Thu Jan 29 2026

Logo

White Logo

એકસ્ટ્રા અફેરઃ અજિત પવાર વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા

2 hours ago
Author: Mumbaisamachar Team
Video

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક અને અકાળ નિધને આખા દેશને સ્તબ્ધ કરી દીધો. માત્ર 66 વર્ષના અજિત પવાર વતન બારામતીમાં જાહેરસભાને સંબોધવા જતા હતા ત્યારે પ્રાઈવેટ પ્લેનમાં લેન્ડિંગ વખતે જ કંઈક ખામી સર્જાતાં બારામતીના એરપોર્ટ પર જ વિમાન સળગી ગયું ને અજિત પવારની સાથે પ્લેનમાં મુસાફરી કરી રહેલા પાંચેય લોકોનું મૃત્યુ થયું હતું. બારામતીની જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર માટે પહોંચનારા અજિતની  બારામતીમાં લોકો રાહ જોઈ રહ્યા હતા પણ અજિતના બદલે તેમના મોતના સમાચાર મળ્યા.

અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા. શરદ પવારે ઊભી કરેલી રાજકીય મૂડીના જોરે રાજકીય કારકિર્દી બનાવનારા અજિતદાદા મોટા ભાગનો સમય કાકા શરદ પવારની નિશ્રામાં રહ્યા તેથી કાકાના બધા ગુણો તેમણે બરાબર આત્મસાત કર્યા હતા. 

કાકાની જેમ જ સત્તા માટે ગમે તેવાં સમાધાન કરી લેવાથી માંડીને ગમે ત્યારે ગુલાંટ લગાવવા સુધીનું બધું અજિતદાદાએ કર્યું. ભ્રષ્ટાચારમાં પણ તેમનું નામ બરાબર ખરડાયું અને એક તબક્કે તો ભાજપે અજિત પવારને મહાભ્રષ્ટાચારી ગણાવીને બરાબરનો ઉપાડો લીધો હતો. ભાજપની સરકારે તેમની સામે કેસો પણ કરેલો પણ જેવા અજિતદાદા ભાજપની પંગતમાં બેઠા કે તેમનાં બધાં પાપ ધોવાઈ ગયાં. 

કોઈ પણ મોટા નેતાનું અકસ્માત કે બીજી કોઈ પણ રહસ્યમય રીતે મોત થાય એટલે તરત કોન્સ્પિરસી થિયરીઝ વહેતી થઈ જતી હોય છે. નેતાજીને કાવતરું કરાવીને પતાવી દેવાયા હોવાની વાતો ફરતી થઈ જાય છે. અજિત પવારના મોત પછી પણ એવી વાતો વહેતી થઈ જ છે. સોશ્યલ મીડિયા પર તો એ બધું ચાલે જ છે પણ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ અજિતના મોત અંગે શંકા વ્યક્ત કરી છે. 

મમતાનું કહેવું છે કે, અજિત પવાર અને શરદ પવારની પાર્ટી એકબીજામાં ભળી જવાની હતી ને કાકો-ભત્રીજો એક થઈ જવાના હતા તેથી ઘણાંના પેટમાં દુ:ખવા માંડેલું. મમતાએ વિમાન દુર્ઘટનાની તપાસ કરાવવામાં આવે એવી માગણી કરી છે. મમતાએ એમ પણ કહી દીધું છે કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ વેચાયેલી છે તેથી સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ થવી જોઈએ.

કેન્દ્ર સરકારની એજન્સીઓ ભાજપ સરકારના ઈશારે કામ કરે છે એવું મમતા સહિતના વિપક્ષી નેતાઓ છાસવારે કહ્યા કરે છે. મમતાએ અત્યારે પણ એ જ ઈશારો કર્યો છે તેથી મમતાનો કહેવાનો મતલબ એ છે કે, અજિત પવારને પતાવી દેવામાં ભાજપનો હાથ હોઈ શકે. મમતાની વાત કહેતા બી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવી છે. અજિત પવાર ભાજપના સાથી હતા ને ભાજપને કોઈ રીતે નડતા જ નહોતા પછી ભાજપ તેમનો કાંટો શું કરવા કાઢી નાખે? 

