Tue Aug 18 2026

Logo

અજીત ડોભાલને લોકમાન્ય તિલક પુરસ્કાર,આ પ્રસંગે શાહે ગુજરાત પોલીસને કેમ યાદ કરી?

2026-08-01 17:37:01
Author: Mumbai Samachar Team
Article Image

PTI


પૂણેઃ પૂણેમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ પૂણે શહેરની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપીને સુરક્ષા સલાહકારનું સન્માન કર્યું હતું. પોતાના સંબોધનમાં પણ તેમણે અજીત ડોભાલના ખૂબ વખાણ કર્યા છે. શાહે કહ્યું કે, દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં ડોભાલ મોટી અને મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.  ડોભાલને મળેલી એક મહત્ત્વની જાણકારી બાદ ગુજરાત પોલીસે દેશભરમાં ઈન્ડિયન મુઝાહિદીનના 13 બોંબ બ્લાસ્ટલનો કેસ ઉકેલી નાંખ્યો હતો. અમિત શાહ દ્વારા અજીત ડોભાલને લોકસમાન્ય તિલક પુરસ્કાર મળ્યો છે. 

ગુજરાત પોલીસનો ઉલ્લેખ કર્યો
શાહે પોતાની વાત આગળ કરતા ઉમેર્યું હતું કે, ડોભાલે ઈન્ડિયન મુઝાહિદીનના 13 બોંબ બ્લાસ્ટ અંગેની જે તપાસ ચાલી રહી હતી એ સંબંધિત એક મહત્ત્વની ટીપ મને આપી હતી. એ પછી દેશભરમાં સિરીયલ બ્લાસ્ટનો કેસ ગુજરાત પોલીસે ઉકેલી નાંખ્યો હતો.ડોભાલનો વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પણ ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે.રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા જે વિષયો પર ચિંતન, ચર્ચા, મંથન થયું એનો નિષ્કર્ષ લાંબા સમય સુધી માત્ર પ્રસ્તાવો અને પુસ્તકમાં જ સિમીત રહ્યો હતો. પણ વર્ષ 2014 બાદ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવી અને ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા એ સમયથી વિચારો અને નિષ્કર્ષને ગ્રાઉન્ડ લેવલ પર ઊતારવાનું કામ શરૂ થયું. આપણે બધા અજિત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જાણીએ છીએ, છતાં તેમના યોગદાનના ઘણા પાસાં છે જેને વ્યાપક પ્રસિદ્ધિ મળતી નથી. 

સૌથી લાંબો કાર્યકાળ
આજે આ યોગદાનને પ્રકાશિત કરવાની તક અને યોગ્ય સમય બંને રજૂ કરે છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ અજિત ડોભાલના નામે છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતના સુરક્ષા તંત્રને મજબૂત બનાવવામાં, સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ કરવામાં, સમકાલીન સુધારાઓ અમલમાં મૂકવામાં અને સૈન્યમાં ટેકનોલોજી અને બહાદુરી વચ્ચે શ્રેષ્ઠ તાલમેલને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઘણા મોટા નિર્ણયો લીધા છે, અજિત ડોભાલના વ્યાપક અનુભવ અને વ્યૂહાત્મક સલાહકારે આ નિર્ણયોને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.છેલ્લા બાર વર્ષમાં વડા પ્રધાન મોદીએ ભારતની સુરક્ષા વ્યવસ્થાની સુરક્ષાત્મક અને આક્રમક ક્ષમતામાં મોટા પરિવર્તન કર્યા છે, જેમાં અજીત ડોભાલનું યોગદાન અતિ મહત્ત્વનું રહ્યું છે. 

દેશસેવા કરતા રહે
જ્યારે તિલક સ્મારક ટ્રસ્ટ તરફથી મને ફોન આવ્યો અને જણાવ્યું કે, ટ્રસ્ટની સિલેક્શન કમિટીએ આ વર્ષે અજીત ડોભાલનું સિલેક્શન કર્યું છે અને પૂછ્યું કે, આ કાર્યક્રમમાં હું આવી શકીશ કે નહીં? એ સમયે મેં કહ્યું હતું કે, આ સન્માન સમારોહમાં હું ઉપસ્થિત રહીને અજીત ડોભાલને પુરસ્કાર પ્રદાન કરીને ખુશી વ્યક્ત કરીશ. હું અવશ્ય આવીશ. આજે લોકમાન્ય તિલક, છત્રપતિ શિવાજી મહારાજ અને પેશ્વાઓની પુણ્યભૂમિ પર આપણે એક સાચા અને જન્મજાત દેશભક્તનું સન્માન કર્યું છે. ઈશ્વરને પ્રાર્થના કરીશ કે, ડોભાલને દીર્ધાયુ મળે. સ્વસ્થ રહે અને લાંબા સમય સુધી દેશની સેવા કરતા રહે.