Sun Mar 08 2026

Logo

ભારતીય ટીમે શાનદાર ફેરવેલ આપ્યા પછી અલીઝા હિલી બની મૅચ-વિનર

6 days ago
Author: Ajay Motiwala
Article Image

હૉબાર્ટઃ ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન અને ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કની પત્ની અલીઝા હિલી (Healy)  રવિવારે કરીઅરની અંતિમ વન-ડે રમી હતી અને એમાં તેણે મૅચ-વિનિંગ સેન્ચુરી ફટકારી હતી. તે 2024માં છેલ્લી ટી-20 રમી હતી.

હિલી બૅટિંગ કરવા મેદાન પર ઊતરી ત્યારે ભારતીય ખેલાડીઓએ બન્ને બાજુએ કતારમાં ઊભા રહીને હિલીને આખરી મૅચ બદલ શાનદાર ફેરવેલ (Farewell) આપ્યું હતું. હિલીએ ભારતીય ખેલાડીઓનો આભાર માન્યો હતો અને કૅપ્ટન હરમનપ્રીત કૌર સાથે હાથ મિલાવીને બૅટિંગ કરવા પિચ પર ગઈ હતી.

35 વર્ષીય હિલીએ 98 બૉલમાં 158 રન તથા વિકેટકીપર બેથ મૂનીએ 84 બૉલમાં અણનમ 106 રન કરીને ઑસ્ટ્રેલિયાને 7/409નું તોતિંગ ટોટલ અપાવ્યું હતું. શ્રીચરની અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ એક પણ પ્લેયરની હાફ સેન્ચુરી વિના માત્ર 224 રને આઉટ થઈ જતાં 185 રનથી ભારતનો પરાજય થયો હતો. સ્નેહ રાણાએ 44 રન અને જેમિમા રૉડ્રિગ્સે 42 રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાની આઠ બોલરમાંથી અલાના કિંગે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. હિલીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. તે હવે ભારત સામેની પિન્ક બૉલ ટેસ્ટ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેશે. ભારતીય ટીમ આ વન-ડે સિરીઝ 0-3થી હારી ગઈ.