Mon Oct 05 2026

Logo

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળામાં પ્રસાદ રૂપે 4 લાખ કિલો મોહનથાળનું વિતરણ કરાશે

2026-09-20 18:17:00
Author: Chandrakant Kanoja
અંબાજીમાં ભાદરવી પૂનમ મેળામાં પ્રસાદ રૂપે 4 લાખ કિલો મોહનથાળનું વિતરણ કરાશે

અંબાજી: ગુજરાતમાં શકિતપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં માઇભક્તો અંબાજી પહોંચ્યા છે. ત્યારે ભાદરવી પૂનમ મહામેળા 2026 માટે માં અંબાના પ્રસાદરૂપે 40 લાખ પેકેટ મોહનથાળ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

પ્રસાદરૂપે 4 લાખ કિલો મોહનથાળ બનાવાશે 

જેમાં 4 લાખ કિલો મોહનથાળમાં 6,000 ડબ્બા શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ  26 પ્રસાદ વિતરણ કેન્દ્રો મારફતે ભક્તો સુધી પ્રસાદ પહોંચાડવાની તૈયારીઓ થઈ રહી છે.

અંબાજી જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યું 

જેમાં મેળાના પ્રથમ દિવસે જ અંબાજી ધામમાં માઈભક્તોની ભીડ જોવા મળી છે. જેના લીધે  સમગ્ર અંબાજી જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં માઈભક્તોની ભીડ વધવાની શકયતા છે. જેના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. 

સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી

ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચતા હોય છે. તેમજ  મંદિર પરિસરમાં ભીડ નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્રએ ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં અલગ અલગ સ્થળોએથી પ્રવેશ માટેની વ્યવસ્થામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. 

વહીવટી તંત્ર દ્વારા 28 જેટલી સમિતિઓ બનાવાઈ

ભાદરવી પૂનમના પગલે વહીવટી તંત્ર દ્વારા 28 જેટલી સમિતિઓ બનાવાઈ છે. જેને જુદા જુદા કામ અને સુરક્ષાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. જિલ્લા પોલીસવડા તરફથી એક ટીમ તૈયાર કરીને પદયાત્રીઓના પોષાક પર નાઈટ વિઝન ટેગ લગાવવામાં આવ્યા છે.

ડ્રોન શો અને ઝળહળતી રોશની આકર્ષણનું કેન્દ્ર 

ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન આકાશમાં આધુનિક ડ્રોન શો અને ઝળહળતી રોશની આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર અંબાજી ધામ અત્યારથી જ ભક્તિમય માહોલમાં રંગાયું છે. વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓની સુવિધા, સુરક્ષા અને  દર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.