Wed Sep 09 2026

Logo

રાંધણ ગેસના સંકટ વચ્ચે પીએમ મોદી એકશનમાંઃ અમિત શાહને સોંપી મોટી જવાબદારી

2026-03-12 15:07:00
Author: Mayur Patel
રાંધણ ગેસના સંકટ વચ્ચે પીએમ મોદી એકશનમાંઃ અમિત શાહને સોંપી મોટી જવાબદારી

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની અછત ઊભી ન થાય તેના માટે કેન્દ્ર સરકારે મોટી તૈયારી કરી છે. સરકારે એક ખાસ કમિટી બનાવી છે, જેની જવાબદારી દેશના દિગ્ગજ નેતાઓને સોંપવામાં આવી છે. 

પેટ્રોલ, ડીઝલ અને ગેસના પૂરવઠાના મોનિટરિંગ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે. ત્રણ મંત્રીની કમિટીમાં અમિત શાહ ઉપરાંત વિદેશ પ્રધાન એસ જયશંકર અને કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરીને પણ સામેલ કરવામાં આવ્યા છે.

મિડલ ઈસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધની માઠી અસર ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના રસોડા સુધી પહોંચી છે. ગેસ સંકટે ગૃહિણીઓ અને નાના વેપારીઓની ચિંતામાં તોતિંગ વધારો કર્યો છે. અમદાવાદ જેવા મેગા સિટીમાં દરરોજ 70 હજાર સિલિન્ડરની માંગ સામે માંડ 25 હજારનો પુરવઠો મળી રહ્યો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે સરકારી સર્વર પર લોડ વધતા ઓનલાઇન બુકિંગ સિસ્ટમ પણ ઠપ થઈ ગઈ છે.

વડોદરા, કાલોલ અને બોટાદ જેવા શહેરોમાં લોકો કામધંધો છોડીને ગેસ એજન્સી બહાર કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. સરકાર તરફથી ખાતરી તો આપવામાં આવી રહી છે, પરંતુ જમીની સ્તર પર સિલિન્ડરની અછતને કારણે જનતામાં ફફડાટ છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની જશે. માત્ર અમદાવાદ જ નહીં રાજ્ય સહિત દેશના અનેક શહેરોમાં ગેસ એજન્સી બહાર સિલિન્ડર લેવા માટે લાંબી લાઈનો જોવા મળતા આમ જનતાની સમસ્યા વધી છે.

નોયડાના સેક્ટર 18 મેઇન રોડ પર ગેસ સિલિન્ડર ન મળવાના કારણે પરેશાન લોકોએ ચક્કાજામ કર્યો હતો તેમ જ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. ગેસના કકળાટ વચ્ચે ગેસ ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિએશનનું કહેવું છે કે દેશમાં ઘરેલું એલપીજીની કોઈ કમી નથી.