Sun Jul 26 2026

Logo

ખોટી રીતે વિરોધ કરીને દેશની છબિને નુકસાન પહોંચાડે છેઃ અમિત શાહે આસામમાં રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

2026-03-15 16:22:39
Author: Mumbai Samachar Team
Article Image

ગુવાહાટીઃ આસામમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આસામની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. ગુવાહાટીમાં નવી તૈયાર થયેલી મેડિકલ કૉલેજનું લોકાર્પણ કરીને મેડિકલ સેવામાં વૃદ્ધિ કરી હતી. આ સાથે તેમણે આરોગ્યને લગતી રાજ્યની પ્રજા માટે જરૂરી એવી યોજનાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો. 

કોંગ્રેસ સરકાર પર ટોણો માર્યો

અમિત શાહે આસામમાંથી અગાઉની કોંગ્રેસ સરકાર પર ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના સુપ્રીમ નેતા રાહુલ ગાંધી સાંસદના પગથિયે બેસીને ચાય પીવે છે અને પકૌડા ખાય છે. આ રીતે વિરોધ પ્રદર્શન કરે છે. સંસદ દેશના લોકતંત્રની સૌથી મોટી સંસ્થા છે. એમના આંગણામાં આ પ્રકારનો વ્યવહાર યોગ્ય નથી. આસામમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષની સાથે વિરોધ પક્ષની આમનેસામને આક્ષેપબાજીઓ થઈ રહી છે. કોંગ્રેસે પણ આસામમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. રાહુલ ગાંધી દુનિયામાં ભારતની છબીને વિરોધ પ્રદર્શન કરીને ખરાબ કરી રહ્યા છે. 

વિરોધ પ્રદર્શન ખોટું નથી પણ રીત ખોટી

શાહે ઉમેર્યુ હતું કે, વિપક્ષને સરકારના જે તે મુદ્દા અને નિર્ણય સામે વિરોધ કરવાનો પૂરો અધિકાર છે. પણ સંસદની અંદર ચર્ચા કરવાના બદલે આવી રીતે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવાની રીત સાચી નથી. સંસદમાં ચર્ચા કરવાથી તેઓ બચી રહ્યા છે. જે લોકતાંત્રિક પરંપરાની વિરૂદ્ધમાં છે. જ્યારે દુનિયાભરના રાષ્ટ્ર ભારતની શક્તિ અને યુવા શક્તિની ક્ષમતા જોવા માટે ભારતમાં આવે છે, એવામાં આ પ્રકારના વિરોધ પ્રદર્શન દેશની જ છબીને ખરડી રહ્યા છે. 

દેશની પ્રજા પણ આ પ્રકારનો વ્યવહાર ક્યારેય સ્વીકારશે નહીં. લાંબા સમય સુધી કોંગ્રેસે સત્તા પર રહીને આરોગ્ય સેવાને મજબૂત કરવાના બદલે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન આપ્યું છે. 

મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

આસામની પ્રજાને લાંબા સમય સુધી આરોગ્યને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આસામમાં ભારતીય જનતા પાર્ટી એક ઉત્તમ સંદેશ લઈને આવી છે.મને પૂરો ભરોસો છે કે, આસામની પ્રજા સાથે રહીને ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં પોતાની સરકાર બનાવશે. કોંગ્રેસના શાસનમાં આસામમાં અનેક મુદ્દાઓ પર હિંસા થઈ હતી, જેમાં અનેક યુવાનોના મોત નીપજ્યા હતા. 

કોંગ્રેસ સરકારે આસામના યુવાનો માટે કંઈ કર્યું નથી. માત્ર એમના નેતા અને પરિવારજનોના ફાયદા માટે જ કામ કર્યું છે. પ્રજા ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરશે તો ઘૂસણખોરી કરનારાઓને દેશ નિકાલ કરી દેશે.