ગાંધીનગરઃ આગામી 15મી ઓગસ્ટની 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી અમરેલીમાં થવાની છે. આ માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી જિલ્લામાં થવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રધ્વન ફરકાવીને રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટમાં ધ્વજવંદન કરશે. ગાંધીનગરથી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર આ સ્વતંત્રતા પર્વ નિમિતે રાજ્યના મંત્રીમંડળના સભ્યો તથા ઉચ્ચ પદાધિકારીઓ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ધ્વજવંદન કરશે. નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોતને સતત પ્રજ્વલિત રાખતા કાર્યક્રમો માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા ક્લેક્ટરને ખાસ સૂચના
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવ-થરાદમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં, કનુભાઈ દેસાઈ સુરતમાં, ઋષિકેશ પટેલ અમદાવાદમાં, કુંવરજી બાવળીયા પોરબંદરમાં, નરેશ પટેલ વલસાડમાં, અર્જુન મોઢવાડિયા જામનગરમાં, ડૉ. પ્રદ્યુમન વાજા સાબરકાંઠામાં, રમણલાલ સોલંકી અરવ્લીમાં, પરષોત્તમ સોલંકી સોમનાથમાં, કાંતિ અમૃતિયા કચ્છમાં, પ્રવિણ માળી મહેસાણામાં, કૌશિક વેકરિયા જૂનાગઢમાં,ત્રિકમ છાગા મોરબીમાં અને કમલેશ પટેલ બનાસકાંઠામાં ધ્વજવંદન કરશે. તમામ જિલ્લાઓમાં ધ્વજવંદન કાર્યક્રમનો સમય 9.00 વાગ્યાનો રહેશે.જે જિલ્લાઓમાં મંત્રી કે પદાધિકારીઓની ફાળવણી કરવામાં આવી નથી ત્યાં જિલ્લા ક્લેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. અનિવાર્ય સંજોગોને કારણે જો કોઈ મંત્રી કે પદાધિકારી ઉપસ્થિત રહી નહીં શકે તો એવા સંજોગોમાં જે તે જિલ્લામાં વ્યવસ્થા જાળવી રાખવા માટે જિલ્લા ક્લેક્ટરને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે ખાસ સૂચના ગાંધીનગરથી જિલ્લા ક્લેક્ટરને આપવામાં આવી છે.
અધિકારીઓને સોંપાઈ જવાબદારી
રાજ્યસભરમાં આ રાષ્ટ્રીય પર્વને લઈને પોલીસ વિભાગને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ સુરક્ષા બંદોબસ્ત તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં જે તે જિલ્લાઓમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ સાથે રાષ્ટ્રીય પર્વ પર દેશના શહીદોને યાદ કરવામાં આવશે. સાથોસાથ સાંસ્કૃતિ કાર્યક્રમનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. બેઠક વ્યવસ્થાથી લઈને પીવાના પાણી સુધીની વ્યવસ્થા માટે તૈયારીઓ થઈ રહી છે.જિલ્લા ક્લેક્ટર દ્વારા પણ એક બેઠક બોલાવીને ટીમ દ્વારા કાર્યક્રમની ઉજવણી માટે યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આ માટે જે તે અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી રહી છે.