Fri May 01 2026

Logo

અમદાવાદમાં હવે PG પર તવાઈ, ક્યા વિસ્તારમાં 65 PG કરાયાં સીલ ?

2026-02-20 12:18:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદે પેઈંગ ગેસ્ટ (PG) ચાલી રહ્યા છે. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજુરી વગર ચાલતા PG સામે લાલ આંખ કરી હતી. તંત્ર દ્વારા શહેરના બોડકદેવ, ચાંદલોડિયા તથા ગોતામાં 65 PG સીલ કરતાં ચકચાર મચી ગઈ હતી. PG સીલ કરવામાં આવતાં ગત રાત્રે 100 જેટલા યુવક-યુવતીનું ટોળું બોડકદેવ ઝોનલ કચેરીમાં સૂવા માટે પહોંચી જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યુનિ.નાં ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ ખાતાની ટીમોએ બોડકદેવમાં પ્રેમચંદનગર સોસાયટીમાં, ચાંદલોડિયા વોર્ડના ત્રાગડમાં આનંદવિહાર સોસાયટીમાં તેમજ ગોતામાં વિરાટ એપાર્ટમેન્ટમાં મંજૂરી વગર તેમજ નિયમભંગ કરી ચલાવવામાં આવતા PG સામે કાર્યવાહી કરીને સીલ કરવામાં આવ્યા હતા. મ્યુનિ.નાં આકરા વલણને પગલે PGમાં રહેતાં યુવક-યુવતીઓ તેમજ અન્ય લોકોનું મોટું ટોળું  બોડકદેવ ખાતેની ઝોનલ કચેરીએ સાંજે પહોંચી ગયું હતું અને તેમને રહેવાની કોઇ વ્યવસ્થા નથી એટલે તેઓ અહીં જ સૂઇ જશે તેમ કહી કચેરીમાં બેસી ગયા હતા, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

 સૂત્રોનાં જણાવ્યા અનુસાર, PG તરીકે મકાન આપી કમાણી કરતાં લોકો PG ચલાવવાનાં નિયમોનું પાલન કરતાં નથી અને મ્યુનિ. દ્વારા કાર્યવાહી કરવામાં આવે ત્યારે PGમાં રહેનારાને ઉશ્કેરી રહ્યાં છે. એટલું જ નહિ, જે તે સોસાયટીમાં PG તરીકે મકાન ભાડે આપનારા સામે સોસાયટીમાંથી જ વિરોધ થતો હોય છે તેમ છતાં કેટલાક લોકો દાદાગીરી કરીને PG ચલાવતા હોય છે.

થોડા દિવસ પહેલાં એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા મેમનગર વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા ત્રણ PGને સીલ કરી દેવામાં આવ્યા હતા. ગુરુકુળ રોડ પાસે આવેલી સ્ટર્લિંગ સોસાયટી અને નીલમણી સોસાયટીમાં વગર મંજૂરીએ પીજી ચલાવવામાં આવતા હોવાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.  

PGના શું છે નિયમો

AMCના નિયમો મુજબ, કોઈપણ સોસાયટી કે ફ્લેટમાં પીજી અથવા હોસ્ટેલ શરૂ કરવા માટે ફરજિયાતપણે પોલીસ વેરિફિકેશન, ફાયર સેફ્ટીનું NOC અને જે-તે સોસાયટીનું NOC મેળવવું ફરજિયાત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેમનગરના આ પીજી સંચાલકોને અગાઉ બે વખત નોટિસ આપીને પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. અંતિમ ત્રણ દિવસની નોટિસ છતાં કોઈ સંતોષકારક જવાબ કે દસ્તાવેજ ન મળતા એસ્ટેટ વિભાગે કડક વલણ અપનાવ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની પીજી-હોસ્ટેલ નીતિ મુજબ, નિયમભંગ કરનારાઓને પ્રથમ 15 દિવસનો સમય આપવામાં આવે છે, ત્યારબાદ 3 દિવસની ફાઈનલ નોટિસ આપીને સીલિંગની કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમાં હાલ 250થી વધુ પીજી હોસ્ટેલ કાર્યરત છે, તંત્રને શંકા છે કે આમાંથી મોટાભાગના પીજી પોલીસ વેરિફિકેશન કે સોસાયટીની મંજૂરી વગર જ ચાલી રહ્યા છે.

 સપ્ટેમ્બર, 2025માં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પેઇંગ ગેસ્ટ સુવિધાના નિયમોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્પષ્ટ નિયમો હોવા છતાં, ઉલ્લંઘનના કિસ્સામાં એએમસી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે તેમણે પોતાની સોસાયટીમાં ગેરકાયદેસર પીજી સંચાલન અંગે અનેક ફરિયાદો કરી હતી, પરંતુ એએમસી યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ રહી છે. તેમણે પાર્કિંગ સુવિધા વિના ચાલતા પીજી ઓપરેટરોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જેના પર મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને નિયમોનું કડકપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.