Fri Jul 24 2026

Logo

અમરેલી મેઘરાજાની બેટિંગ: શેત્રુંજી સહિતની નદીઓમાં ઘોડાપુર, હાઈવે બંધ, અનેક ગામો બેટમાં

2026-07-24 15:41:28
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં હેત વરસાવ્યું હતું. અમરેલી જિલ્લામાં ખાબકેલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વડિયા, કુંકાવાવ અને બગસરા વિસ્તારમાં ભારે વરસાદ પડતાં જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદી સહિત સાતલડી અને નાવલી નદીઓમાં ભારે પૂર આવ્યું હતું. શેત્રુંજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સાતલડી નદીના સંગમ સ્થાન ગાવડકા ગામ નજીક પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો, જેના પગલે નદી કાંઠાના ગામડાઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી.

જોકે નદીમાં ઘોડાપુર આવતા લાંબા સમય બાદ પાણી જોવા મળતાં જિલ્લામાં લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં લોકો શેત્રુંજીના પાણી નિહાળવા ઉમટી પડ્યા હતા.
પૂરના પાણી રસ્તાઓ અને ગામડાઓમાં ફરી વળતાં અમરેલી-બગસરા નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો હોવાં સૂત્રોએ જણાવ્યું હતું, જેના કારણે બાબાપુર સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઈ જતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

અમરેલીથી ચલાલા જતા માર્ગ પર આવેલા દેવરાજિયા, વાંકિયા અને જાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. બીજી તરફ ધારી તાલુકાના ગોપાલગ્રામ, ચલાલા, ગરમલી, સરખા, કથીવદર અને કેનાલપરા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ભારે પૂર જેવી સ્થિતિ સર્જાતા, સાવરકુંડલા તાલુકાના જૂના સાવર અને ભૂવા ગામ વચ્ચે આવેલા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યાં હતા.

જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદે ભારે અસર દેખાડી છે. મોટા ઉજળા ખાતે ચોટકીયાળી અને લોકી નદી બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે વડિયા પાસે આવેલી સાંકરોળી અને સુરવો  નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી. જેની અસર નદીકાંઠાના જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ગામડાઓ જેવા કે ચુડા, ઢોળવા, સાકરોળા તેમજ ચારણ સમઢિયાળા, ચારણિયા, ખજુરી ગુંદાળા સહિતના ગામોમાં જોવા મળી હતી. જ્યારે કુંકાવાવ-વડિયા પંથકમાં ચેકડેમો છલકાઈ જવા સાથે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ હતી.