ફૂલ ગુલાબી ઠંડી ધીરે ધીરે રાજ્ય સહિત શહેરમાંતી વિદાય લઈ રહી છે અને બપોરે સૂર્યનારાયણ વ્યવસ્થિત રીતે પોતાની કૃપાદ્રષ્ટિ વરસાવી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો હવે સ્વેટર અને શાલની સિઝન વિદાય લઈ રહી છે અને એસીવાળી સિઝન ધીમા પગલે દસ્તક આપી રહી છે. આપણામાંથી મોટાભાગના લોકોના ઘરોમાં એસી હોય છે અને તમને ખ્યાલ હોય તો એસી હંમેશા ટનના હિસાબે ખરીદવામાં આવે છે. પરંતુ શું તમને ખ્યાલ છે એસીમાં આ ટનનો શું અર્થ થાય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ...
ઉનાળાની ઋતુ આવે એટલે એસીની ખરીદીમાં ઉછાળો જોવા મળે છે, પરંતુ મોટાભાગના ગ્રાહકો એસીની ક્ષમતા એટલે કે ‘ટન’ના અસલી અર્થથી અજાણ હોય છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે ટન એ એસીનું વજન દર્શાવે છે, પરંતુ હકીકતમાં તેનો સીધો સંબંધ એસીની ઠંડક કરવાની ક્ષમતા એટલે કે કુલિંગ કેપેસિટી સાથે રહેલો છે. આજે આપણે આ સ્ટોરીમાં એના વિશે જ વાત કરીશું.
વાત કરીએ એસીમાં ટનનો અર્થ શું છે એની તો એસીમાં ટનનો અર્થ સમજવા માટે વિજ્ઞાનનો એક રસપ્રદ સિદ્ધાંત કામ કરે છે. જો તમે એક ટનનું એસી ખરીદો છો, તો તેનો અર્થ એ છે કે તે એસી તમારા રૂમમાંથી એક કલાકમાં એટલી ગરમી દૂર કરી શકે છે જેટલી ગરમી એક ટન એટલે કે 1000 કિલો બરફ ઓગળતી વખતે શોષી લે છે. સરળ શબ્દોમાં કહીએ તો, એક ટનનું એસી તમારા રૂમમાં રાખેલા 1000 કિલો બરફ જેટલી જ ઠંડક આપવાની ક્ષમતા ધરાવે છે.
જ્યારે પણ ઘર કે ઓફિસ માટે યોગ્ય એસીની પસંદગી કરવામાં આવે ત્યારે રૂમનું કદ સૌથી મહત્વનું પરિબળ છે. જો રૂમ 100 સ્ક્વેરફૂટથી નાનો હોય, તો તેના માટે એક ટનનું એસી પૂરતું થઈ પડે છે. જો રૂમની સાઈઝ 100થી 150 સ્ક્વેર ફૂટની વચ્ચે હોય, તો 1.5 ટનનું એસી લેવું હિતાવહ છે, કારણ કે ઓછી ક્ષમતાવાળું એસી મોટા રૂમમાં લાંબા સમય સુધી ચાલવા છતાં યોગ્ય ઠંડક આપી શકતું નથી અને તેનાથી ઈલેક્ટ્રિસિટી બિલ પણ વધારે આવે છે. જો તમારો રૂમ 150 સ્ક્વેર ફૂટથી મોટો હોય, તો બે ટનનું એસી શ્રેષ્ઠ પરિણામ આપે છે. આ ગણતરીમાં રૂમની ઊંચાઈ અને તેમાં રહેલી બારીઓની સંખ્યા પણ મહત્વનો ભાગ ભજવે છે.
સૌથી મહત્ત્વની વાત એટલે એસી ખરીદતી વખતે માત્ર ટન જ નહીં, પણ તે રૂમ કયા માળે આવેલો છે તે જોવું પણ અનિવાર્ય છે. જો રૂમ બિલ્ડિંગના સૌથી ઉપરના માળે હોય અને છત પર સીધો સૂર્યપ્રકાશ પડતો હોય, તો સામાન્ય ગણતરી કરતા થોડી વધારે ક્ષમતાવાળું એસી પસંદ કરવું જોઈએ જેથી ભરબપોરે પણ રૂમ ઝડપથી ઠંડો થઈ શકે. આ સાથે જ ટેકનોલોજીના જમાનામાં ઈન્વર્ટર એસી એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યા છે, જે ઈલેક્ટ્રિસિટી બચત કરવાની સાથે કોમ્પ્રેસરના અવાજને પણ ઓછો કરે છે.
આમ, તમારા રૂમની જરૂરિયાત અને ભૌગોલિક સ્થિતિને સમજીને જો એસીની પસંદગી કરવામાં આવે, તો તે લાંબા ગાળે આર્થિક રીતે પણ ફાયદાકારક રહે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ હિમાલય જેવી ઠંડકનો અહેસાસ કરાવે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી વાતો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...