અમરેલી: અમરેલી જિલ્લાના વાંકિયા ગામમાં છેલ્લા કેટલાક સમયથી એખ દીપડો આવી ચઢ્યો હતો, જેના કારણે સમગ્ર ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગામના રહેણાંક મકાનમાં પાડાનું મારણ કરી દીપડો ખાલી પી.એચ.સી. ક્વાર્ટરમાં ઘૂસી જતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચી ગઈ હતી.
દીપડાને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવાયો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, વેટરનરી ડોક્ટર દ્વારા ગનથી દીપડાને ટ્રન્કવીલાઈઝ કરી સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા દીપડાને વધુ તપાસ અને નિરીક્ષણ અર્થે ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે વન વિભાગની ટીમ દ્વારા દ્વારા વાંકિયા ગામે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું અને લોકોને રાત્રિ દરમિયાન સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. જો કે, દીપડો પાંજરે પૂરાઈ ગયો હોવાથી લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે, છતાં પણ તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.
રાત્રિ દરમિયાન સાવચેત રહેવા વન વિભાગની અપીલ
આ દીપડાએ ગામમાં એક પશુનું મારણ પણ કર્યું હતું. જેને લઈને લોકોમાં વધારે ભય ફેલાયો હતો. મારણ કર્યાં બાદ આ દીપડો ગામમાં આવેલા પીએચસી સેન્ટર જે ઘણાં સમયથી ખાલી પડ્યું છે, તેમાં ઘૂસી ગયો હતો. આ મામલે લોકોએ સત્વરે વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વેટરનરી ડોક્ટરની મદદથી ગન દ્વારા દીપડાને ટ્રાન્કવીલાઈઝ (બેભાન) કરવામાં આવ્યો અને પછી સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો હતો.