Thu Jun 25 2026

Logo

એર ઈન્ડિયા કનિષ્ક બ્લાસ્ટ: કેનેડાએ 41 વર્ષ પછી સ્વીકાર્યું – હુમલા પાછળ ખાલિસ્તાનીઓનો હાથ હતો

2026-06-25 19:51:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: એર ઇન્ડિયાની ફ્લાઇટ 182માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર દાયકાથી વધુ સમય બાદ કેનેડાની મુખ્ય ગુપ્તચર એજન્સી કેનેડિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (સીએસઆઈએસ)એ પ્રથમવાર સ્પષ્ટપણે કેનેડામાં સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓએ વિસ્ફોટકો લગાવવા માટે જવાબદાર ઠેરવ્યા છે. 

આ વિસ્ફોટમાં 329 લોકોના મોત થયા હતા. બીજી તરફ ભારતે શરૂઆતથી જ કહ્યું હતું કે 1985ની દુર્ઘટના એક ખાલિસ્તાની કાવતરું હતું, અત્યાર સુધી કેનેડાએ જાહેરમાં ખાલિસ્તાનીઓનું નામ લેવાનું ટાળ્યું હતું, પણ 41 વર્ષ પછી એની કબૂલાત કરીને સૌને ચોંકાવ્યા છે.

આ દુર્ઘટનાની યાદમાં બુધવારે કરવામાં આવેલા એક ફેસબુક પોસ્ટમાં સીએસઆઈએસ એ સીધા જ હુમલા પાછળ અલગતાવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતા. અહેવાલમાં જણાવ્યું હતું કે "23 જૂન, 1985ના કેનેડા સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા મૂકવામાં આવેલા બોમ્બે વિમાનને નષ્ટ કર્યું હતું. જેના કારણે તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. જેમાંથી મોટા ભાગના કેનેડિયન હતા. તે કેનેડાના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો અને આપણા રાષ્ટ્રીય સુરક્ષા સમુદાય માટે એક નિર્ણાયક ક્ષણ છે." 

ટોરન્ટોથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ 182 (બોઈંગ 747 જેને સમ્રાટ કનિષ્ક નામ આપવામાં આવ્યું હતું)માં બોમ્બ વિસ્ફોટ કેનેડાના ઇતિહાસનો સૌથી ભયાનક આતંકવાદી હુમલો હતો અને 11, સપ્ટેમ્બર 2001ના હુમલા સુધી દુનિયાનો સૌથી ઘાતક એવિયેશન ટેરરિઝમનું કૃત્ય હતું.