અજિત પવાર અને શરદ પવાર એક થઈ જવાના હતા કે નહીં એ ખબર નથી પણ બંને એક થાય તો પણ ભાજપને તેનાથી કોઈ ફરક પડવાનો નહોતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં અત્યારની સ્થિતિએ ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાને ત્રીજા કોઈની જરૂર જ નથી તેથી માનો કે, અજિત પવાર પાછા પોતાના કાકા સાથે જતા રહે તો પણ ભાજપને કોઈ ફરક પડવાનો નહોતો. અજિત પવારને દૂર કરવા માટે બીજું કોઈ કારણ પણ નથી તેથી મમતાની વાત રાજકીય રોટલો શેકવા માટેની ફેંકાફેંકથી વિશેષ કંઈ જ નથી.

મમતાએ તપાસની માગ કરી છે એ ઠીક છે પણ એ તપાસ તો થવાની જ છે ને? મમતાએ સુપ્રીમ કોર્ટના સુપરવિઝનમાં તપાસની માગણી કરી છે પણ તેની જરૂર નથી. અજિત પવારનું પ્લેન કઈ રીતે તૂટી પડ્યું તેની તપાસ લાગતા વળગતા સત્તાવાળા કરશે જ ને તેમાં સત્ય બહાર આવશે જ. પ્લેન ક્રેશ થાય એ ગંભીર મુદ્દો છે પણ તેને માટે રાજકીય કારણ જ જવાબદાર હોય એ જરૂરી નથી. 

ભારતમાં વ્હીકલ્સનું મેન્ટેનન્સ ગંભીર સમસ્યા છે જ ને આ વાત સામાન્ય માણસથી માંડીને મોટી કંપનીઓ સુધી બધાંને લાગુ પડે છે. પવાર જે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા તેનું યોગ્ય મેન્ટેનન્સ ના થયું હોય ને તેનો ભોગ અજીત પવાર બની ગયા હોય એ શક્ય છે. ભાંગફોડ પણ કારણ હોઈ શકે પણ કોઈ પણ તારણ પર પહોંચતાં પહેલાં તપાસના રિપોર્ટની રાહ જોવી જોઈએ.

અજિત પવારના મોતથી મહારાષ્ટ્રના રાજકારણનાં સમીકરણો બદલાયાં છે અને હવે શું થાય છે એ મુદ્દો મહત્ત્વનો છે. શરદ પવારની પાર્ટીમાં ભંગાણ પડાવવા માટે ભાજપે અજીત પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવીને લીલા તોરણે પોંખ્યા હતા પણ હવે નાયબ મુખ્ય પ્રધાન પદનો હોદ્દો એનસીપીને મળે છે કે ભાજપ અજિતદાદા ગયા એટલે બધું ગયું એમ સમજીને એનસીપીને લટકાવી દે છે એ જોવાનું રહે છે. એનસીપી પાસે નાયબ મુખ્ય પ્રધાન બને એવો બીજો નેતા નથી પણ ભાજપ દયા ખાઈને અજિતદાદાના દીકરા કે પત્નીને નાયબ મુખ્ય પ્રધાન પદ આપી દે એવું બને પણ ભાજપની નીતિને જોતાં એવી શક્યતા નહિવત છે.

અજિત પવારની વિદાય પછી એનસીપીનું શું થાય છે એ પણ જોવાનું રહે છે. અજિત પવાર શરદ પવારના હાથ નીચે પળોટાયેલા હતા ને ગુરુ કરતાં શિષ્ય સવાયો હોય એ હિસાબે શરદ પવારને આંટી મારીને સત્તાસ્થાને બેસી ગયા હતા. અજિતદાદાની અકાળ વિદાયથી એનસીપી નોંધારી થઈ ગઈ છે કેમ કે એનસીપી પાસે બીજો કોઈ ધુરંધર નેતા નથી. 

અજિત પવારનો દીકરો પાર્થ અને પત્નિ બંને રાજકારણમાં છે ખરાં પણ અજિતદાદા જેવી કાબેલિયત તેમની પાસે નથી તેથી એનસીપીનું રાજકીય ભાવિ શું હશે એ પણ સવાલ છે. અજિતનો પરિવાર પાછો શરદ પવારની નિશ્રામાં જતો રહે ને બંને એનસીપી એક થાય એવું પણ બને. ભાજપ પણ અત્યારે તો એવું જ ઈચ્છતો હશે કે જેથી ટાઢે પાણીએ ખસ જાય ને એનસીપીનાં મંત્રીપદ પોતાના ધારાસભ્યોમાં વહેંચીને તેમને રાજી કરી શકાય.