહીંના કાર્યક્રમમાં અમૃતા ફડણવીસે કહ્યું હતું કે, આજે આ કાર્યક્રમમાં આવીને મને ખૂબ આનંદ થયો છે. અહીંયા જરૂરિયાતમંદ મહિલાઓને ઈ-રિક્ષા આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન જાણીતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બે બાબત સારી છે. પહેલી,  આ ઈ-રિક્ષા પર્યાવરણ માટે સુરક્ષિત છે, જેનાથી શહેરમાં કાર્બન ઉત્સર્જન પણ થશે નહી.  બીજી, મહિલાઓ આત્મનિર્ભર બનશે. મહિલાઓ પોતાના જીવનમાં બદલાવ લાવી રહી છે.  આજે અમે ટોકન વહેંચ્યા છે. અહીં એ જણાવવાનું કે મુંબઈ શહેરમાં 1,000 ટોકનનો અમારો લક્ષ્યાંક છે. 

આ યોજના સરકાર પહેલેથી ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત સરકાર મહિલાઓને બેંક દ્વારા 70 ટકા લોન પણ આપે છે, જેમાં 20 ટકા પોતે ફાળો આપે છે,  મહિલાઓ ફક્ત 10% આપે છે. અમુક મહિલાઓ માટે આ 10 ટકા ફાળો પણ મુશ્કેલ બને છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ સામાજિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ ભજવે છે, જેનાથી તેઓ નિરંતર ચર્ચામાં રહે છે. આ પહેલા તેઓ વડા પ્રધાન મોદી દ્વારા ઇંધણ બચાવો જાગૃતિ માટે કરેલી પહેલના સમર્થનમાં સાઇકલ ચલાવી હતી અને લોકોએ ઇંધણ બચાવવાની પણ હિમાયત કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

અમૃતા ફડણવીસે વધુમાં જણાવતા કહ્યું હતું કે 'વડા પ્રધાન મોદીના ઇંધણ સંરક્ષણના આહવાનથી પ્રેરિત થઈને મેં મારા કામોને મારા ઘરના 5-7 કિલોમીટરના વિસ્તારમાં સાઈકલ ચલાવીને પૂર્ણ કરવાનું શરુ કરી દીધું છે. પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટેનું આ મારુ નાનું વ્યક્તિગત પગલું છે જેના લીધે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળશે.'