Sat Sep 05 2026

Logo

અમરેલીમાં ૩૫૦ કિ.મી. દૂરથી પહોંચ્યા નર્મદાના નીર: જીતુ વાઘાણી અને કૌશિક વેકરીયાએ કર્યું સ્કાવર વાલ્વનું લોકાર્પણ...

2026-03-06 22:47:57
Author: Devayat Khatana
અમરેલીમાં ૩૫૦ કિ.મી. દૂરથી પહોંચ્યા નર્મદાના નીર: જીતુ વાઘાણી અને કૌશિક વેકરીયાએ કર્યું સ્કાવર વાલ્વનું લોકાર્પણ...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: અમરેલી જિલ્લાના મોણપુર મુકામે કૃષિ પ્રધાન જીતુ વાઘાણી અને ઊર્જા રાજ્ય પ્રધાન કૌશિક વેકરીયાના હસ્તે ‘સૌની યોજના’ લિંક-૪, પેકેજ-૫ હેઠળ સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આ કાર્યક્રમમાં સંસદ સભ્ય ભરત સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ચિત્તલ મુકામે 'જલ જીવન મિશન' હેઠળ ‘જળ અર્પણ’ કાર્યક્રમમાં અંદાજે રુ. ૨.૩૩ કરોડના ખર્ચે 'નલ સે જલ' યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના થકી અંદાજે ૨૧૮ ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. 

મોણપુર મુકામે રાજ્યના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ કુલ રૂ. ૨૭.૮૪ લાખના ખર્ચે સ્કાવર વાલ્વ અને પાઈપલાઈન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ સુવિધા મારફત મોણપુર ગામનાં તળાવમાં અંદાજે છેક ૩૫૦ કિ.મી દૂરથી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. સ્કાવર વાલ્વનુ લોકાર્પણ થતા પીવાના પાણી અને ખેતીવાડી સિંચાઈના ઉપયોગ માટે પાણીની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે, હવે પાણીની સમસ્યા કાયમી માટે ભૂતકાળ બનશે. 

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સૌની યોજના થકી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી અંત આવ્યો. નર્મદાના પાણી છેક સૌરાષ્ટ્ર - કચ્છ સુધી પહોચ્યાં છે. કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે,મોણપુર મુકામે છેલ્લા પાંચ વર્ષથી પાણીની સમસ્યા હતી.  વારંવાર રજૂઆતના અંતે અહીં સ્કાવર વાલ્વ મૂકવામાં આવતા અહીંની ખેતી સમૃદ્ધ થશે, ખેડૂતોને લાભ થશે.